Self Enumeration: પોરબંદરના વતની અને રાજ્ય સરકારના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના કેબિનેટમંત્રી Arjun Modhwadia એ જનગણના–2027 અંતર્ગત શરૂ કરાયેલી સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયામાં જાતે ભાગ લઈને નાગરિકોને પણ સક્રિયપણે જોડાવા અપીલ કરી છે. ભારત સરકાર દ્વારા હાથ ધરાતી આ પ્રક્રિયાને દેશના વિકાસ અને ભવિષ્યની નીતિગઠન માટેનું મહત્વપૂર્ણ સાધન ગણાવતા મંત્રીએ લોકોને સમયમર્યાદા પહેલાં પોતાનું ફોર્મ ભરવા અનુરોધ કર્યો હતો.
પોરબંદરમાં આપેલા સંદેશમાં મંત્રીએ જણાવ્યું કે જનગણના માત્ર વસ્તીની સંખ્યા નોંધવાની સરકારી પ્રક્રિયા નથી, પરંતુ તે દેશના સામાજિક અને આર્થિક વિકાસનું આધારસ્તંભ છે. સરકારની વિવિધ યોજનાઓ, નાણાંકીય ફાળવણી, પાયાની સુવિધાઓનું આયોજન અને કલ્યાણકારી કાર્યક્રમો માટે વસ્તી સંબંધિત સચોટ માહિતી ખૂબ જ અગત્યની હોય છે. આવી સ્થિતિમાં દરેક નાગરિકની ભાગીદારી દેશના વિકાસ માટે મહત્વ ધરાવે છે.
અમદાવાદમાં ફૂડ સેફ્ટીની ખુલી પોલ : જાણીતા ‘છાસવાલા’ આઉટલેટના મિલ્ક શેકમાંથી નીકળ્યો વંદો
શા માટે મહત્વપૂર્ણ છે જનગણના–2027?
જનગણના એ સરકાર માટે માત્ર આંકડાકીય અભ્યાસ નહીં, પરંતુ ભવિષ્યના આયોજનનો પાયો છે. કયા વિસ્તારમાં કેટલી શાળાઓ જોઈએ, હોસ્પિટલની જરૂરિયાત કેટલી છે, કયા વિસ્તારમાં માર્ગ, પાણી, આવાસ કે રોજગાર માટે વધુ રોકાણ જરૂરી છે, તેવા નિર્ણયો મોટા ભાગે જનગણનાના આંકડા પર આધારિત રહે છે. ખાસ કરીને ઝડપી શહેરીકરણ, સ્થળાંતર અને વસ્તી વૃદ્ધિના સમયમાં સચોટ માહિતી ન હોય તો નીતિઓ અને બજેટ ફાળવણીમાં અસંતુલન સર્જાઈ શકે છે. આથી સરકાર હવે ડિજિટલ પદ્ધતિથી ‘સ્વ-ગણતરી’ મોડલ અપનાવી રહી છે, જેથી લોકો પોતાના મોબાઇલ અથવા કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા માહિતી નોંધાવી શકે.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે તેમણે જાતે સ્વ-ગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે અને સામાન્ય નાગરિકોને પણ તેમાં ઉત્સાહપૂર્વક જોડાવા અનુરોધ કર્યો છે. ખાસ કરીને યુવાઓને પરિવારજનો અને આસપાસના લોકોને ટેક્નિકલ સહાય પૂરી પાડવા અપીલ કરવામાં આવી છે, જેથી વધુમાં વધુ લોકો સુધી આ અભિયાન પહોંચે.
ગુજરાતમાં પરિવર્તનના મંડાણ! : નર્મદામાં 'AAP'ની ઐતિહાસિક જીત બાદ કેજરીવાલનો રાજપીપલામાં ભવ્ય રોડ-શો
ઘરે બેઠા જનગણનાનું ફોર્મ કેવી રીતે ભરશો? જાણો સંપૂર્ણ સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા
નાગરિકો પોતાના મોબાઇલ, લેપટોપ અથવા કમ્પ્યુટર દ્વારા ઘરે બેઠા સરળતાથી સ્વ-ગણતરી પૂર્ણ કરી શકે છે. પ્રક્રિયા સરળ છે, પરંતુ યોગ્ય માહિતી સાથે ફોર્મ ભરવું જરૂરી છે.
