નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવા એનેસ્થેસિયોલોજિસ્ટ હર્ષ ચૌધરીનો મૃતદેહ તેમના રૂમમાંથી મળી આવતા હોસ્પિટલ તેમજ સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. મૃત્યુનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી અને કુદરતી મોત કે આત્મહત્યા સહિતના વિવિધ એંગલથી તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ડો. હર્ષ ચૌધરી છેલ્લા લગભગ છ મહિનાથી રાજપીપળા સિવિલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગમાં સિનિયર રેસિડન્ટ તરીકે ફરજ બજાવતા હતા. 8 મેના રોજ તેઓ ડ્યુટી પર હાજર રહ્યા ન હતા, જેના કારણે હોસ્પિટલ સ્ટાફ અને વિભાગના વડાને શંકા જતા તપાસ હાથ ધરવામાં આવી હતી.
રૂમમાં બેભાન હાલતમાં મળ્યા
હોસ્પિટલ સ્ટાફ દ્વારા ડો. હર્ષ ચૌધરીને મોબાઇલ ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો. ત્યારબાદ વિભાગના અન્ય ડોક્ટરો તેમના રૂમ પર પહોંચ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, રૂમનો દરવાજો અંદરથી બંધ ન હતો અને હળવો ધક્કો મારતા જ ખુલી ગયો હતો. અંદર તપાસ કરતા ડોક્ટર પથારી પર બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યા હતા. તરત જ તેમને ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
અમરેલી-ગોંડલ-ચોરવાડમાં પશુબલી અટકાવાઈ: વિજ્ઞાન જાથાની કાર્યવાહીથી 140 બોકળાના બચ્યા જીવ
IV ડ્રગ્સ એંગલથી પણ તપાસ
આ સમગ્ર મામલે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ મનીષ મહેતાએ જણાવ્યું હતું કે ડો. હર્ષ ચૌધરીને તાવ અને શરદી-ઉધરસની ફરિયાદ હતી અને તેઓ IV ડ્રગ્સ લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.
સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા અનુસાર, હાલ એ સંભાવનાની પણ તપાસ થઈ રહી છે કે દવાઓ અથવા IV ડ્રગ્સ સંબંધિત કોઈ કારણ મોત માટે જવાબદાર હોઈ શકે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે.
ખેડામાં હૃદયદ્રાવક ઘટના: એક પરિવારના 4 લોકોએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, 3ના મૃતદેહ મળ્યા 1 લાપતા
ગઈકાલ સુધી ડ્યુટી પર સક્રિય
હોસ્પિટલ તંત્ર મુજબ, ડો. હર્ષ ચૌધરીએ ઘટના પહેલાંના દિવસે આખો દિવસ ઓપરેશન થિયેટરમાં પોતાની ફરજ બજાવી હતી અને તેમના વર્તનમાં કોઈ અજુગતું જોવા મળ્યું ન હતું. તેઓ માત્ર તાવની ફરિયાદ કરતા હોવાનું જણાવાયું છે.
હોસ્પિટલ સ્ટાફે શરૂઆતમાં એમ માન્યું હતું કે તબિયત નબળી હોવાને કારણે તેઓ ડ્યુટી પર આવ્યા નહીં હોય, પરંતુ લાંબા સમય સુધી ફોન ન ઉઠાવતા શંકા વધી હતી.
પોલીસ અને મેડિકો-લીગલ તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી અને હાલ મેડિકો-લીગલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
હોસ્પિટલ તંત્ર દ્વારા ડો. હર્ષ ચૌધરીના પરિવારજનોને સુરતમાં જાણ કરવામાં આવી છે. તેમના પરિવારજનો પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગરમાં AI વ્હીકલથી ‘કમ્પ્લેઇન ફ્રી’ મોડલ: ફરિયાદ પહેલા જ ખાડા, કચરો અને લીકેજ શોધશે સ્માર્ટ સિસ્ટમ
તબીબી ક્ષેત્રમાં ફરી ચિંતા
આ ઘટનાએ તબીબી ક્ષેત્રમાં કામ કરતા યુવા ડોક્ટરોના માનસિક અને શારીરિક દબાણ અંગે ફરી ચર્ચા જગાવી છે. લાંબા કામના કલાકો, સતત તણાવ અને આરોગ્ય સંબંધિત પડકારો વચ્ચે ડોક્ટરોના સ્વાસ્થ્ય મુદ્દા પર વધુ ધ્યાન આપવાની જરૂરિયાત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
હાલ તમામ નજર પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર છે, જે બાદ જ આ રહસ્યમય મૃત્યુ પાછળનું સાચું કારણ બહાર આવી શકશે.





