Home Gujarat Kapadvanj Canal Family Tragedy Kheda

ખેડામાં હૃદયદ્રાવક ઘટના : એક પરિવારના 4 લોકોએ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યું, 3ના મૃતદેહ મળ્યા 1 લાપતા

ખેડાની નર્મદા કેનાલના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: May 09, 2026, 10:07 AM IST

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ નજીક આવેલી નર્મદા કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યોને લઈને હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, કૌટુંબિક વિખવાદના કારણે એક પરિણીતાએ પોતાની બે નાની પુત્રીઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. તેમને બચાવવા માટે પતિ પણ પાણીમાં કૂદ્યો હતો, પરંતુ હાલમાં તે લાપતા છે.

આ ઘટના કપડવંજ તાલુકાના ફતિયાવાદ વિસ્તારની છે, જ્યાં શુક્રવારે (8 મે) સાંજે આ દુર્ઘટના બની હતી. સ્થાનિક લોકો અને પોલીસ માટે આ ઘટના ખૂબ જ આઘાતજનક બની છે.

શું બની ઘટના?

મળતી માહિતી મુજબ, ભાવાના મુવાડા ગામની રહેવાસી એક મહિલાએ પોતાની બે પુત્રીઓને લઈને ફતિયાવાદ નજીક નર્મદા કેનાલના પુલ પર પહોંચી હતી. અહીં પહોંચ્યા બાદ મહિલાએ પહેલા પોતાની બંને પુત્રીઓને કેનાલના ઊંડા પાણીમાં ધકેલી દીધી હતી અને ત્યારબાદ પોતે પણ ઝંપલાવ્યું હતું.

આ દરમિયાન મહિલાનો પતિ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. પોતાની નજર સામે જ પત્ની અને સંતાનોને પાણીમાં ગરકાવ થતા જોઈ તે તેમને બચાવવા માટે તરત જ કેનાલમાં કૂદ્યો હતો. પરંતુ કેનાલના પાણીનો તેજ પ્રવાહ અને ઊંડાઈને કારણે ચારેય સભ્યો પાણીમાં તણાઈ ગયા હતા.
રાજકોટમાં કરુણાંતિકા!: પિતાએ બે માસૂમ સંતાનોને ગળેટૂંપો દઈ પોતે પણ જીવન ટૂંકાવ્યું

રેસ્ક્યુ ઓપરેશન અને હાલની સ્થિતિ

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ત્યાં એકત્ર થયા હતા. તરત જ ફાયર બ્રિગેડ અને પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી. બચાવ કામગીરી માટે ટીમો ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું.

મહેનતભર્યા પ્રયાસો બાદ મહિલાનો અને તેની બંને પુત્રીઓનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. જોકે, પતિ હજુ સુધી લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે. રેસ્ક્યુ ટીમો સતત કેનાલમાં તપાસ કરી રહી છે.
અમરેલી-ગોંડલ-ચોરવાડમાં પશુબલી અટકાવાઈ: વિજ્ઞાન જાથાની કાર્યવાહીથી 140 બોકળાના બચ્યા જીવ

પારિવારિક વિખવાદની શંકા

પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, પરિવારમાં ચાલી રહેલા આંતરિક ઝઘડા અને વિખવાદ આ ઘટનાનું કારણ હોઈ શકે છે. જોકે, ઘટનાની સાચી હકીકત જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. સાથે જ, લાપતા પતિને શોધવા માટે કામગીરી તેજ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now