ભાવનગર મહાનગરપાલિકામાં આર્થિક વર્ષની શરૂઆત જ રેકોર્ડબ્રેક રહી છે. એપ્રિલ મહિનામાં જ મહાનગરપાલિકાની આવક રૂ.108 કરોડને પાર પહોંચી છે. ખાસ વાત એ છે કે શહેરના અડધાથી વધુ કરદાતાઓએ માત્ર એક જ મહિનામાં વેરો ભરી દીધો છે.
રીબેટ યોજના
ભાવનગરમાં પ્રોપર્ટી ટેક્સ રીબેટ યોજનાને નાગરિકોનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. નાણાકીય વર્ષ 2026-27ની શરૂઆતમાં મહાનગર પાલિકાએ રીબેટ સ્કીમના કારણે એપ્રિલ મહિનામાં જ રૂ.108.64 કરોડની આવક નોંધાવી લીધી છે. ગયા વર્ષે આ આંકડો અંદાજે રૂ.100 કરોડ હતો. એટલે કે આ વર્ષે રૂ.8 કરોડથી વધુનો વધારો નોંધાયો છે.
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન
ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપતી યોજનાએ ખાસ અસર કરી છે. એપ્રિલમાં ઓફલાઈન ચુકવણી પર 10 ટકા અને ઓનલાઈન ચુકવણી પર 12 ટકા સુધીનું રીબેટ આપવામાં આવ્યું હતું. જેના કારણે 1.06 લાખથી વધુ લોકોએ ઓનલાઈન વેરો ભરી ડિજિટલ વ્યવહાર તરફ વળતર આપ્યું છે. આ વર્ષે લગભગ 9 હજાર નવા કરદાતાઓ પણ આ યોજનામાં જોડાયા છે. જે શહેરમાં વધતી ડિજિટલ જાગૃતિનું પ્રતિબિંબ છે.
કરદાતાઓમાં ભારે ઉત્સાહ
રીબેટ યોજનાનાં છેલ્લા દિવસે પણ કરદાતાઓનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. માત્ર એક જ દિવસે 10,599 લોકોએ મળીને રૂ.8.73 કરોડનો વેરો ભર્યો હતો. જેના કારણે મહાનગરપાલિકાની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.
આ પણ વાંચો: શું તમને ખબર છે? : 111 વર્ષ પહેલા એલિસબ્રિજ પર સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ’, જાણો રસપ્રદ વિગતો
હવે મે મહિનામાં 5 ટકા રીબેટ યોજનાનો લાભ મળશે ત્યારે જોવાનું રહેશે કે આ ડિજિટલ ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહે છે કે નહીં. પરંતુ હાલ માટે એટલું ચોક્કસ કહી શકાય કે ભાવનગર હવે ઝડપથી ડિજિટલ શહેર તરફ આગળ વધી રહ્યું છે.





