Bengaluru College Incident: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં આવેલી શ્રી સિદ્ધાર્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ક્લાસરૂમમાં લેક્ચર દરમિયાન એક પ્રોફેસરે વિદ્યાર્થિની વિશે અંગત ટિપ્પણી કરતા મામલો બિચક્યો હતો. પ્રોફેસરે જાહેરમાં એવો દાવો કર્યો હતો કે વિદ્યાર્થિનીએ તેને પ્રેમનો પ્રસ્તાવ મૂક્યો છે, જે સાંભળીને વિદ્યાર્થિની લાલચોળ થઈ ગઈ હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે. બુધવારે બનેલી આ ઘટનામાં પ્રોફેસર મોહમ્મદ અને વિદ્યાર્થિની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી વણી ગઈ કે વિદ્યાર્થિનીએ પોતાનું ચંપલ કાઢીને પ્રોફેસરને ફટકારવાનું શરૂ કર્યું હતું. આ જોઈને અન્ય વિદ્યાર્થીઓ પણ પ્રોફેસર પર તૂટી પડ્યા હતા અને શારીરિક હુમલો કર્યો હતો. કેમ્પસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
ક્લાસરૂમમાં શું બની હતી ઘટના?
રિપોર્ટ અનુસાર, પ્રોફેસર મોહમ્મદ ક્લાસમાં ભણાવી રહ્યા હતા ત્યારે તેમણે અચાનક એવો દાવો કર્યો કે આ વિદ્યાર્થિની તેમના પ્રેમમાં છે અને તેણે તેમને પ્રપોઝ કર્યું છે. પ્રોફેસરે એમ પણ કહ્યું કે તેઓ પણ વિદ્યાર્થિનીને પ્રેમ કરે છે. આ સાંભળી વિદ્યાર્થિનીએ તાત્કાલિક આ વાતનો ઈનકાર કર્યો અને પ્રોફેસરને પડકાર ફેંક્યો હતો. તેણે પ્રોફેસરને કહ્યું કે જો આવું કંઈ હોય તો તેઓ પ્રિન્સિપાલ પાસે જઈને વાત કરે.
'શું તેં મને આઈ લવ યુ નહોતું કહ્યું?': વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં પ્રોફેસર વિદ્યાર્થિનીને પૂછતા સંભળાય છે કે, "શું તેં મને 'આઈ લવ યુ મોહમ્મદ' નહોતું કહ્યું? તેં ચોક્કસ કહ્યું હતું." પ્રોફેસરે એવો પણ દાવો કર્યો કે તેમની પાસે આ વાત સાબિત કરવા માટે CCTV ફૂટેજ છે. વિદ્યાર્થિનીએ તરત જ તે ફૂટેજ બતાવવા માંગ કરી હતી. આ વિવાદ બાદ પ્રોફેસર ચોકલેટ વહેંચવાની વાત કહીને ક્લાસની બહાર નીકળી ગયા હતા, પરંતુ બહાર જતાં જ મામલો વધુ ઉગ્ર બન્યો હતો.
ચંપલ વડે હુમલો અને વિદ્યાર્થીઓનો આક્રોશ
પ્રોફેસર જ્યારે ક્લાસની બહાર નીકળ્યા ત્યારે વિદ્યાર્થિની અને અન્ય વિદ્યાર્થીઓએ તેમને ઘેરી લીધા હતા. ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થિનીએ પ્રોફેસરને ચંપલ વડે માર માર્યો હતો. અન્ય વિદ્યાર્થીઓએ પણ પ્રોફેસર સાથે ગેરવર્તન કર્યું અને તેમને શારીરિક રીતે ઈજા પહોંચાડી હતી. આ આખી ઘટનાને કારણે કોલેજ કેમ્પસમાં ભારે અશાંતિ ફેલાઈ ગઈ હતી.
પોલીસ કાર્યવાહી અને તપાસ
આ મામલો નેલમંગલા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી પ્રોફેસર કે વિદ્યાર્થિની તરફથી કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી. પોલીસ સ્થિતિ પર નજર રાખી રહી છે અને જો કોઈ ફરિયાદ મળશે તો તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનાએ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રોફેસર અને વિદ્યાર્થી વચ્ચેના આચરણ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.





