Home Gujarat Vadodara Porcupine Rescue From Fifth Floor Of Navrachna University Bhayli Vadodara

યુનિવર્સિટીમાં વન્યજીવની એન્ટ્રી! : નવરચના યુનિવર્સિટીના 5મા માળે અચાનક વન્યપ્રાણી દેખાતા લોકોમાં ફફડાટ

Vadodara Navrachna University Porcupine Rescue
Published by: Nirali Gohil
Last Updated: Apr 21, 2026, 07:01 AM IST

Vadodara News: વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી જાણીતી નવરચના યુનિવર્સિટીમાં આજે એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. સામાન્ય રીતે જંગલ કે નિર્જન વિસ્તારોમાં જોવા મળતું શાહુડી (Porcupine) નામનું વન્યપ્રાણી યુનિવર્સિટીના પાંચમા માળે પહોંચી જતાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય સર્જાયું હતું. પાંચમા માળ જેવા ઊંચા સ્થળે શાહુડી કેવી રીતે પહોંચી તે પ્રશ્ન સૌના મનમાં ચર્ચાઈ રહ્યો હતો. પ્રાણી દેખાતા જ યુનિવર્સિટી પરિસરમાં દોડધામ મચી ગઈ હતી, જોકે સદનસીબે કોઈને ઈજા પહોંચી નહોતી.

આ ઘટના અંગે તુરંત જ સ્થાનિક પ્રાણીપ્રેમી સંસ્થાને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતાની સાથે જ વન્યજીવ રેસ્ક્યુઅર જીગ્નેશ પરમાર અને દોરીલાલ ફોજદાર તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. શાહુડીના શરીર પર અણીદાર કાંટા હોવાથી તેનું રેસ્ક્યુ કરવું જોખમી હોય છે, પરંતુ આ નિષ્ણાતોએ ભારે જહેમત ઉઠાવી શાહુડીને ઈજા ન થાય તે રીતે સહી-સલામત ઝડપી પાડી હતી.

પાંચમા માળે શો-રૂમમાં ભરાઈ હતી શાહુડી

રેસ્ક્યુ ટીમ જ્યારે યુનિવર્સિટી પહોંચી ત્યારે શાહુડી પાંચમા માળે આવેલા એક શો-રૂમમાં છુપાયેલી હાલતમાં મળી આવી હતી. લોકોના અવાજ અને ભીડને કારણે પ્રાણી પણ ડરેલું હતું. જીગ્નેશ પરમાર અને તેમની ટીમે પ્રોફેશનલ સાધનોની મદદથી ખૂબ જ સાવધાનીપૂર્વક તેને રેસ્ક્યુ કર્યું હતું. પ્રાણીપ્રેમીઓના મતે, શાહુડી રાત્રિના સમયે ખોરાકની શોધમાં આવી હોઈ શકે છે અને ભૂલી પડીને લિફ્ટ કે દાદર મારફતે ઉપર ચઢી ગઈ હોવાની શક્યતા છે.

આ પણ વાંચો: ફૂડ પોઈઝનિંગ કે હીટસ્ટ્રોક? : કુંઢેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના 11 વિદ્યાર્થીઓની તબિયત લથડી, તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

સુરક્ષિત રીતે વન વિભાગને સોંપાઈ

સફળ રેસ્ક્યુ બાદ શાહુડીને સુરક્ષિત પાંજરામાં પુરવામાં આવી હતી. ત્યારબાદ પ્રાણીપ્રેમીઓએ વન વિભાગનો સંપર્ક કરી શાહુડીને તેમને સોંપી દીધી હતી. વન વિભાગ દ્વારા પ્રાણીનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેને તેના કુદરતી આવાસ એટલે કે જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે. યુનિવર્સિટી મેનેજમેન્ટે પ્રાણીપ્રેમીઓની તાત્કાલિક કામગીરી બદલ તેમનો આભાર માન્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now