સ્ટેપ 1: સત્તાવાર પોર્ટલ પર જાઓ
સૌ પ્રથમ ભારત સરકારના સ્વ-જનગણના પોર્ટલ પર જવું પડશે: Self Enumeration Portal પોર્ટલ ખોલ્યા પછી “Self Enumeration” અથવા “Register/Login” વિકલ્પ પસંદ કરવો.
સ્ટેપ 2: મોબાઇલ નંબરથી રજીસ્ટ્રેશન
નવી નોંધણી માટે તમારો સક્રિય મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. ત્યારબાદ OTP આવશે. OTP વેરિફાય થયા પછી તમારું એકાઉન્ટ સક્રિય થશે. જો પહેલાથી નોંધણી કરી હોય તો સીધા લોગિન કરી શકાય છે.
સ્ટેપ 3: પરિવાર/ઘરની વિગતો ઉમેરો
લોગિન થયા પછી ઘરનું સરનામું, રાજ્ય, જિલ્લો, તાલુકો, શહેર/ગામ, પિનકોડ જેવી વિગતો ભરવી પડશે. સાથે ઘરનો પ્રકાર, રહેવાની સ્થિતિ અને અન્ય આધારભૂત માહિતી પણ પૂછાઈ શકે છે. આ તબક્કે ખાતરી કરો કે સરનામું અને વિસ્તાર સંબંધિત માહિતી સંપૂર્ણપણે સાચી દાખલ થાય.
સ્ટેપ 4: પરિવારના સભ્યોની માહિતી ઉમેરો
એક પછી એક દરેક પરિવાર સભ્યની વિગતો દાખલ કરવાની રહેશે. સામાન્ય રીતે નીચેની માહિતી માંગવામાં આવે છે..
નામ
પરિવારના વડા સાથેનો સંબંધ
જન્મ તારીખ અથવા ઉંમર
લિંગ
વૈવાહિક સ્થિતિ
શિક્ષણ સંબંધિત માહિતી
વ્યવસાય અથવા રોજગાર સ્થિતિ
માતૃભાષા અને અન્ય ભાષા
સ્થળાંતર સંબંધિત વિગતો (જરૂર મુજબ)
માહિતી ભરતી વખતે કોઈ સ્પેલિંગ ભૂલ કે ખોટી માહિતી ન જાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
સ્ટેપ 5: વિગતો ચકાસો
બધી વિગતો ભરાઈ જાય પછી “Preview” અથવા “Review” વિકલ્પમાં જઈ સંપૂર્ણ માહિતી ફરી એકવાર ચકાસવી. ખોટી માહિતી બાદમાં નીતિગઠન પર અસર કરી શકે છે, તેથી સાચાશ અત્યંત જરૂરી છે.
સ્ટેપ 6: ફોર્મ સબમિટ કરો
બધી માહિતી યોગ્ય જણાય પછી “Submit” બટન પર ક્લિક કરો. સફળ સબમિશન પછી acknowledgment/reference નંબર મળશે. ભવિષ્યમાં જરૂર પડે તો તે સાચવી રાખવો.
31 મે 2026 સુધી તક
સરકાર દ્વારા નાગરિકોને તા. 31 મે 2026 સુધી સ્વ-ગણતરી પૂર્ણ કરવાની તક આપવામાં આવી છે. ડિજિટલ માધ્યમ દ્વારા ઘરે બેઠા પ્રક્રિયા પૂરી થઈ શકે હોવાથી લાંબી લાઇન કે સરકારી કચેરીના ચક્કર લગાવવાની જરૂર રહેતી નથી. વિશેષ કરીને વૃદ્ધો અથવા ટેક્નોલોજીનો ઓછો ઉપયોગ કરતા લોકો માટે પરિવારના યુવાનો મદદરૂપ બની શકે છે. સરકારનો ઉદ્દેશ વધુમાં વધુ લોકો સુધી આ અભિયાન પહોંચાડવાનો છે, જેથી દેશની વસ્તી અને સામાજિક માળખાનો ચોક્કસ ડેટાબેઝ તૈયાર થઈ શકે.
આખરે, જનગણના માત્ર સરકારી ફરજ નહીં પરંતુ નાગરિક તરીકેની જવાબદારી પણ છે. એક નાની માહિતી ભવિષ્યમાં તમારા વિસ્તાર માટે વધુ સારી શાળા, હોસ્પિટલ, રસ્તા અથવા સરકારી સુવિધાઓના આયોજનમાં મદદરૂપ બની શકે છે.





