Home Gujarat Vadodara Bakri Eid Holiday Vadodara Mayor Election Confusion

બકરી ઈદની રજાએ મેયર ચૂંટણી પર ઊભું કર્યું સસ્પેન્સ : ચૂંટણી 28 મેના રોજ જ યોજાશે કે બદલાશે તારીખ?

વડોદરા મનપાની કચેરીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: May 25, 2026, 02:12 PM IST

રાજ્ય સરકાર દ્વારા બકરી ઈદની જાહેર રજાની તારીખમાં કરાયેલા ફેરફાર બાદ વડોદરા સહિત રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં મેયર અને અન્ય પદાધિકારીઓની વરણી પ્રક્રિયાને લઈને અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ મુજબ 28 મેના રોજ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની ચૂંટણી યોજાવાની છે, પરંતુ હવે એ જ દિવસે બકરી ઈદની જાહેર રજા જાહેર થતાં વહીવટી અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે.

અગાઉ રાજ્ય સરકારના જાહેર રજાના કેલેન્ડર મુજબ બકરી ઈદની રજા 27 મેના રોજ નિર્ધારિત કરવામાં આવી હતી. તેથી 28 મેનો દિવસ નિયમિત કામકાજનો દિવસ હોવાથી પાલિકાની ચૂંટણી પ્રક્રિયામાં કોઈ અડચણ આવવાની શક્યતા નહોતી. જોકે, ચાંદના દર્શન અને ધાર્મિક પરંપરાના આધારે રાજ્ય સરકારે રજાની તારીખમાં ફેરફાર કરીને હવે 28 મેના રોજ જાહેર રજા જાહેર કરી છે. આ બદલાવ પછી હવે પાલિકાની ચૂંટણી પ્રક્રિયા રજાના દિવસે યોજવી યોગ્ય રહેશે કે નહીં તે અંગે સવાલો ઊભા થયા છે.

પહેલેથી જ જાહેર થઈ ચૂક્યો છે એજન્ડા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયર સહિતના પદાધિકારીઓની વરણી માટેનો સત્તાવાર એજન્ડા અગાઉથી જ જાહેર કરી દેવાયો હતો. કાર્યક્રમ અનુસાર 28 મેના રોજ સવારે 11 વાગ્યે ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની મુખ્ય કચેરી ખાતે બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં નવા મેયર, ડેપ્યુટી મેયર તથા વિવિધ સમિતિઓના પદાધિકારીઓની વરણી થવાની છે. પરંતુ હવે જાહેર રજાના નિર્ણય બાદ સમગ્ર આયોજન અંગે અનિશ્ચિતતા ઉભી થઈ છે. પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ બંને સરકારના આગામી નિર્દેશની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: અર્જુન મોઢવાડિયાએ કરી સ્વ-જનગણના, આ તારીખ ચૂકતા નહીં... : ઘરે બેઠા જનગણનાનું ફોર્મ કેવી રીતે ભરશો? જાણો સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા

મ્યુનિસિપલ કમિશનર સરકારનો અભિપ્રાય માંગશે

માહિતી મુજબ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આ મામલે રાજ્ય સરકાર પાસેથી લેખિત માર્ગદર્શન અથવા અભિપ્રાય માગી શકે છે. મુખ્ય પ્રશ્ન એ છે કે જાહેર રજાના દિવસે પાલિકાની સત્તાવાર બેઠક અને ચૂંટણી પ્રક્રિયા યોજવી કાયદાકીય રીતે માન્ય ગણાશે કે નહીં.

જો રાજ્ય સરકાર તરફથી તારીખ બદલવા અથવા બેઠક મુલતવી રાખવા અંગે કોઈ સ્પષ્ટ સૂચના આપવામાં નહીં આવે, તો મ્યુનિસિપલ કમિશનર પોતાની વિશેષ સત્તાનો ઉપયોગ કરીને અગાઉથી જાહેર કરાયેલા એજન્ડા મુજબ 28 મેના રોજ જ ચૂંટણી પ્રક્રિયા ચાલુ રાખી શકે છે. કાયદાકીય રીતે કમિશનરને કેટલીક પરિસ્થિતિઓમાં આવી પ્રક્રિયા યથાવત રાખવાની સત્તા પ્રાપ્ત છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ફૂડ સેફ્ટીની ખુલી પોલ : જાણીતા ‘છાસવાલા’ આઉટલેટના મિલ્ક શેકમાંથી નીકળ્યો વંદો

રાજ્યની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ સમાન સ્થિતિ

માત્ર વડોદરા જ નહીં પરંતુ રાજ્યની અન્ય છ મહાનગરપાલિકાઓમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. અનેક જગ્યાએ મેયર અને પદાધિકારીઓની ચૂંટણી માટે પહેલેથી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો હોવાથી હવે સ્થાનિક વહીવટી તંત્ર સરકારના માર્ગદર્શન પર નિર્ભર બન્યું છે.

રાજકીય સૂત્રોનું માનવું છે કે જો તારીખમાં ફેરફાર કરવામાં આવશે તો ફરીથી નોટિસ અને એજન્ડા જાહેર કરવાની પ્રક્રિયા કરવી પડી શકે છે, જેના કારણે વિલંબ થવાની શક્યતા છે. બીજી તરફ, ચૂંટણી પ્રક્રિયા રજાના દિવસે જ યોજાય તો તે પણ ચર્ચાનો વિષય બની શકે છે.

આ પણ વાંચો: કોર્પોરેટર આશિષ જોષીના બોડેલી કોર્ટે જામીન કર્યા મંજૂર : 10 દિવસ બાદ જેલમુક્તિ, પ્રોહિબિશનનાં ગુનામાં હતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં

20 વર્ષ જૂનો ઈતિહાસ ફરી સર્જાશે?

વડોદરા મહાનગરપાલિકાના ઈતિહાસ પર નજર કરીએ તો જાહેર રજાના દિવસે બોર્ડની બેઠક મળવાનો આ પહેલો પ્રસંગ નહીં ગણાય. વર્ષ 2005માં 25 ડિસેમ્બરના રોજ, નાતાલના જાહેર રજાના દિવસે પાલિકાના નવા બોર્ડની પ્રથમ સામાન્ય સભા યોજાઈ હતી. તે સમયે પણ વિશેષ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે જો રાજ્ય સરકાર 28 મેની તારીખમાં કોઈ ફેરફાર નહીં કરે અને ચૂંટણી પ્રક્રિયા યથાવત રાખવામાં આવશે, તો અંદાજે બે દાયકા બાદ ફરી એકવાર જાહેર રજાના દિવસે પાલિકાની મહત્વપૂર્ણ બેઠક યોજાવાનો ઇતિહાસ રચાશે.

રાજકીય વર્તુળોમાં અટકળો તેજ

મેયરપદની ચૂંટણીને લઈને પહેલેથી જ રાજકીય ગતિવિધિઓ તેજ બની ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોમાં અંદરની બેઠકો અને ચર્ચાઓ ચાલી રહી છે. આવા સમયે જાહેર રજાના કારણે સર્જાયેલી અનિશ્ચિતતાએ રાજકીય ગરમાવો વધુ વધારી દીધો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now