રાજ્યમાં પરંપરા અને માન્યતાના નામે થતી પશુબલી વિરુદ્ધ ચાલી રહેલા અભિયાનને મહત્વપૂર્ણ સફળતા મળી છે. વિજ્ઞાન જાથા અને સ્થાનિક પોલીસ તંત્રની સંયુક્ત કાર્યવાહીથી અમરેલી, ગોંડલ અને ચોરવાડમાં યોજાનાર સામુહિક પશુબલી અટકાવવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કુલ અંદાજે 140 બોકળાના જીવ બચાવવામાં આવ્યા છે.
દર વર્ષે આ વિસ્તારોમાં માનતાના નામે સામુહિક પશુબલીનું આયોજન કરવામાં આવતું હતું. જોકે, સમાજના યુવાવર્ગે આ પરંપરાને પડકારતા વિજ્ઞાન જાથાને સંપર્ક કર્યો અને પુરાવા સાથે સમગ્ર આયોજનની વિગતો રજૂ કરી.
મધરાતે કાર્યવાહી
માહિતીના આધારે વિજ્ઞાન જાથાએ રાજ્યના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ તંત્રને લેખિતમાં જાણ કરી. ત્યારબાદ અમરેલી, ગોંડલ અને ચોરવાડમાં અલગ-અલગ ટીમો ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી. અમરેલીમાં રાત્રે લગભગ 2 વાગ્યે અને ગોંડલમાં મધરાત બાદ 12 વાગ્યે પોલીસ અને વિજ્ઞાન જાથાની ટીમોએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી.
અમરેલીમાં ચુનારા સમાજના વિસ્તારમાં મંડપ તૈયાર કરી બોકળાની બલી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જોકે, ટીમ પહોંચતા જ આયોજકોએ સાધનો હટાવી દીધા અને માંસાહાર માટેનો ખોરાક હોવાનું કહેવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વારા પૂછપરછ બાદ આગેવાનો દ્વારા પશુબલીની કબુલાત કરી અને કાયમ માટે આ પ્રથા બંધ કરવાની લેખિતમાં બાંહેધરી આપી હતી.
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં મિત્રતાની આડમાં શોષણ! : ધમકીઓથી યુવતી પર ત્રાસ આપતા 'રાવણ' ની ધરપકડ
ગોંડલમાં તણાવપૂર્ણ સ્થિતિ
ગોંડલમાં નદીકાંઠે નવા મંદિરમાં વિશાળ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બે હજારથી વધુ શ્રદ્ધાળુઓ હાજર હતા. અહીં પણ વિજ્ઞાન જાથા અને પોલીસ પહોંચતા જ શરૂઆતમાં નાસભાગ મચી ગઈ હતી કેટલીક જગ્યાએ લાઈટ બંધ કરી પરિસ્થિતિ બગાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.
વિજ્ઞાન જાથાએ સ્થળ પરના ફોટા અને વીડિયોનાં પુરાવા રજૂ કરતાં આયોજકોને સ્વીકાર કરવો પડ્યો અંતે આગેવાનોએ માફી માંગતા પશુબલી ન કરવા અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ બંધ રાખવાની ખાતરી આપી હતી. અહીં 60થી વધુ બોકળાના જીવ બચાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: રાજકોટમાં ભરતી કૌભાંડનો ધડાકો : પરીક્ષા પહેલા જ ક્લાર્કનું નામ નક્કી હતું? યુવરાજસિંહના સનસનીખેજ આક્ષેપ
ચોરવાડમાં પૂર્વ જાણકારીથી કાર્યક્રમ રદ
ચોરવાડમાં પણ પશુબલી માટે તૈયારી ચાલી રહી હતી પરંતુ વિજ્ઞાન જાથાની કાર્યવાહી અંગે અગાઉથી જાણ થઈ જતા આયોજકોએ બોકળાને અન્ય જગ્યાએ ખસેડી દીધા હતા અને કાર્યક્રમ રદ કરી દીધો હતો. સ્થાનિક સ્તરે મળેલી માહિતી અનુસાર એક પણ પશુનું વધ થયું નથી.
આ સમગ્ર ઘટનામાં નોંધપાત્ર બાબત એ છે કે જ્ઞાતિ સમાજના આગેવાનો અને ભુવાઓએ ખુદ આગળ આવી પશુબલી બંધ કરવાની લેખિત કબુલાત આપી છે. આથી સમાજમાં પરિવર્તનના સંકેત પણ જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચો: મહીસાગરમાં અપહરણ અને પોક્સોનો ફરાર આરોપી ઝડપાયો : લગ્નમાં મ્હાલવા ગયેલા આરોપીને SOGએ દબોચ્યો
સમાજમાં બદલાવની દિશાનાં સંકેત
આ ઘટનાને સમાજમાં ચાલતા આંતરિક પરિવર્તન તરીકે પણ જોવામાં આવી રહી છે. એક તરફ પરંપરાગત માન્યતાઓ છે તો બીજી તરફ યુવાવર્ગ અને જાગૃત નાગરિકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવી રહ્યાં છે. આ ઘટનાએ બંને વચ્ચેના સંવાદ અને પરિવર્તન માટેનો માર્ગ ખુલ્લો કર્યો છે.
વિજ્ઞાન જાથાએ અમરેલી, રાજકોટ અને જુનાગઢ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રાખવાની વાત કરી છે.





