રાજ્યમાં મોંઘવારીનો માર સતત વધી રહ્યો છે ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર મોટો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા માત્ર 11 દિવસમાં ચોથી વખત ઈંધણના ભાવ વધતા સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. તાજા વધારા બાદ ભાવનગરમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ₹103.41 સુધી પહોંચી ગયો છે, જ્યારે ડીઝલનો ભાવ ₹99.52 સુધી પહોંચતાં હવે ડીઝલ પણ ₹100ની સપાટી નજીક આવી ગયું છે.
આજના વધારા મુજબ પેટ્રોલમાં પ્રતિ લિટર ₹2.61 અને ડીઝલમાં ₹2.71નો વધારો નોંધાયો છે. સતત વધી રહેલા ઈંધણના ભાવોને કારણે આગામી દિવસોમાં પરિવહન ખર્ચ વધવાની સાથે જ ખાદ્યવસ્તુઓ અને રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ મોંઘી થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.
માત્ર 11 દિવસમાં ₹8નો વધારો
રાજ્યમાં 15 મે બાદથી અત્યાર સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ આશરે ₹8 જેટલો વધારો થઈ ચૂક્યો છે. સતત ચાર વખત વધારાના કારણે વાહનચાલકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ભાવનગરમાં 15 મેના રોજ પ્રથમ વખત પેટ્રોલના ભાવમાં ₹3.14નો વધારો થતાં ભાવ ₹99.09 સુધી પહોંચ્યો હતો. તે જ દિવસે ડીઝલમાં ₹3.09નો વધારો થતાં ભાવ ₹94.87 થયા હતા.
ત્યારબાદ 19 મેના રોજ પેટ્રોલમાં ફરી ₹0.90નો વધારો થતાં ભાવ ₹99.95 સુધી પહોંચ્યા હતા, જ્યારે ડીઝલમાં પણ ₹0.90નો વધારો થતાં ભાવ ₹95.79 થયા હતા.
23 મેના રોજ ફરી પેટ્રોલમાં ₹0.87નો વધારો નોંધાતા પ્રથમ વખત ભાવ ₹100.80 સુધી પહોંચી ગયા હતા. તે જ સમયે ડીઝલના ભાવમાં ₹0.91નો વધારો થઈ ₹96.70 સુધી પહોંચ્યા હતા.
હવે 25 મેના રોજ ફરી એકવાર મોટો વધારો નોંધાયો છે. આજના વધારા બાદ પેટ્રોલ ₹103.41 અને ડીઝલ ₹99.52 સુધી પહોંચી ગયું છે.
આ પણ વાંચો: 'આ તો પબ્લિકને મારી નાંખવાની વાત' : પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારાથી કંટાળેલા લોકોએ ઠાલવ્યો રોષ
મધ્યમવર્ગનું બજેટ ખોરવાયું
પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવોની સીધી અસર સામાન્ય લોકોના દૈનિક જીવન પર પડી રહી છે. રોજગારી, વ્યવસાય અને નોકરી માટે વાહનનો ઉપયોગ કરતા લોકો માટે ખર્ચમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને મધ્યમવર્ગીય અને નાના વેપારીઓ માટે વધતી ઈંધણ કિંમત મોટી ચિંતા બની છે.
પરિવહન ખર્ચ વધતાં શાકભાજી, અનાજ, દૂધ સહિતની આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વધી રહી છે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે જો ડીઝલના ભાવમાં આ રીતે વધારો ચાલુ રહેશે તો માલવહન ખર્ચ વધશે અને તેનો સીધો બોજ ગ્રાહકો પર આવશે.
આ પણ વાંચો: મોંઘવારીનો વધુ એક માર: શાળાઓ શરૂ થતાં જ ફી : પુસ્તકો અને યુનિફોર્મ બાદ હવે ટ્રાન્સપોર્ટ ખર્ચમાં પણ વધારાના એંધાણ
વાહનચાલકોમાં રોષ
ભાવનગર સહિત રાજ્યના અનેક શહેરોમાં વાહનચાલકોમાં વધતા ભાવોને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ઈંધણના વધતા ભાવ ઘરખર્ચ પર વધારાનો બોજ મૂકી રહ્યા છે.
ઘણા લોકો હવે ખાનગી વાહનના ઉપયોગમાં ઘટાડો કરવાની ચર્ચા કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો જાહેર પરિવહન તરફ વળવાની પણ વિચારણા કરી રહ્યા છે. જોકે શહેરોમાં પૂરતી જાહેર પરિવહન સુવિધા ન હોવાના કારણે મોટાભાગના લોકો માટે તે સરળ વિકલ્પ નથી.
આગામી દિવસોમાં વધુ અસરની આશંકા
અર્થતંત્રના નિષ્ણાતો માને છે કે ઈંધણના ભાવમાં સતત વધારો મોંઘવારીને વધુ વેગ આપી શકે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ લગભગ દરેક ક્ષેત્રને અસર કરતા હોવાથી તેની અસર પરિવહન, ખેતી, ઉદ્યોગ અને રોજિંદા જીવન સુધી પહોંચી શકે છે.
જો આગામી દિવસોમાં પણ ભાવવધારો ચાલુ રહેશે તો સામાન્ય લોકો માટે ઘરખર્ચ સંભાળવો વધુ મુશ્કેલ બની શકે છે.






