Heritage News Ahmedabad: અત્યારે જ્યારે આપણે ટ્રાફિકની સમસ્યાથી પરેશાન થઈએ છીએ, ત્યારે સ્માર્ટ સિટી અમદાવાદમાં સીસીટીવી અને મોર્ડન સિગ્નલ સિસ્ટમથી ટ્રાફિક કંટ્રોલ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આજથી સવા સો વર્ષ પહેલા અમદાવાદમાં ટ્રાફિક કંટ્રોલ કરવા માટે એક અતિ આધુનિક ગણાય તેવી ટેક્સ વ્યવસ્થા અમલમાં હતી? નવાઈ લાગશે પણ વર્ષ 1915માં જ્યારે લંડન કે સિંગાપોર જેવા શહેરોએ વિચાર્યું પણ નહોતું, ત્યારે અમદાવાદના એલિસબ્રિજ પરથી પસાર થવા માટે 'કોન્જેશન ટેક્સ' વસૂલવામાં આવતો હતો.
તે સમયે અમદાવાદમાં ઉદ્યોગો અને રોજગારી વધવાને કારણે વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો હતો. શહેરના આસ્ટોડિયા રોડ (જે તે સમયે ઓલિફન્ટ રોડ તરીકે ઓળખાતો) અને રિલીફ રોડ પર વાહનોનું ભારણ વધી રહ્યું હતું. આ ભીડને નિયંત્રિત કરવા માટે તત્કાલીન કલેક્ટર મેરાહમે એક માસ્ટર પ્લાન બનાવ્યો હતો. તેમણે એલિસબ્રિજ પાસે એક ખાસ ટોલ નાકું ઊભું કર્યું હતું, જ્યાં શહેરની અંદર જ અવરજવર કરતા વાહનો પાસેથી ટેક્સ લેવામાં આવતો હતો. આ વ્યવસ્થા એટલી કડક હતી કે સાઈકલ સવારોએ પણ પૈસા ચૂકવવા પડતા હતા.
શું હતા એ સમયના ટ્રાફિક ચાર્જ? (મોટર કારથી લઈને ઊંટ સુધીના ભાવ)
આજના સમયમાં આપણે માત્ર હાઈવે કે એક્સપ્રેસ-વે પર ટોલ ટેક્સ આપીએ છીએ, પણ 1915ના અમદાવાદમાં શહેરના એક છેડેથી બીજા છેડે જવા માટે નીચે મુજબના દરો નક્કી કરવામાં આવ્યા હતા:
મોટર કાર: 1 આનો
બળદ ગાડી: 3 પૈસા
સાઈકલ: 2 પૈસા
ઊંટ: 1 આનો
ખાસ નોંધ: એ સમયે બ્રિજની સુરક્ષા અને ટ્રાફિકને ધ્યાનમાં રાખીને એલિસબ્રિજ પરથી હાથી પસાર કરવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી હતી.
સરદાર પટેલ અને અમદાવાદમાં ટ્રામનું અધૂરું સપનું
આ એ જ સમયગાળો હતો જ્યારે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રેસિડેન્ટ હતા. તેમની દૂરંદેશી અદભૂત હતી અને તેઓ અમદાવાદને વૈશ્વિક કક્ષાનું શહેર બનાવવા માંગતા હતા. તેમણે અમદાવાદના રસ્તાઓ પર લંડનની જેમ ઈલેક્ટ્રિક ટ્રામ દોડાવવાનું આયોજન કર્યું હતું. જોકે, કેટલીક ટેકનિકલ સમસ્યાઓ અને વહીવટી મર્યાદાઓને કારણે તે સમયે અમદાવાદમાં ટ્રામ શરૂ ન થઈ શકી. પરંતુ આ યોજના પરથી સાબિત થાય છે કે, અમદાવાદ 111 વર્ષ પહેલા પણ આધુનિક પરિવહન માટે કેટલું સજ્જ હતું.
જકાત (ઓક્ટ્રોય) અને ટેક્સનું બેવડું ભારણ
જો કોઈ વાહનચાલક માલ-સામાન સાથે બ્રિજ પસાર કરતો હોય, તો તેણે ટ્રાફિક ટેક્સ ઉપરાંત ઓક્ટ્રોય એટલે કે જકાત પણ ચૂકવવી પડતી હતી. અત્યારે જ્યાં એલિસબ્રિજ પાસે પોલીસ ચોકી આવેલી છે, બરાબર તે જ સ્થળે એ જમાનામાં ટેક્સ વસૂલવાનું બૂથ ઊભું કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થા દ્વારા શહેરના ટ્રાફિકને વ્યવસ્થિત કરવાનો અને મ્યુનિસિપાલિટીની આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
એલિસબ્રિજનો ઈતિહાસ અને વિદેશી લોખંડનો ઉપયોગ
આ ઐતિહાસિક બ્રિજનું નામ ઉત્તર વિભાગના કમિશનર સર બરો હર્બર્ટ એલિસના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેવી જ રીતે રિલીફ રોડનું જૂનું નામ મુંબઈના પૂર્વ ગવર્નરના નામ પરથી 'રિચી રોડ' હતું. એલિસબ્રિજની એક ખાસિયત એ પણ છે કે, 1875ના ભયાનક પૂરમાં જૂનો પુલ ધરાશાયી થયા બાદ જ્યારે 1892માં તેને ફરીથી બાંધવામાં આવ્યો, ત્યારે તેના માટેનું ખાસ મજબૂત લોખંડ ઈંગ્લેન્ડથી મંગાવવામાં આવ્યું હતું. આજે લંડન અને સિંગાપોર જેવા શહેરોમાં ટ્રાફિક ઘટાડવા માટે જે 'કોન્જેશન ચાર્જ' લેવામાં આવે છે, તેનો વિચાર અમદાવાદે સદી પહેલા જ અમલમાં મૂકી દીધો હતો.





