India Reacts On China Supporting Pak: ચીને જાહેરમાં સ્વીકાર્યું છે કે 'ઓપરેશન સિંદૂર' દરમિયાન તેણે પાકિસ્તાનને મદદ કરી હતી. ભારતે હવે આ મામલે આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, જે દેશો પોતાની જાતને જવાબદાર માને છે તેમણે આતંકવાદને સ્પોન્સર કરનારા દેશોને સમર્થન આપવાના પોતાના પ્રયાસો પર વિચાર કરવો જોઈએ. ભારતની આ તીખી ટિપ્પણી ચીની અધિકારીના એ નિવેદન બાદ આવી છે, જેમાં તેમણે સ્વીકાર્યું હતું કે સંઘર્ષ દરમિયાન બેઇજિંગે પાકિસ્તાનને ઓન-ગ્રાઉન્ડ ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. જોકે, ચીનની આ મદદ કોઈ કામ ન આવી, કારણ કે ભારતે સફળતાપૂર્વક પાકિસ્તાની એરબેઝને ધ્વસ્ત કરી દીધું હતું.
ભારતનો પલટવાર
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયા બ્રીફિંગ દરમિયાન ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક સંસ્થાઓ અથવા દેશો દ્વારા કરવામાં આવતી આવી કાર્યવાહી તેમની વિશ્વસનીયતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. પ્રવક્તાએ કહ્યું, *"અમને એવા અહેવાલો મળ્યા છે જે પહેલેથી જ આ વાતોની પુષ્ટિ કરે છે. આ તે દેશોની ફરજ છે જેઓ પોતાને જવાબદાર માને છે કે તેઓ વિચાર કરે કે આતંકવાદી ઈન્ફ્રાસ્ટ્રક્ચરની રક્ષા કરવાના પ્રયાસોને સમર્થન આપવું તેમની પ્રતિષ્ઠા અને હોદ્દાને અસર કરે છે કે નહીં."
ચીને પાકિસ્તાનને આપી હતી માહિતી
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં ઉમેર્યું કે, ઓપરેશન સિંદૂર એ પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો સચોટ, ટાર્ગેટેડ અને આયોજનબદ્ધ જવાબ હતો, જેમાં 25 પ્રવાસીઓના મોત થયા હતા. તેમણે કહ્યું "આ ઓપરેશનનો હેતુ પાકિસ્તાનથી ઓપરેટ થતા સ્ટેટ-સ્પોન્સર્ડ ટેરર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નષ્ટ કરવાનો હતો." આ વાત શરૂઆતથી જ જગજાહેર હતી કે સંઘર્ષ દરમિયાન ચીને પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. ગત વર્ષે જુલાઈ 2025માં લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે પહેલીવાર ખુલાસો કર્યો હતો કે ચીને પાકિસ્તાનને ભારતીય સેનાની તૈનાતી અંગે 'લાઈવ ઈનપુટ' આપ્યા હતા. તેમના જણાવ્યા અનુસાર, ચીન ઉપરાંત તુર્કીએ પણ સંઘર્ષ દરમિયાન પાકિસ્તાનને ડ્રોન સપ્લાય કર્યા હતા.
ચીનની કબૂલાત
નોંધનીય છે કે, ચીનના સ્ટેટ બ્રોડકાસ્ટર CCTVએ 'એવિએશન ઈન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઈના' (AVIC) ના એન્જિનિયરોના ઈન્ટરવ્યુ પ્રકાશિત કર્યા છે. જેમાં એન્જિનિયર ઝાંગ હેંગે જણાવ્યું હતું કે તેમણે સંઘર્ષ દરમિયાન પાકિસ્તાની કર્મચારીઓ સાથે મળીને કામ કર્યું હતું. ઝાંગે 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ'ને જણાવ્યું કે તેઓ સપોર્ટ બેઝ પર સતત ફાઈટર જેટ્સ અને હવાઈ હુમલાના સાયરનનો જોરદાર અવાજ સાંભળતા હતા. તેમણે વધુમાં ઉમેર્યું, "સવાર થતા સુધીમાં તાપમાન 50 ડિગ્રીની નજીક પહોંચી જતું હતું. આ શારીરિક રીતે થકવી નાખનારું અને માનસિક રીતે તણાવપૂર્ણ હતું."
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળામાં વધારો : 217 ઝાડા-ઉલટીના કેસ, AMCએ 2 યુનિટ કર્યા સીલ





