Prateek Yadav Death News: ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ પ્રતીક યાદવનું આજે સવારે લખનૌમાં અવસાન થયું છે. 38 વર્ષીય પ્રતીક યાદવને લખનૌની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પ્રતીકના નિધનના સમાચાર મળતા જ અખિલેશ યાદવ અને પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલ પહોંચી ગયા હતા. મહત્વનું છે કે, પ્રતીક યાદવ લાંબા સમયથી ફેફસાની બીમારીથી પીડાતા હોવાનું જાણવા મળ્યું છે. તેમના શરીર પર, ખાસ કરીને હાથ અને છાતીના ભાગે વાદળી નિશાનો જોવા મળ્યા છે, જે તબીબી નિષ્ણાતોના મતે, લોહીના પરિભ્રમણમાં ગંભીર સમસ્યા અથવા જૂની ઈજાના સંકેત હોઈ શકે છે. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે જેથી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાય.
ડિપ્રેશન અને સ્વાસ્થ્ય સમસ્યાઓથી હતા પરેશાન
સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતીક યાદવ છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ઝૂઝી રહ્યા હતા. તેઓ ડિપ્રેશન (માનસિક તણાવ)માં હતા અને તેમને વેન્સ (નસો)ને લગતી બીમારીની સારવાર ગુરુગ્રામમાં ચાલી રહી હતી. જોકે, તેમના મૃત્યુનું સચોટ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના પુત્ર પ્રતીક યાદવનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. પ્રતીક યાદવ કેસમાં પોલીસ જરૂરી સાવચેતીના પગલાં લઈ રહી છે. પ્રાથમિક પ્રક્રિયા તરીકે, જે ઘરમાં પ્રતીક યાદવ મળી આવ્યો હતો તે રૂમને તાળું મારી દેવામાં આવ્યું છે. પોલીસે પ્રતીકનો મોબાઈલ ફોન અને લેપટોપ પણ જપ્ત કર્યો છે. પોલીસ પ્રતીક યાદવના પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેનાથી ઘણા પ્રશ્નો ઉકેલાઈ જશે. લખનૌ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રતીકને સવારે લગભગ 6:15 વાગ્યે લખનૌ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રતીક યાદવને તેના પરિવારના સભ્યો હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની પત્ની અપર્ણા યાદવ તે સમયે તેની સાથે નહોતી. પ્રતીકના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘરે અચાનક તેની તબિયત બગડી ગઈ હતી, જેના પછી તેના પરિવારના સભ્યો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ સ્પષ્ટ થશે કે પ્રતીકનું મૃત્યુ શા માટે થયું.
“મને તો માત્ર ક્રિકેટ અને જિમ જ ગમે છે...”: ગઈકાલ સુધી તંદુરસ્ત દેખાતા અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું અચાનક મોત
રાજકારણથી દૂર અને ફિટનેસના શોખીન
પ્રતીક યાદવ મુલાયમ સિંહ યાદવની બીજી પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા. ઉત્તર પ્રદેશના સૌથી શક્તિશાળી રાજકીય પરિવારમાંથી હોવા છતાં, પ્રતીકે ક્યારેય સક્રિય રાજકારણમાં રસ દાખવ્યો નહોતો. તેઓ લખનૌમાં 'ધ ફિટનેસ પ્લેનેટ' નામની જીમ ચલાવતા હતા અને પોતે પણ ફિટનેસના ખૂબ જ શોખીન હતા. તેમના લગ્ન 2011માં અપર્ણા યાદવ સાથે થયા હતા, જે હાલમાં ઉત્તર પ્રદેશ ભાજપના સક્રિય નેતા છે.
કરોડોની સંપત્તિ અને લક્ઝરી કારોના હતા શોખીન
પ્રતીક યાદવ એક સફળ બિઝનેસમેન હતા. ફોર્બ્સ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, તેમની અંદાજિત સંપત્તિ 6-7 કરોડ રૂપિયાની આસપાસ હતી, જેમાં રિયલ એસ્ટેટ બિઝનેસનો મોટો હિસ્સો હતો. આ ઉપરાંત, તેઓ લખનઉમાં 'આયર્ન કોર ફિટ' જેવા હાઈ-એન્ડ જિમ અને ફિટનેસ સેન્ટર ચલાવતા હતા. તેઓ પોતે પણ ફિટનેસના ખૂબ શોખીન હતા. પ્રતીક યાદવને લક્ઝરી કારોનો પણ જબરદસ્ત શોખ હતો; તેમના કલેક્શનમાં અંદાજે 5 કરોડની લેમ્બોર્ગિની, રેન્જ રોવર અને ફોર્ચ્યુનર જેવી ગાડીઓ સામેલ હતી. તેમને કાર રેસિંગમાં પણ વિશેષ રુચિ હતી.
અખિલેશ યાદવના ભાઈનું નિધન: અપર્ણા યાદવના પતિએ 38ની વયે દેહ છોડ્યો
અખિલેશ યાદવની પ્રતિક્રિયા: ‘તે મોટું કામ કરવા માંગતો હતો’
પોતાના ભાઈના નિધન પર ઘેરો શોક વ્યક્ત કરતા સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, "પ્રતીકનું આ રીતે જવું અત્યંત દુખદ છે. તે જીવનમાં કંઈક મોટું કામ કરવા માંગતો હતો અને હંમેશા પોતાના વ્યવસાય અને ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કરતો હતો". અખિલેશે વધુમાં જણાવ્યું કે, હવે પરિવાર જે રીતે નક્કી કરશે તે મુજબ આગળની વિધિ કરવામાં આવશે. પ્રતીકના અવસાનને પગલે સપા પ્રમુખે પોતાના તમામ જાહેર કાર્યક્રમો રદ કર્યા છે.
CM યોગી અને અન્ય નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રતીક યાદવના આકસ્મિક નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે, "શ્રી પ્રતીક યાદવજીનું અવસાન અત્યંત હૃદયદ્રાવક છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે દિવંગત આત્માને શાંતિ આપે અને પરિવારને આ અસીમ દુઃખ સહન કરવાની શક્તિ આપે". ભાજપે પણ આ દુખદ સમાચારને પગલે બુધવારે યોજાનારા પોતાના કેટલાક વિરોધ પ્રદર્શનો મોકૂફ રાખ્યા છે.





