અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી ઈસનપુર પબ્લિક સ્કૂલ પાસે બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. આંખમાં પરિકર મારાતા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સર્જરી કરવું પડ્યું છે. સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે આ મામલે નારોલ પોલીસ સ્ટેશનના PI એ મીડિયા સાથે વાત કરતાં ઘટના વિશે સંપૂર્ણ માહિતી શેર કરી છે.
નારોલ પોલીસ સ્ટેશનના PI જે. બી. અગ્રાવતે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, "ગઈ તારીખ 20/04/26 ના રોજ નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇસનપુર જે સ્કૂલ છે, એમાં ધોરણ 8 ની વાર્ષિક પરીક્ષા યોજાઈ હતી. તેમાં જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર, એના દ્વારા અન્ય એક કિશોરને આંખમાં પરિકર લગાવી દીધેલ છે."
બનાવ પાછળનું કારણ
ઘટનાનું કારણ જનવતા PI બોલ્યા , "બનાવ બનવાનું કારણ એવું છે કે, જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને અન્ય વિદ્યાર્થી સાથે સામાન્ય બોલાચાલી ચાલી રહી હતી, દરમિયાન ભોગ બનનાર કિશોર વચ્ચે આવતા તેમની જમણી આંખમાં પરિકર વાગી ગયેલ છે."
"બનાવના કારણ બાબતે હજી ડિટેલમાં વિગત મેળવી રહ્યા છીએ. એમાં સ્કૂલના ટીચર્સ, વાલીઓ અને ભોગ બનનાર સાથે પણ અમે ચર્ચા કરીશું. કારણના મૂળ સુધી જવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ, તેમના ક્લાસ ટીચર અને સહ-વિદ્યાર્થીઓ પાસેથી પણ માહિતી મેળવવામાં આવશે, તેમજ વિદ્યાર્થીના વાલી સાથે પણ ચર્ચા કરવામાં આવશે," એમ તેમણે ઉમેર્યું.
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી સેવન્થ ડે જેવી! : મિત્રનો ઝઘડો શાંત કરવા જતાં ધો. 8 ના વિદ્યાર્થીની આંખમાં પરિકર માર્યું
તાત્કાલિક સારવાર
નારોલ PI એ જણાવ્યું, "આ બનાવ બન્યા બાદ સ્કૂલ તરફથી 108 બોલાવી અને ભોગ બનનાર વિદ્યાર્થીને પ્રથમ LG હોસ્પિટલ અને ત્યારબાદ અસારવા સિવિલ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યો છે."
કાયદેસરની કાર્યવાહી
તેમણે વધુમાં જણાવ્યું, "આ બંને કિશોર માઈનર (સગીર) છે અને જે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે, એ પણ ધોરણ 8 માં જ અભ્યાસ કરતો વિદ્યાર્થી છે. આ બાબતે તમામ કાયદેસરની કાર્યવાહી જ્યુવેનાઈલ જસ્ટિસ એક્ટ (Juvenile Justice Act) મુજબ કરવામાં આવશે."





