Home Business Itr 2026 Form 39 Salary Arrears Tax Relief Gujarati

ITR 2026: નોકરી છોડ્યા પછી મળતા એરિયર્સ પર કેવી રીતે બચાવી શકાય ટેક્સ? : જાણો શું છે ફોર્મ 39, કોને થશે ફાયદો?

ITR 2026
Published by: Viral Patel
Last Updated: Apr 22, 2026, 01:12 PM IST

ITR 2026: નોકરી છોડ્યા પછી કર્મચારીઓને 'ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ' મળવામાં ઘણીવાર અઠવાડિયા કે મહિનાઓનો સમય લાગી જતો હોય છે. જો આ પેમેન્ટ આગામી નાણાકીય વર્ષમાં મળે, તો તે પૂરેપૂરી રકમને તે વર્ષની આવક ગણવામાં આવે છે. આના કારણે ટેક્સની જવાબદારી વધી શકે છે. ઘણા કિસ્સાઓમાં ટેક્સપેયર્સ ઊંચા ટેક્સ સ્લેબમાં આવી જાય છે અને વધુ ટેક્સ ચૂકવવો પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે સરકારે નવા આવકવેરા અધિનિયમ, 2025 હેઠળ ફોર્મ 39 રજૂ કર્યું છે. તે હાલના ફોર્મ 10E નું સ્થાન લેશે અને નાણાકીય વર્ષ 2026-27 (આકારણી વર્ષ 2027-28) થી લાગુ થશે.

શું છે ફોર્મ 39?

ફોર્મ 39 એક ફરજિયાત ફોર્મ છે, જેના દ્વારા ટેક્સપેયર્સ નોકરી છોડ્યા પછી એકસાથે મળતી વધારાની આવક પર ટેક્સ રાહતનો દાવો કરી શકશે. જેમાં સેલરી એરિયર્સ (પગાર બાકી), એડવાન્સ સેલરી, ગ્રેચ્યુઈટી અથવા પેન્શન જેવી રકમનો સમાવેશ થાય છે. આ ફોર્મ કરદાતાઓને એવી સુવિધા આપે છે કે જે આવકની ચુકવણી મોડી મળી છે, તેને સંબંધિત વર્ષોમાં વહેંચીને ટેક્સની ગણતરી કરી શકાય, જેથી એક જ વર્ષમાં વધુ આવક દેખાવાને કારણે ટેક્સનો બોજ ન વધે.

આ પણ વાંચો: GIFT સિટીમાં UAEની દિગ્ગજ વીમા કંપની ADNICની એન્ટ્રી : ગુજરાતના ફાઇનાન્સ હબ માટે નવું ક્ષિતિજ

કયા કાયદા હેઠળ મળશે લાભ?

ફોર્મ 39, આવકવેરા અધિનિયમ 2025ની કલમ 157(1) હેઠળ લાગુ થશે. તે જૂના આવકવેરા અધિનિયમ 1961ની કલમ 89(1)નું સ્થાન લેશે. રાહત મેળવવા માટે ટેક્સપેયર્સે ITR ભરતા પહેલા ફોર્મ 39 જમા કરાવવું પડશે.

કોને થશે ફાયદો?

આ ફોર્મનો લાભ તે કર્મચારીઓને મળશે જેમને અલગ વર્ષમાં બાકી આવક પ્રાપ્ત થાય છે. જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. જેમાં પગારનું એરિયર્સ, ફેમિલી પેન્શન, ગ્રેચ્યુઈટી, છટણી વળતર (Retrenchment compensation) અને કમ્યુટેડ પેન્શનનો સમાવેશ થાય છે.

ફોર્મ 39 માં નવું શું છે?

જૂના ફોર્મ 10E ની સરખામણીમાં ફોર્મ 39 ને વધુ ડિજિટલ અને સરળ બનાવવામાં આવ્યું છે. જેમાં ઓટો-પોપ્યુલેટેડ ટેક્સપેયર ડિટેલ્સ: કરદાતાની વિગતો આપમેળે ભરાઈ જશે. રિયલ-ટાઇમ વેલિડેશન: તાત્કાલિક ચકાસણીની સુવિધા. સિસ્ટમ આધારિત વેરિફિકેશન. ડ્રોપડાઉન મેનૂ અને ડેટ પિકર: ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે. વ્યવસ્થિત ફોર્મેટ: પાર્ટ A, B અને C માં વહેંચાયેલું માળખું.

આ પણ વાંચો: ખેડૂતો માટે કામની વાત : KCC લોન ન ભરો તો શું ખરેખર જમીન હરાજ થઈ જાય? જાણો બેંકના નિયમો અને તમારા અધિકારો

ટેક્સ કેવી રીતે બચાવી શકાય?

ટેક્સપેયર્સે પહેલા એ ગણતરી કરવી પડશે કે ચાલુ વર્ષમાં એરિયર્સ ઉમેરવા પર કેટલો ટેક્સ બને છે અને એરિયર્સ વગર કેટલો ટેક્સ બને છે. ત્યારબાદ તેની તુલના કરવામાં આવશે કે જો આ જ આવક સંબંધિત વર્ષોમાં ટેક્સપાત્ર હોત તો કેટલો ટેક્સ લાગ્યો હોત. આ તફાવતના આધારે ટેક્સમાં રાહત આપવામાં આવશે.

ફોર્મ 39 કેવી રીતે ભરવું?

આ ફોર્મ આવકવેરા વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર ઓનલાઇન ભરવાનું રહેશે. ITR ફાઇલ કરતા પહેલા તેને સબમિટ કરવું જરૂરી છે. સિસ્ટમ આધારિત ઓટોમેશનથી ટેક્સ રાહતની સચોટ ગણતરી કરવામાં મદદ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now