Home Gujarat Vadodara Vadodara Central University Students Food Poisoning Ssg Hospital

ફૂડ પોઈઝનિંગ કે હીટસ્ટ્રોક? : કુંઢેલા સેન્ટ્રલ યુનિવર્સિટીના 11 વિદ્યાર્થીઓની તબિયત લથડી, તમામને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા

Vadodara Central University of Gujarat
Published by: Nirali Gohil
Last Updated: Apr 20, 2026, 08:52 AM IST

Vadodara News: વડોદરાના ડભોઈ તાલુકાના કુંઢેલા સ્થિત સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અચાનક બીમાર પડતા વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાયો છે. ડભોઈના કુંઢેલા ખાતે આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત (CUG) ના કેમ્પસમાં ગઈકાલે રાત્રે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્ટેલમાં રહેતા 11 વિદ્યાર્થીઓને એકાએક પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ સતત ઉલટીઓ થવા લાગી હતી. આ ઘટનાની જાણ થતા જ યુનિવર્સિટીના સત્તાધીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે તમામ વિદ્યાર્થીઓને વડોદરાની એસ.એસ.જી. (સયાજી) હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ ફૂડ પોઈઝનિંગની ઘટના હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ હાલના આકરા તાપને જોતા હીટસ્ટ્રોકની શક્યતા પણ નકારી શકાતી નથી.

શહેરમાં ખરીદી કરવા ગયા અને બીમાર પડ્યા

યુનિવર્સિટી સત્તાધીશોના જણાવ્યા અનુસાર, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને અઠવાડિયામાં એકવાર વડોદરા શહેરમાં ખરીદી માટે લઈ જવામાં આવે છે. આ વિદ્યાર્થીઓ ગઈકાલે આખો દિવસ વડોદરા શહેરમાં હતા અને બહારનું ખાવા-પીવાના કારણે અથવા કાળઝાળ ગરમીના સંપર્કમાં આવવાના કારણે તેમની તબિયત લથડી હોવાનું અનુમાન છે. રાત્રે કેમ્પસ પર પરત ફર્યા બાદ તેમને શારીરિક અસ્વસ્થતા અનુભવાઈ હતી. જોકે, હોસ્પિટલમાં સારવાર લીધા બાદ હાલ તમામ વિદ્યાર્થીઓની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: '11 ભૂલીને 270 સીટો જીતો અને ભાજપને હરાવો' : સુરતથી વિરોધ પક્ષોને પડકાર ફેંકતા અસદુદ્દીન ઓવૈસી

સત્તાધીશોનો ખુલાસો: '1 હજાર લોકો જમ્યા હતા'

ફૂડ પોઈઝનિંગના આરોપો અંગે સ્પષ્ટતા કરતા યુનિવર્સિટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, "કેમ્પસના મેસમાં ગઈકાલે રાત્રે 1000થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોએ ભોજન લીધું હતું. જો ભોજનમાં ખામી હોત તો મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા હોત, પરંતુ માત્ર વડોદરા શહેરમાં ગયેલા 11 વિદ્યાર્થીઓને જ અસર થઈ છે." આ તર્ક સાથે તંત્રએ હીટસ્ટ્રોક અથવા બહારનું ખાણી-પીણી કારણભૂત હોવાનું સંકેત આપ્યો છે.

ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબોરેટરીમાં મોકલાશે

આ ઘટનાને ગંભીરતાથી લઈને યુનિવર્સિટીએ તપાસના આદેશ આપ્યા છે. સત્તાધીશોએ ખાતરી આપી છે કે સાવચેતીના ભાગરૂપે કેમ્પસની મેસમાં વપરાતા ખાદ્ય પદાર્થો અને પાણીના સેમ્પલ મેળવીને હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. લેબોરેટરી રિપોર્ટમાં જો ભોજનમાં કોઈ ક્ષતિ જણાશે તો મેસ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની મેડિકલ હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now