ગુજરાતનું પાટનગર ગાંધીનગર હવે પરંપરાગત ગ્રીન સિટીથી આગળ વધીને સ્માર્ટ અને ટેક્નોલોજી આધારિત વહીવટ તરફ ઝડપી પગલાં ભરી રહ્યું છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટૂંક સમયમાં એક અત્યાધુનિક AI સજ્જ સ્માર્ટ ડિટેક્ટર વ્હીકલ પ્રોજેક્ટ શરૂ થવા જઈ રહ્યો છે, જે શહેરના વહીવટમાં મોટો પરિવર્તન લાવશે.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે નાગરિકો ફરિયાદ કરે તે પહેલાં જ તંત્ર સમસ્યાઓને ઓળખી તેને ઉકેલી શકે. અત્યાર સુધી નાગરિકોએ એપ કે ફોન દ્વારા ફરિયાદ નોંધાવવી પડતી હતી, પરંતુ હવે ટેક્નોલોજી પોતે જ ‘ફરિયાદ શોધી’ તેને ઉકેલ તરફ દોરી જશે.
AI આધારિત સર્વેલન્સથી પ્રો-એક્ટિવ વહીવટ
ગાંધીનગરમાં લોન્ચ થનાર આ વ્હીકલ સામાન્ય પેટ્રોલિંગ વાહન નહીં હોય, પરંતુ કોમ્પ્યુટર વિઝન અને ડીપ લર્નિંગ જેવી અદ્યતન AI ટેક્નોલોજીથી સજ્જ હશે. વાહનની છત પર 360 ડિગ્રી હાઈરિઝોલ્યુશન કેમેરા અને વિવિધ સેન્સર્સ લગાવવામાં આવશે, જે શહેરના રસ્તાઓ પર સતત નજર રાખશે.
આ વ્હીકલ નિર્ધારિત ગતિએ શહેરમાં ફરતું રહેશે અને દરેક નાની-મોટી સમસ્યાને રીઅલ-ટાઈમમાં કૅપ્ચર કરશે. આ ટેક્નોલોજી માનવીય દેખરેખને વધુ સચોટ અને ઝડપી બનાવશે.
સુરત સિવિલમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની 'સરપ્રાઈઝ વિઝીટ': દર્દીઓ સાથે સીધો સંવાદ કરી ખબર-અંતર પૂછ્યા
ખાડા, લીકેજ અને કચરાની તાત્કાલિક ઓળખ
આ AI સિસ્ટમ ખાસ કરીને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. પેવમેન્ટ ડિફેક્ટ ડિટેક્શન દ્વારા રસ્તા પરના નાના ખાડા, તિરાડો અને રોડ માર્કિંગ્સની ક્ષતિઓ તરત ઓળખી શકાય છે.
સાથે જ હાઇડ્રોલોજીકલ લીકેજ સિસ્ટમ ગટરના પાણીના ઉભરાવ અથવા પીવાના પાણીની લાઇનમાં થતા લીકેજને પણ સેન્સર દ્વારા શોધી કાઢશે. આ સાથે ઓબ્જેક્ટ રેકગ્નિશન ટેક્નોલોજી રસ્તા પર પડેલા કચરા, તૂટેલી સ્ટ્રીટલાઇટ અથવા ફૂટપાથ પરના દબાણોને પણ તરત ઓળખી લેશે.
રાજકોટમાં ભરતી કૌભાંડનો ધડાકો: પરીક્ષા પહેલા જ ક્લાર્કનું નામ નક્કી હતું? યુવરાજસિંહના સનસનીખેજ આક્ષેપ
સેન્ટ્રલ કમાન્ડથી તરત જ કાર્યવાહી
વ્હીકલ દ્વારા મેળવાયેલ તમામ ડેટા સીધો સેન્ટ્રલ કમાન્ડ અને કંટ્રોલ સેન્ટર સુધી પહોંચશે. ત્યાંથી સંબંધિત વિભાગના અધિકારીઓને સેકંડોમાં જ વર્ક ઓર્ડર મોકલવામાં આવશે.
આ સિસ્ટમમાં ટાઈમ-સ્ટેમ્પ જોડાયેલો હોવાથી અધિકારીઓએ નિર્ધારિત સમયગાળામાં કામ પૂર્ણ કરવું ફરજિયાત રહેશે. કામ પૂર્ણ થયા બાદ તેનો રિપોર્ટ અને ફોટોગ્રાફ અપલોડ કરવો પડશે, જેથી પારદર્શકતા જળવાઈ રહે.
લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો અને પ્લાનિંગમાં મદદ
નિષ્ણાતોના મતે, આ ટેક્નોલોજી લાંબા ગાળે મહાનગરપાલિકાને મોટો આર્થિક ફાયદો આપશે. કારણ કે જો રસ્તાની તિરાડ અથવા પાણીનું લીકેજ શરૂઆતમાં જ પકડાઈ જાય, તો મોટા નુકસાન પહેલા જ તેને ઠીક કરી શકાય છે, જેનાથી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે.
વળી, આ સિસ્ટમ દ્વારા એકત્રિત થતો ડેટા હીટ મેપના રૂપમાં ઉપયોગી બનશે. કયા વિસ્તારમાં કેટલી વાર સમસ્યાઓ થાય છે તેનો વિશ્લેષણ કરીને ભવિષ્યના ટાઉન પ્લાનિંગને વધુ અસરકારક બનાવી શકાય છે.
અમરેલી-ગોંડલ-ચોરવાડમાં પશુબલી અટકાવાઈ: વિજ્ઞાન જાથાની કાર્યવાહીથી 140 બોકળાના બચ્યા જીવ
ગુજરાતના અન્ય શહેરો માટે મોડલ બનવાની શક્યતા
જો ગાંધીનગરમાં આ પ્રોજેક્ટ સફળ રહે છે, તો આગામી સમયમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મોટા શહેરોમાં પણ આ મોડલ અમલમાં આવી શકે છે.
આ રીતે ગાંધીનગર માત્ર ગ્રીન સિટી જ નહીં, પરંતુ સ્માર્ટ ગવર્નન્સ માટેનું વૈશ્વિક ઉદાહરણ બની શકે છે.
‘કમ્પ્લેઇન ફ્રી સિટી’ તરફ પગલું
મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, જેમ શહેરને ડસ્ટ ફ્રી બનાવવાનો પ્રયાસ થયો હતો, તેમ હવે ‘કમ્પ્લેઇન ફ્રી સિટી’ બનાવવાનો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
તેમના જણાવ્યા મુજબ, AI વ્હીકલ શહેરમાં ફરતું રહેશે અને જ્યાં પણ ખાડા, કચરો, ઝાડનું ટ્રિમિંગ કે પાણીના લીકેજ જેવી સમસ્યાઓ હશે, ત્યાં તેની ઓળખ કરી GPS લોકેશન સાથે સંબંધિત અધિકારીઓ સુધી માહિતી પહોંચાડશે.





