Vadodara News: વડોદરા મહાનગરપાલિકાના તંત્રની પોલ ફરી એકવાર ખુલ્લી પડી છે. સંસ્કારી નગરી હવે 'ભુવા નગરી' બની રહી હોય તેવું લાગી રહ્યું છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી મેન્ટલ હોસ્પિટલ પાસેના મુખ્ય માર્ગ પર અચાનક એક મોટો ભૂવો પડતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
વડોદરામાં ચોમાસાની શરૂઆત પહેલા જ તંત્રની કામગીરી પર સવાલો ઉભા થયા છે. કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલ નજીક લાયન્સ સર્કલ પાસે બપોરના સમયે મુખ્ય માર્ગ પર અચાનક જમીન બેસી જતાં એક મોટો ભૂવો પડ્યો હતો. સદનસીબે, કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી, પરંતુ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો એકાએક અટવાઈ ગયા હતા. ત્યાં હાજર લારી-ગલ્લાના વેપારીઓએ માનવતા દાખવી પોતાના ડબ્બા અને અન્ય સામાન મૂકીને વાહનચાલકોને અગાઉથી જ સચેત કર્યા હતા, જેથી મોટી હોનારત ટળી હતી.
ગુજરાત પંચાયત ચૂંટણીમાં સત્તા માટે રમાયો અનોખો ખેલ : AAPને રોકવા ભાજપ-કોંગ્રેસ પણ થયા એક
ઘટનાની જાણ થતાં જ વડોદરા મહાનગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પાલિકાના કર્મચારીઓએ ભૂવાની આસપાસ આડસો (બેરિકેટ્સ) મૂકીને પોતાની કામગીરી પૂર્ણ કર્યાનો સંતોષ માન્યો હતો. પરંતુ પ્રશ્ન એ થાય છે કે, શું માત્ર આડસો મૂકી દેવાથી જવાબદારી પૂર્ણ થઈ જશે? ક્યારે મળશે વડોદરાવાસીઓને ભૂવામુક્ત રસ્તાઓ?"





