Home Gujarat Rajkot Rajkot Crime Branch Theft Gang Arrest

વૃદ્ધ વેપારીઓને ટાર્ગેટ કરતી 'ચિપ્સ ગેંગ'નો પર્દાફાશ : રાજકોટ પોલીસે 3 રીઢા ગુનેગારોને દબોચ્યા

રાજકોટમાં ઝપાયેલ આરોપીના cctv દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 09, 2026, 07:28 AM IST

રાજકોટ શહેરમાં વધતી મિલકત સંબંધિત ચોરીઓ વચ્ચે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સિનિયર સિટિઝન વેપારીઓને નિશાન બનાવતી એક શાતિર આંતરજિલ્લા ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર ભાવનગર જિલ્લાના ગારિયાધારનો રહેવાસી વિકી સેખલિયા હોવાનું સામે આવ્યું છે, જે બે સગીર સાગરીતો સાથે મળીને ચોરીઓને અંજામ આપતો હતો.

પોલીસ તપાસ મુજબ આ ટોળકી ખૂબ જ ગોઠવણપૂર્વક કામ કરતી હતી. તેઓ પ્રથમ જે શહેરમાં જવાના હોય ત્યાં રેકી કરતા અને પછી એકલા દુકાન સંભાળતા વૃદ્ધ વેપારીઓને લક્ષ્ય બનાવતા. ગ્રાહક બનીને દુકાનમાં પ્રવેશી વાતોમાં ઉલઝાવી, વેપારીને અંદર સામાન લેવા મોકલતા અને તે દરમિયાન ગલ્લામાંથી રોકડ રકમ ચોરી કરી ભાગી જતા હતા.

CCTV અને ઇન્ટેલિજન્સથી ઉકેલાયો ભેદ

આ સમગ્ર કેસ અંગે રાજકોટ ક્રાઇમના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે શહેરમાં ઘરફોડ અને ચોરીના ગુનાઓને ઝડપી ઉકેલવા માટે સતત પેટ્રોલિંગ અને ખાસ ટીમો કાર્યરત હતી. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે CCTV ફૂટેજ અને માનવ સૂત્રોની મદદથી તપાસ આગળ ધપાવી અને અંતે ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મેળવી.

તપાસમાં સામે આવ્યું છે કે રાજકોટ શહેરના આજીડેમ અને ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ટોળકીએ ચોરીઓ કરી હતી. સાથે સાથે ભાવનગર, નવસારી અને વાસદ સહિતના વિસ્તારોમાં પણ આવા જ બનાવોને અંજામ આપ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 10 જેટલા વેપારીઓને નિશાન બનાવ્યાની કબૂલાત આરોપીઓએ કરી છે.
રાજકોટવાસીઓ સાવધાન!: જાણીતી બ્રાન્ડના નામે અહીં પીરસાય રહી છે વાસી વસ્તુઓ, મનપાના દરોડામાં થયો મોટો ખુલાસો

7.58 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસે આરોપીઓ પાસેથી 2.58 લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ એક હ્યુન્ડાઈ વેન્યુ કાર મળી કુલ 7.58 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મુખ્ય આરોપી વિકી સેખલિયા વિરુદ્ધ અગાઉ પણ ચાર ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે, જેમાં જુગાર, મારામારી અને ચોરી સંબંધિત ગુનાઓનો સમાવેશ થાય છે.

સાથે ધરપકડ કરાયેલા બે સગીર આરોપીઓનો કોઈ અગાઉનો ગુનાહિત ઇતિહાસ નોંધાયો નથી. પોલીસ હવે આ ટોળકી દ્વારા અન્ય કેટલા વેપારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે તેની દિશામાં તપાસ તેજ કરી રહી છે.

વેપારીઓને પોલીસની ખાસ અપીલ

પોલીસ અધિકારીઓએ ખાસ કરીને સિનિયર સિટિઝન વેપારીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. જો કોઈ અજાણ્યા વ્યક્તિઓ દુકાનમાં આવીને વાતોમાં ઉલઝાવીને ધ્યાન ભંગ કરવાનો પ્રયાસ કરે તો ગલ્લો છોડીને અંદર જવાનું ટાળવું જોઈએ. દુકાનમાં અન્ય સ્ટાફ હોય તો તેમને સામાન આપવા મોકલવો વધુ સલામત વિકલ્પ ગણાવવામાં આવ્યો છે.

સાથે સાથે ગલ્લો હંમેશા લોક રાખવો, રોકડ ખુલ્લી ન રાખવી અને સતત નજર રાખવી જરૂરી હોવાનું પણ પોલીસએ જણાવ્યું છે. સીસીટીવી કેમેરા લગાવવાથી આવા બનાવોની અટકમાં મદદરૂપ બની શકે છે.
રાજકોટમાં કરુણાંતિકા!: પિતાએ બે માસૂમ સંતાનોને ગળેટૂંપો દઈ પોતે પણ જીવન ટૂંકાવ્યું

વધતી ચોરીઓ અને સુરક્ષા પર પ્રશ્નચિહ્ન

તાજેતરના સમયમાં વેપારીઓને નિશાન બનાવતી ચોરીઓમાં વધારો જોવા મળ્યો છે, ખાસ કરીને એવા વેપારીઓ જે એકલા દુકાન સંભાળે છે. આ ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા જગાવી છે.

પોલીસ તંત્ર દ્વારા વધારાની પેટ્રોલિંગ અને ટેક્નોલોજી આધારિત મોનિટરિંગ વધારવાની દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નાગરિકો અને વેપારીઓ વચ્ચે જાગૃતિ વધારવી પણ મહત્વપૂર્ણ ગણાઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now