મહીસાગર જિલ્લામાં ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. અપહરણ અને પોક્સો અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો પરંતુ તાજેતરમાં લગ્ન પ્રસંગે હાજરી આપવા આવવાની બાતમી મળતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે.
આરોપી ભરત વઘાડિયા કડાણા તાલુકાના રાજનપુરનો વતની છે. તેના વિરુદ્ધ કડાણા પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 137(2), 87, 64(2)(એમ) તેમજ પોક્સો અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપી ઘટના બાદથી સતત નાસતા ફરતો હતો જેના કારણે પોલીસે તેને પકડવા માટે વિશેષ ટીમ બનાવી હતી.
લગ્ન પ્રસંગ હોવાથી પોલીસને મળી તક
પોલીસનાં વિશ્વસનીય સૂત્રો દ્વારા માહિતી મળી હતી કે આરોપી સંતરામપુર વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવી શકે છે. આ માહિતીના આધારે SOG ટીમે પૂર્વ તૈયારી સાથે વૉચ ગોઠવી હતી. Santrampurના જુનાતલાવ વિસ્તારમાં ગોપનીય રીતે નજર રાખવામાં આવી રહી હતી.
જ્યારે આરોપી સ્થળ પર પહોંચ્યો ત્યારે પોલીસે તરત જ કાર્યવાહી કરીને તેને દબોચી લીધો. સમગ્ર ઓપરેશન ખૂબ જ ગોપનીયતા અને આયોજન સાથે કરવામાં આવ્યું હતું જેથી આરોપી ફરીથી ભાગી ન શકે.
આ પણ વાંચો: વૃદ્ધ વેપારીઓને ટાર્ગેટ કરતી 'ચિપ્સ ગેંગ'નો પર્દાફાશ : રાજકોટ પોલીસે 3 રીઢા ગુનેગારોને દબોચ્યા
ઉચ્ચ અધિકારીઓનું મળ્યું માર્ગદર્શન
આ સમગ્ર કામગીરી SOG ઈન્સ્પેક્ટર V.D. ધોરડાનાં માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સાથે જ રેન્જ આઈજી વિધિ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક સફિન હસનની સૂચનાઓ અનુસાર ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સનો વ્યાપક ઉપયોગ કર્યો હતો.
પોલીસના સૂત્રો મુજબ, આરોપીની હિલચાલ પર લાંબા સમયથી નજર રાખવામાં આવી રહી હતી. વિવિધ ટેકનિકલ સાધનો તેમજ સ્થાનિક સૂત્રોના સહકારથી તેની હાજરી વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ત થતાં જ ઓપરેશન અમલમાં મુકાયું હતું.
આ પણ વાંચો: રાજકોટમાં કરુણાંતિકા! : પિતાએ બે માસૂમ સંતાનોને ગળેટૂંપો દઈ પોતે પણ જીવન ટૂંકાવ્યું
હવે આગળની કાર્યવાહી
SOG દ્વારા આરોપીને હસ્તગત કર્યા બાદ હવે તેને વધુ તપાસ માટે કડાણા પોલીસ સ્ટેશનને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ હવે આરોપી પાસેથી વધુ માહિતી મેળવી ગુનાની સમગ્ર હકીકત બહાર લાવવાનો પ્રયાસ કરશે.
આ કેસમાં પીડિતાને ન્યાય મળે તે માટે પોલીસે તપાસને પ્રાથમિકતા આપી છે. સાથે જ, આરોપી સાથે સંકળાયેલા અન્ય કોઈ તત્વો કે સહયોગીઓ હોય તો તેમની પણ ઓળખ અને ધરપકડ માટે તપાસનો વ્યાપ વધારવામાં આવશે.





