Home Gujarat Ahmedabad Ahmedabad Narol School Student Eye Injury Fight

અમદાવાદમાં ફરી સેવન્થ ડે જેવી! : મિત્રનો ઝઘડો શાંત કરવા જતાં ધો. 8 ના વિદ્યાર્થીની આંખમાં પરિકર માર્યું

નારોલમાં બનેલી ઘટનામાં ઇજાગ્રસ્ત વિદ્યાર્થી
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 21, 2026, 10:02 AM IST

અમદાવાદ શહેરમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ વચ્ચે વધતા ઝઘડાઓ અંગે ચિંતાજનક ઘટના સામે આવી છે. નારોલ વિસ્તારમાં આવેલી ઈસનપુર પબ્લિક સ્કૂલ પાસે બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આંખમાં પરિકર મારાતા વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું સર્જરી કરવું પડ્યું છે. સમગ્ર મામલે વિદ્યાર્થીના પિતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

મલતી માહિતી મુજબ, આ ઘટના 20 એપ્રિલના રોજ સવારે બની હતી, જ્યારે ધોરણ 8 માં અભ્યાસ કરતો 14 વર્ષીય વિદ્યાર્થી પરીક્ષા આપવા સ્કૂલે ગયો હતો. સવારે લગભગ 11:30 વાગ્યે પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલની બહાર તેના મિત્ર અને અન્ય વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન ઇજાગ્રસ્ત વિદ્યાર્થી બંનેને શાંત કરવા વચ્ચે પડ્યો હતો.

ઝઘડો રોકવા જતા વિદ્યાર્થીને લાગી ગંભીર ઈજા

મળતી માહિતી અનુસાર, ઝઘડો વધતા એક વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો હતો અને તેના પાસે રહેલું પરિકર (તિક્ષ્ણ સાધન) કાઢીને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની આંખમાં મારી દીધું હતું. આ ઘટના બનતા જ આસપાસ હાજર વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ હતી. તરત જ શિક્ષકોને જાણ કરવામાં આવી અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે એલ.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

સ્થિતિ ગંભીર જણાતા બાદમાં તેને વધુ સારવાર માટે અસર્વા સ્થિત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરો દ્વારા તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ સૂત્રો મુજબ વિદ્યાર્થીની હાલત હાલ સ્થિર છે, પરંતુ આંખની ઈજા ગંભીર હોવાથી સતત નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે.

પરિવાર અને પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતાં જ વિદ્યાર્થીના માતા-પિતા હોસ્પિટલ પહોંચી ગયા હતા. વિદ્યાર્થીની માતાએ પ્રાથમિક માહિતી આપતાં જણાવ્યું હતું કે, બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો અને તેમના દીકરાએ તેમને છોડાવવા જતાં આ ઘટના બની હતી.

પોલીસને જાણ થતાં નારોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી એકત્ર કરી હતી. વિદ્યાર્થીના પિતાએ આરોપી વિદ્યાર્થી વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદનો અને સ્કૂલ મેનેજમેન્ટ પાસેથી માહિતી મેળવી રહી છે.


આ પણ વાંચો: ધો.8 વિદ્યાર્થીને પરિકર મરવા મામલે નારોલ PI નું નિવેદન : જણાવ્યું બનાવ પાછળનું કારણ!

સ્કૂલ સંચાલન અને પ્રાથમિક તપાસ

આ ઘટના અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઈસનપુર પબ્લિક સ્કૂલના વહીવટી તંત્રે પણ નોંધ લીધી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, ઘટનાને લઈને દક્ષિણ ઝોનના મદદનીશ શાસનાધિકારી તથા ઇન્ચાર્જ આચાર્ય પાસેથી પ્રાથમિક રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

આ પણ વાંચો: યુનિવર્સિટીમાં વન્યજીવની એન્ટ્રી! : નવરચના યુનિવર્સિટીના 5મા માળે અચાનક વન્યપ્રાણી દેખાતા લોકોમાં ફફડાટ

પ્રાથમિક રિપોર્ટ અનુસાર, આ ઘટના ક્લાસરૂમની અંદર બની નથી, પરંતુ સ્કૂલ કેમ્પસની બહાર બની હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો અને પરિકર જેવા સાધનનો ઉપયોગ થયો હોવાની પુષ્ટિ થઈ છે. સમગ્ર મામલે વિગતવાર તપાસ માટે અધિકારીઓને નિમણૂક કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now