Home Gujarat Ahmedabad High Court Verdict Office Travel Commute Considered On Duty Accident Compensation

ઓફિસ જવા-આવવાનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે : અકસ્માતમાં મોત થાય તો તે 'ફરજ પર' ગણાશે, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

Gujarat HC Verdict On Duty Accident
Published by: Nirali Gohil
Last Updated: Apr 21, 2026, 05:17 AM IST

Gujarat High Court Verdict: ગુજરાત હાઈકોર્ટે રાજ્યના લાખો ખાનગી અને સરકારી કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે 'નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ' (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના સિદ્ધાંતને પ્રાધાન્ય આપતા ઠરાવ્યું છે કે, જો કોઈ કર્મચારીનું ઓફિસ પહોંચતા પહેલા અથવા કામ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય, તો તેને 'ચાલુ ફરજ' દરમિયાન થયેલું મૃત્યુ જ માનવામાં આવશે. આ ચુકાદાને પગલે હવે કર્મચારીના પરિવારજનો વળતર અધિનિયમ હેઠળ આર્થિક સહાય મેળવવા માટે હકદાર બનશે.

જસ્ટિસ જે.સી. દોશીએ આ કેસની સુનાવણી દરમિયાન સ્પષ્ટ કર્યું હતું કે નોકરી પર જવા કે ત્યાંથી પરત આવવા વચ્ચેનો સમયગાળો એ રોજગારનો જ એક અભિન્ન ભાગ છે. આ આદેશથી વીમા કંપનીઓની એ દલીલોનો અંત આવ્યો છે જેમાં તેઓ અકસ્માત ઓફિસની બહાર થયો હોવાનું કહી વળતર ચૂકવવાથી હાથ ઊંચા કરી દેતી હતી. હાઈકોર્ટે વીમા કંપનીની અપીલને ફગાવીને માનવીય અભિગમ સાથે કામદારોના પક્ષમાં મોટો નિર્ણય સંભળાવ્યો છે.

શું છે સમગ્ર મામલો? (22 વર્ષ જૂની કાનૂની લડાઈ)

ઘટનાની વિગતો મુજબ, વર્ષ 2002માં સુરતની સાલાસર પોલીટેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં ડિલિવરી ક્લાર્ક તરીકે ફરજ બજાવતા વિજયકુમાર વાંકાલાનું નોકરી પૂરી કરીને ઘરે પરત ફરતી વખતે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. વર્ષ 2006માં વર્કમેન કમિશનરે મૃતકના પરિવારને વ્યાજ અને પેનલ્ટી સાથે વળતર ચૂકવવા વીમા કંપનીને આદેશ આપ્યો હતો. જોકે, વીમા કંપનીએ આ હુકમ સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે અકસ્માત સમયે કર્મચારી ફરજ પર ન હતો. પરંતુ હાઈકોર્ટે વીમા કંપનીની આ દલીલોને ધરાર ફગાવી દીધી છે.

આ પણ વાંચો: “મારી મરજીથી લગ્ન કર્યા, કોઈ દબાણ નહોતું” : કાજલ મહેરિયાનો પહેલો Video સંદેશ; કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી

હાઈકોર્ટના ચુકાદાના મુખ્ય અંશો અને મહત્વના અવલોકનો

ગુજરાત હાઈકોર્ટે આ ચુકાદો આપતી વખતે સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો સંદર્ભ આપ્યો હતો. કોર્ટના મહત્વના તારણો નીચે મુજબ છે:

  • સૈદ્ધાંતિક વિસ્તરણ: કર્મચારી જ્યારે ઘરથી નોકરી માટે નીકળે છે ત્યારે જ તેની રોજગારી શરૂ થઈ જાય છે અને જ્યાં સુધી તે ઘરે પરત ન ફરે ત્યાં સુધી તે તેના કામનો જ ભાગ ગણાય.

  • વીમા કંપનીની જવાબદારી: વીમા કંપની માત્ર એટલા માટે વળતર નકારી શકે નહીં કે અકસ્માત ફેક્ટરી કે ઓફિસના પ્રીમાઈસીસની બહાર થયો છે.

  • વારસદારોને ન્યાય: હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે જમા થયેલી વળતરની રકમ યોગ્ય તપાસ બાદ મૃતકના વારસદારોને તાત્કાલિક અસરથી ચૂકવી દેવામાં આવે.

કામદારો અને કર્મચારીઓ માટે કેમ મહત્વનો છે આ ચુકાદો?

અત્યાર સુધી અનેક કિસ્સાઓમાં વીમા કંપનીઓ 'ઓન ડ્યુટી'ના સાંકડા અર્થઘટનને કારણે વળતર ચૂકવવામાં વિલંબ કરતી હતી અથવા મનાઈ કરતી હતી. ગુજરાત હાઈકોર્ટના આ સ્પષ્ટ મંતવ્ય બાદ હવે માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર કર્મચારીઓના પરિવારોને કાનૂની રક્ષણ મળશે. આ ચુકાદો 'કર્મચારી વળતર અધિનિયમ, 1923' ના અમલીકરણમાં એક નવી દિશા બતાવશે અને લાંબા સમયથી લટકતા કેસોમાં માર્ગદર્શક સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now