Ahmedabad News: અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની (સ્કૂલ બોર્ડ) શાળામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળામાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
શાસનાધિકારી દ્વારા કડક કાર્યવાહી
આ સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે આ ઘટના અંગે ઊંડી તપાસ કરવા માટેના આદેશો જારી કર્યા છે. શાસનાધિકારીએ જે-તે શાળાના પ્રિન્સિપાલ (આચાર્ય) પાસે આ ઘટના કેવી રીતે બની અને તે સમયે શાળાનો સ્ટાફ ક્યાં હતો, તે અંગેનો વિગતવાર પ્રાથમિક રિપોર્ટ તાત્કાલિક ધોરણે માંગ્યો છે. આ કેસની તટસ્થ તપાસ માટે મદદનીશ શાસનાધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ શાળાની મુલાકાત લઈને સાક્ષીઓ અને સંકળાયેલા વિદ્યાર્થીઓના નિવેદન નોંધશે.
આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીને ગણાવ્યા ‘આતંકવાદી’ : પછી કરી સ્પષ્ચતા; BJPએ કહ્યું- ‘દેશની માફી માંગો’
વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ
શાળા પરિસરમાં જ જ્યારે એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને નિશાન બનાવે અને ગંભીર ઈજા પહોંચાડે, ત્યારે શાળાના શિસ્ત અને દેખરેખ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. આ મામલે જે કોઈની પણ બેદરકારી જણાશે, તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે." હાલમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની તબિયત અને તેની આંખની ઈજા કેટલી ગંભીર છે તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ આ ઘટનામાં જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવી શકે છે.





