Home Gujarat Ambalal Patel Forecast Gujarat Heatwave Pre Monsoon Activity May 2026

અંબાલાલ પટેલની નવી આગાહી : ગુજરાતમાં 9 મે બાદ આભમાંથી વરસેશે અગનજ્વાળા, પારો 45 ડિગ્રીને પાર જવાની વકી

Ambalal Patel Prediction
Published by: Nirali Gohil
Last Updated: May 09, 2026, 09:35 AM IST

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને મોટી અને મહત્વની આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 9 મે બાદ એટલે કે હવેથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ અચાનક અને ઝડપથી વધશે. ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ દિશાના ગરમ પવનો ફૂંકાવાને કારણે જનતાને ડબલ ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડશે. અનેક શહેરોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીની નજીક પહોંચવાની શક્યતા હોવાથી આગામી દિવસો ગુજરાત માટે ‘હોટ’ રહેવાના છે.

કયા જિલ્લાઓમાં ગરમીનો પારો આસમાને પહોંચશે?

અંબાલાલ પટેલની આગાહી મુજબ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રકોપ સૌથી વધુ જોવા મળશે. વડોદરા, આણંદ અને ખેડા જિલ્લામાં લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે. તો બીજી તરફ ઉત્તર ગુજરાતના પાટણ, સમી અને હારીજ જેવા વિસ્તારોમાં તાપમાન અત્યંત ઊંચા સ્તરે પહોંચી શકે છે. હિંમતનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પંચમહાલમાં પારો 43 થી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. અમદાવાદમાં પણ આગામી દિવસોમાં સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળશે.

આ પણ વાંચો: હવે ગરમી માથું ફાડી નાખશે! : હવામાન વિભાગની આગામી 3 દિવસ માટે આકરી આગાહી

સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ગરમીનો કહેર યથાવત

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ ગરમીનો માહોલ યથાવત રહેશે. રાજકોટમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે, જ્યારે સુરેન્દ્રનગર અને હળવદના પટ્ટામાં પારો 44 ડિગ્રીને વટાવી શકે છે. કચ્છમાં ખાસ કરીને ભુજ શહેરમાં ગરમીનો ભારે પ્રભાવ જોવા મળશે. જોકે, રાહતની વાત એ છે કે દરિયાકાંઠાના વિસ્તારો જેવા કે પોરબંદર અને જામનગરમાં તાપમાન 36 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં પારો 34 ડિગ્રી સુધી સીમિત રહી શકે છે.

15 મે બાદ પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત

ગરમીના આ કહેર વચ્ચે અંબાલાલ પટેલે રાહતના સમાચાર પણ આપ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, 15 મે બાદ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પૂર્વેની હલચલ ધીમે ધીમે તેજ બનશે. ખાસ કરીને 18 થી 23 મે દરમિયાન હવામાનમાં મોટો પલટો આવી શકે છે. આ સમયગાળા દરમિયાન આંધી, વંટોળ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાનારી પવન પ્રણાલીને કારણે કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદી ઝાપટાં પણ પડી શકે છે.

આ પણ વાંચો: હવામાન અપડેટ : કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાના આગમનના રૂડા સમાચાર, જાણો કઈ તારીખે બેસશે ચોમાસું

કેરળમાં ચોમાસું ક્યારે બેસશે?

ચોમાસાના આગમન અંગે આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 12 થી 20 મે દરમિયાન આંદામાન-નિકોબાર ટાપુઓમાં વિધિવત વરસાદી માહોલ જામશે. ત્યારબાદ પવનોની ગતિ જોતા એવી સંભાવના છે કે 26 મે સુધીમાં ચોમાસું કેરળના કિનારે પહોંચી જશે. જો કેરળમાં સમયસર વરસાદ શરૂ થાય, તો દેશભરમાં ચોમાસાની શરૂઆત માટે તે સારા સંકેત માનવામાં આવે છે. આમ, મે મહિનાનો અંતિમ સપ્તાહ ગરમીથી રાહત લઈને આવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now