Home National Delhi Jalebi Murder Life Imprisonment Verdict

જલેબી માટે લીધો જીવ! : લાઇનમાં ઊભા રહેવાનું કહ્યું તો માથામાં મારી ગોળી, 12 વર્ષ બાદ કોર્ટે આરોપીને ફટકારી આજીવન કેદ

life imprisonment
Published by: Suman Dabhi
Last Updated: Jun 28, 2026, 08:42 AM IST

Delhi murder case: દિલ્હીમાં વર્ષ 2014માં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં માત્ર જલેબી પહેલા આપવાનો ઇનકાર કરવાથી મીઠાઈના વેપારીની ગોળી મારી મર્ડર કરવામાં આવ્યું હતુ. હવે લગભગ 12 વર્ષ બાદ કોર્ટે આ કેસમાં મુખ્ય આરોપી નીરજને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે જણાવ્યું કે આરોપીએ નજીવી બાબતે જીવલેણ હુમલો કરીને એક નિર્દોષ વ્યક્તિનો જીવ લીધો હતો.

શું હતો સમગ્ર મામલો?

કેસ મુજબ, 18 ફેબ્રુઆરી, 2014ના રોજ નીરજ દિલ્હીના બંગલા સાહિબ ગુરુદ્વારા નજીક આવેલી એક મીઠાઈની દુકાનમાં જલેબી ખરીદવા ગયો હતો. તે સમયે દુકાન પર પહેલેથી જ ગ્રાહકોની લાઇન હતી.

આરોપી નીરજે દુકાનદારને અન્ય ગ્રાહકો પહેલાં જલેબી આપવાની માંગ કરી હતી. દુકાનદારે નિયમ મુજબ પહેલા લાઇનમાં ઉભેલા ગ્રાહકોને સેવા આપવાની વાત કહી અને તેની માંગ નકારી કાઢી.

બોલાચાલી બાદ ચલાવી ગોળી

જલેબી પહેલા ન મળતા નીરજ ગુસ્સે ભરાયો હતો. આરોપ છે કે તેણે પહેલા દુકાનદારને થપ્પડ મારી અને ત્યારબાદ પોતાની પાસે રહેલી પિસ્તોલ કાઢી નજીકથી તેના માથામાં ગોળી મારી દીધી.

ગોળી વાગતા દુકાનમાં અફરાતફરી મચી ગઈ. સ્થાનિક લોકોએ ગંભીર રીતે ઘાયલ વેપારીને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું.

ઘટનાસ્થળેથી જ ઝડપાયો આરોપી

હત્યાની ઘટના બાદ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપી નીરજને ઘટનાસ્થળની નજીકથી જ પકડી લીધો હતો.

તપાસ દરમિયાન પોલીસને તેની પાસે નકલી હથિયાર લાઇસન્સ પણ મળ્યું હતું. ત્યારબાદ તેના વિરુદ્ધ હત્યા અને શસ્ત્ર અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોર્ટે શું કહ્યું?

એડિશનલ સેશન્સ જજ ધીરેન્દ્ર રાણાએ ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને શસ્ત્ર અધિનિયમ હેઠળ આરોપીને દોષિત ઠેરવ્યો.

સજા સંભળાવતી વખતે કોર્ટે નોંધ્યું કે આરોપી સામે અન્ય કોઈ ગુનાહિત કેસ નોંધાયેલો નથી. તે સમગ્ર ટ્રાયલ દરમિયાન ન્યાયિક કસ્ટડીમાં રહ્યો હતો અને તેના પરિવારમાં પત્ની તેમજ બે પુત્રો છે.

તેમ છતાં, કોર્ટે સ્પષ્ટ કર્યું કે એક સામાન્ય વિવાદ દરમિયાન થયેલી નિર્દય હત્યાને ગંભીર ગુનો ગણવામાં આવે છે. જોકે, આ કેસને "દુર્લભમાં દુર્લભ" શ્રેણીમાં ન ગણાતા આરોપીને મૃત્યુદંડ નહીં પરંતુ આજીવન કેદની સજા ફટકારવામાં આવી.

આ પણ વાંચો : સિયા અને ચેતનની લવ સ્ટોરીનું ક્રિકેટ કનેક્શન! : સોશિયલ મીડિયા નહીં, ક્રિકેટના મેદાનમાં થઈ હતી બંનેની ઓળખાણ

કેમ ચર્ચામાં આવ્યો કેસ?

આ કેસ એટલા માટે ચર્ચામાં રહ્યો કારણ કે એક સામાન્ય બાબત- જલેબી માટે લાઇનમાં ઉભા રહેવાનું કહેવા પર- એક વ્યક્તિએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના સમાજમાં વધતી અસહિષ્ણુતા અને ક્ષણિક ગુસ્સાના ગંભીર પરિણામો અંગે પણ ચિંતા ઉભી કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now