Home National Prateek Yadav Passes Away At 38 Lucknow

અખિલેશ યાદવના ભાઈનું નિધન : અપર્ણા યાદવના પતિએ 38ની વયે દેહ છોડ્યો

પ્રતિક યાદવ
Image Credit: @iamprateekyadav
Published by: Chintan Chavda
Last Updated: May 13, 2026, 04:14 AM IST

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના પરિવાર પરથી એક અત્યંત દુખદ સમાચાર સામે આવ્યા છે. સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર પ્રતીક યાદવનું બુધવારે સવારે 38 વર્ષની વયે અવસાન થયું છે. પ્રતીક યાદવને અચાનક તબિયત બગડતા લખનઉની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

પ્રતીક યાદવ રાજકારણથી દૂર રહેતા હોવા છતાં યાદવ પરિવારના જાણીતા સભ્ય તરીકે ઓળખાતા હતા. તેઓ ભાજપ નેતા અપર્ણા યાદવના પતિ હતા. તેમના નિધનના સમાચાર સામે આવતા ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં તેમજ સમાજવાદી પાર્ટીના કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

સવારે તબિયત બગડતા હોસ્પિટલ ખસેડાયા

અહેવાલો મુજબ બુધવારે વહેલી સવારે પ્રતીક યાદવની તબિયત અચાનક વધુ બગડી ગઈ હતી. સિવિલ હોસ્પિટલના તબીબોને સવારે લગભગ પાંચ વાગ્યે તેમના ઘરે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ સવારે લગભગ 5:55 વાગ્યે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

હાલ તેમના મૃત્યુનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. વિવિધ અહેવાલોમાં જણાવાયું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા અને થોડા સમય પહેલાં મેદાંતા હોસ્પિટલમાં પણ સારવાર હેઠળ રહ્યા હતા. પરિવારના સભ્યો સહિત અખિલેશ યાદવ અને અપર્ણા યાદવે પણ તેમની મુલાકાત લીધી હતી.

પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ

પ્રતીક યાદવના નિધનને લઈને અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે, પરંતુ અધિકૃત સ્તરે મૃત્યુનું કારણ હજુ અકબંધ છે. કેટલાક અહેવાલોમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી હોવાનું કહેવામાં આવ્યું છે.

ફિટનેસ અને જીમ પ્રત્યે પ્રતીક યાદવનો ભારે ઝોક હતો. તેઓ નિયમિત વર્કઆઉટ અને બોડીબિલ્ડિંગ માટે જાણીતા હતા. મીડિયા અહેવાલોમાં એવો પણ ઉલ્લેખ થયો છે કે તેઓ વિવિધ ફિટનેસ સપ્લિમેન્ટ્સ અને દવાઓ લેતા હતા, જોકે આ બાબતે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેથી આ સંબંધિત તમામ દાવાઓને હાલમાં માત્ર પ્રાથમિક અહેવાલ તરીકે જ જોવામાં આવી રહ્યા છે.
'અમને બધું જ ખબર હતી...': ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને મદદ કરનારા ચીનને ભારતનો રોકડિયો જવાબ

રાજકારણથી અંતર રાખીને બિઝનેસમાં બનાવ્યું નામ

યાદવ પરિવાર ભારતીય રાજકારણમાં એક પ્રભાવશાળી પરિવાર તરીકે ઓળખાય છે, પરંતુ પ્રતીક યાદવે સક્રિય રાજકારણથી હંમેશા અંતર જાળવ્યું હતું. તેમણે બ્રિટનની University of Leeds માંથી MBA ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેઓ રિયલ એસ્ટેટ અને ફિટનેસ ક્ષેત્ર સાથે જોડાયા હતા. લખનઉમાં તેઓ “ધ ફિટનેસ પ્લેનેટ” નામનું જીમ ચલાવતા હતા.

2017 ની એક મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમને રાજકારણમાં પ્રવેશ કરવાની કોઈ ઇચ્છા નથી અને તેઓ પોતાનો વ્યવસાય આગળ વધારવા માંગે છે. આ કારણસર તેઓ પરિવારની રાજકીય સક્રિયતા હોવા છતાં જાહેર રાજકીય જીવનથી દૂર રહ્યા હતા.

વૈભવી જીવનશૈલી અને સોશિયલ મીડિયા કારણે ચર્ચામાં

પ્રતીક યાદવ તેમના વૈભવી જીવનશૈલી, મોંઘી કારો, ફિટનેસ અને પ્રાણીપ્રેમ માટે પણ જાણીતા હતા. સોશિયલ મીડિયા પર તેઓ ઘણીવાર જીમ વર્કઆઉટ, લક્ઝરી કાર અને એનિમલ કેર સંબંધિત પોસ્ટ શેર કરતા હતા. કેટલાક અહેવાલો મુજબ તેઓ રસ્તાના પ્રાણીઓ માટે કાર્ય કરતી સંસ્થા સાથે પણ જોડાયેલા હતા.

છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન તેમની અને અપર્ણા યાદવ વચ્ચે મતભેદોની ચર્ચાઓ પણ સામે આવી હતી. સોશિયલ મીડિયા પર થયેલી કેટલીક પોસ્ટ્સને લઈને ચર્ચા તેજ બની હતી, જેમાં પ્રતીક યાદવે પારિવારિક તણાવનો ઉલ્લેખ કર્યો હતો. જોકે પરિવાર તરફથી આ મુદ્દે કોઈ વિગતવાર સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નહોતું.
દેશમાં લોકડાઉન પર બોલ્યા હરદીપસિંહ પૂરી: રશિયન LNG, પેટ્રોલ-ડીઝલ અને લોકડાઉન મુદ્દે સરકારે આપ્યો સ્પષ્ટ સંદેશ

રાજકીય વર્તુળોમાં શોક

પ્રતીક યાદવના અકાળે નિધન બાદ સમાજવાદી પાર્ટી સહિત અનેક રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. હોસ્પિટલ બહાર પરિવારજનો અને સમર્થકોની ભીડ જોવા મળી રહી છે. હાલ તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ અને અંતિમવિધિની પ્રક્રિયા માટે રાખવામાં આવ્યો છે.

યાદવ પરિવાર માટે આ ઘટના એક મોટો આઘાત માનવામાં આવી રહી છે. રાજકારણથી દૂર રહેતા છતાં પ્રતીક યાદવ પરિવારના મહત્વપૂર્ણ સભ્ય તરીકે ઓળખાતા હતા અને તેમની અચાનક વિદાયે રાજકીય તેમજ સામાજિક વર્તુળોમાં શોકની લાગણી ફેલાઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now