Vadodara News: વડોદરા શહેરના દંતેશ્વર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન થયેલી નજીવી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. એક સલૂન સંચાલક યુવક પર તલવાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જ્યારે વચ્ચે પડેલા તેના મિત્રને હોકી ફટકારી કાન પર કરડી લેવાતાં ચકચાર મચી ગઈ છે. હુમલાખોરોએ ઇજાગ્રસ્ત યુવકના ખિસ્સામાંથી ₹19,500ની રોકડ અને બાદમાં તેના પરિવારને ધમકાવી એક્ટિવા પણ ઝૂંટવી લીધી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રસ્તા પર ભૂવા કે જીવલેણ ખાડા? : કારેલીબાગમાં મોટી હોનારત ટળી, સ્થાનિકોએ બચાવ્યા વાહનચાલકોના જીવ
કેક કાપવા બાબતે થઈ હતી માથાકૂટ
મળતી માહિતી મુજબ, તરસાલીની શિવાલય રેસીડેન્સીમાં રહેતા અને વાઘોડિયા રોડ પર સલૂન ચલાવતા અમુલભાઈ લિબાંભાઈ યેસી (ઉ.વ.24) ગત ૨૫ મેના રોજ રાત્રે તેમના મિત્ર આકાશ સોમવંશીનો જન્મદિવસ હોવાથી ભવ્યદર્શન સોસાયટીના નાકા પાસે કેક કાપવા ભેગા થયા હતા. તે દરમિયાન એક્ટિવા પર આવેલા યોગેશ વસાવા અને ક્રિસ વારકે નામના શખ્સોએ “અહીં કેમ ભેગા થયા છો?” તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. જોકે, પોલીસની ગાડી નીકળતાં તે સમયે મામલો શાંત પડ્યો હતો.
અડધી રાત્રે તલવાર અને હોકી વડે હુમલો
ત્યારબાદ રાત્રે આશરે ૧૨:૩૦ વાગ્યે અમુલભાઈ અને તેમનો મિત્ર સુનિલ રાજપુત બાઈક પર ઘરે જઈ રહ્યા હતા, ત્યારે સિદ્ધાર્થ પ્રાઈમેરો ચાર રસ્તા પાસે યોગેશ વસાવા, તેના ભાઈ સુનિલ વસાવા અને ક્રિસે તેમને ઘેરી લીધા હતા. આરોપીઓએ “તમારા બાપનો રોડ છે?” તેમ કહી હુમલો કર્યો હતો. યોગેશે અમુલના માથામાં તલવારનો ઘા ઝીંકી દીધો હતો અને તેને નીચે પાડી મોઢા તથા પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. મિત્ર સુનિલ રાજપુત વચ્ચે પડતાં સુનિલ વસાવાએ તેને હોકી સ્ટિક ફટકારી હતી અને ડાબા કાન પર જોરથી કરડી લીધું હતું. બંને ઇજાગ્રસ્તોને મકરપુરા હોસ્પિટલ ખસેડાતા માથાના ભાગે ત્રણ-ત્રણ ટાંકા આવ્યા હતા.
ગુજરાત પંચાયત ચૂંટણીમાં સત્તા માટે રમાયો અનોખો ખેલ : AAPને રોકવા ભાજપ-કોંગ્રેસ પણ થયા એક
રૂપિયા અને એક્ટિવાની લૂંટ ચલાવી ધમકી આપી
ઇજાગ્રસ્ત અમુલ યેશીના જણાવ્યા મુજબ, ઝપાઝપી દરમિયાન તેમનું પાકીટ પડી ગયું હતું, જેમાંથી હુમલાખોરો ₹19,500ની રોકડ કાઢીને નાસી ગયા હતા. એટલું જ નહીં, જ્યારે અમુલનો ભાઈ અને પત્ની આ અંગે વાત કરવા ગયા ત્યારે આરોપીઓએ તેમને પણ ધક્કો મારી, ગાળો આપી તેમની એક્ટિવા ઝૂંટવી લીધી હતી અને "જાનથી મારી નાખીશું" તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. હાલમાં મકરપુરા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.





