Chhota Udepur: છૂટાઉદેપુર જિલ્લામાં સત્તાધારી પક્ષના લોકપ્રતિનિધિઓ દ્વારા જાહેરમાં હથિયારોના પ્રદર્શનનો મામલો ગંભીર બન્યો છે. ગઈકાલે સાંસદ જશુ રાઠવાનો બંદૂક સાથેનો વીડિયો વાઈરલ થયાની શાહી હજુ સુકાઈ નથી, ત્યાં જ છોટાઉદેપુર તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ રમેશ રાઠવા પદ સંભાળતાની સાથે જ મોટા વિવાદમાં સપડાયા છે. સોશિયલ મીડિયા પર તેમનો એક ચોંકાવનારો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ કાયદાના ડર વિના ખુલ્લેઆમ બંને હાથમાં મોટી બંદૂકો લહેરાવતા જોવા મળી રહ્યા છે.
જીતની ખુશીમાં કાયદો અને મર્યાદા ભુલ્યા પ્રમુખ
મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે વરણી થયા બાદ રમેશ રાઠવાના સમર્થકો અને પક્ષના કાર્યકરો દ્વારા એક ભવ્ય વિજય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજેના તાલ અને ફટાકડાની આતશબાજી વચ્ચે નીકળેલા આ વિજય સરઘસમાં પ્રમુખ રમેશ રાઠવા જીતની ખુશીમાં એટલા ભાન ભૂલ્યા હતા કે તેમણે કાયદાનો કોઈ પણ ડર રાખ્યા વિના પોતાના બંને હાથમાં બે મોટી બંદૂકો પકડી રાખી હતી અને તેનું જાહેરમાં પ્રદર્શન કર્યું હતું. રેલીમાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર નજારો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે વીડિયો હવે વાઈરલ થયો છે.
જનતા અને વિપક્ષમાં ભારે આક્રોશ: પોલીસની ભૂમિકા સામે સવાલ
એક જવાબદાર લોકપ્રતિનિધિ તરીકે બંધારણીય પદ પર બેઠા પછી સાર્વજનિક સ્થળોએ હથિયારોનું આ પ્રકારે પ્રદર્શન કરવું કેટલું યોગ્ય છે, તેને લઈને સ્થાનિક જનતા અને વિપક્ષ દ્વારા તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર નેટિઝન્સ સવાલો ઉઠાવી રહ્યા છે કે શું કાયદા અને નિયમો માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે? સત્તાના નશામાં ચૂર થઈને કાયદો હાથમાં લેતા આવા નેતાઓ સામે પોલીસ ક્યારે લાલ આંખ કરશે?
બે દિવસમાં બે વીડિયોથી કાયદો-વ્યવસ્થા સામે સવાલો
જિલ્લામાં માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં જ બે મોટા નેતાઓના હથિયાર લહેરાવતા વીડિયો સામે આવ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. અગાઉ સાંસદ અને હવે તાલુકા પંચાયત પ્રમુખના આ બેજવાબદાર વર્તનથી સમગ્ર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, ત્યારે હવે તંત્ર આ મામલે ગુનો નોંધી કોઈ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.





