રાજકોટ-ભાયાવદર વિસ્તારમાં આવેલી એચ.એલ. પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જુનિયર ક્લાર્ક ભરતી પ્રક્રિયા અંગે ગંભીર વિવાદ ઊભો થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા ભરતીમાં ગેરરીતિ થયાના આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેમાં પરીક્ષા પહેલા જ ઉમેદવારનું નામ નક્કી થઈ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ભરતી પ્રક્રિયાની પારદર્શકતા અને વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે.
આ ભરતી પ્રક્રિયાની જાહેરાત ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા 20 સપ્ટેમ્બર 2025 ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ 16 માર્ચ 2026 ના રોજ પ્રાથમિક પરીક્ષા યોજાઈ અને આગળની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 1 મેના રોજ અંતિમ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ પરિણામ જાહેર થાય તે પહેલાં જ 19 એપ્રિલે યુવરાજસિંહ જાડેજાએ લેખિતમાં ફરિયાદ કરી હતી કે ભુવા હર્ષ અનિલભાઈ નામના ઉમેદવારની પસંદગી નિશ્ચિત છે.
પરિણામ પહેલા કરેલી ફરિયાદે વધાર્યો શંકાનો ઘેરાવો
ફરિયાદ બાદ જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે ખરેખર ભુવા હર્ષ અનિલભાઈની પસંદગી થઈ હોવાનું સામે આવ્યું, જેના કારણે આક્ષેપોને વધુ બળ મળ્યું છે. યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તેઓ કોઈ અનુમાન કે આગાહી કરી રહ્યા નહોતા, પરંતુ અગાઉથી મળેલી ચોક્કસ માહિતીના આધારે આ રજૂઆત કરવામાં આવી હતી.
તેમણે દાવો કર્યો કે છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માત્ર ઔપચારિકતા બની રહી છે અને પસંદગી અગાઉથી નક્કી કરવામાં આવે છે. આ ઘટનાને તેમણે એક “સુનિયોજિત કાવતરું” ગણાવ્યું છે, જેમાં ઓળખાણવાદ અને લાગવગશાહીનો સંકેત મળે છે.
રાજકોટમાં કરુણાંતિકા!: પિતાએ બે માસૂમ સંતાનોને ગળેટૂંપો દઈ પોતે પણ જીવન ટૂંકાવ્યું
પરીક્ષા પ્રક્રિયા પર પણ ઉઠ્યા સવાલો
આ મામલે માત્ર પરિણામ જ નહીં પરંતુ પરીક્ષા પ્રક્રિયા પર પણ પ્રશ્નો ઉભા થયા છે. આરોપ મુજબ, પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારોને પોતાની પેન ઉપયોગ કરવાની મંજૂરી નહોતી અને એક ચોક્કસ બોલપેનથી જ OMR શીટ ભરવા ફરજ પાડવામાં આવી હતી. આ બાબતને પણ સંદિગ્ધ ગણાવી તપાસની માંગ કરવામાં આવી છે.
વધુમાં, પસંદ થયેલા ઉમેદવારને 200 માંથી 173 ગુણ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે. યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા મુજબ, આ ઉમેદવારે અગાઉ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો નથી, જે પરિસ્થિતિમાં પ્રથમ જ પ્રયાસમાં આટલા ઉચ્ચ ગુણ મેળવવા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી છે.
વૃદ્ધ વેપારીઓને ટાર્ગેટ કરતી 'ચિપ્સ ગેંગ'નો પર્દાફાશ: રાજકોટ પોલીસે 3 રીઢા ગુનેગારોને દબોચ્યા
તપાસ અને ભરતી રદ્દ કરવાની માંગ
આ સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજાએ તાત્કાલિક ભરતી પ્રક્રિયા રદ્દ કરવાની માંગ કરી છે. સાથે જ, નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ માટે સિટિંગ જજની અધ્યક્ષતામાં તપાસ કમિટી અથવા ખાસ તપાસ દળ (SIT) રચવાની માંગણી કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે આ મુદ્દે શિક્ષણ મંત્રી, ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી અને અન્ય સંબંધિત અધિકારીઓને અગાઉથી જ જાણ કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. હવે આ મામલે સોમવારે ફરીથી રજૂઆત કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
સિસ્ટમ પર ફરી ઉઠ્યા વિશ્વાસના પ્રશ્નો
આ ઘટનાએ ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિશ્વસનીયતા પર ફરી એકવાર પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. છેલ્લા કેટલાક સમયમાં ભરતી અને પરીક્ષા પ્રક્રિયાને લઈને અનેક વિવાદો સામે આવ્યા છે, જેના કારણે યુવાનોમાં અસંતોષ વધતો જોવા મળે છે.





