આ દિવસોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેરળના પ્રવાસે છે. આ દરમિયાન તેમને કેન્દ્ર સરકારના 'PM, CM કે મંત્રી ગંભીર અપરાધિક આરોપોમાં 30 દિવસ જેલમાં રહે છે તો તેને પદ પરથી હટાવવામાં આવે' બીલનો પણ ઉલ્લેખ કર્યો. અમિત શાહે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી જેલ ગયા બાદ પણ સરકાર ચલાવતા હતા, જો જેલમાં ગયા બાદ કેજરીવાલે રાજીનામું આપી દીધું હોત તો આજે આ બીલની જરૂર ન પડી હોત.
અમિત શાહે કહ્યું કે શું દેશની જનતા ઈચ્છે છે કે કોઈ પણ મુખ્યમંત્રી જેલમાં રહીને સરકાર ચલાવે? હવે અ લોકો (વિપક્ષી) કહે છે કે સંવિધાનમાં આવું કોઈ પ્રવધાન પહેલા કેમ ન થયું? અરે, સંવિધાન બન્યું હતું, ત્યારે આવા નિર્લજ્જ લોકોની કલ્પના જ નહતી કરી કે જેલમાં ગયા બાદ પણ રાજીનામું ન આપે. સાથે જ કહ્યું કે આ બીલ કોઈ પાર્ટી માટે નથી, અ બીલ ભાજપના મુખ્યમંત્રીઓ પર પણ લાગુ પડશે.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, 70 વર્ષ પહેલા એક આવી ઘટના બની હતી, જેમાં કેટલાય મંત્રી અને મુખ્યમંત્રી જેલમાં ગયા હતા અને જેલમાં ગયા પહેલા તમામે રાજીનામું આપી દીધું હતું. પરંતુ થોડા સમય પહેલા એક ઘટના થઈ, જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી જેલ ગયા બાદ પણ સરકાર ચલાવી રહ્યા હતા. તો સવાલએ થાય છે કે સંવિધાન બદલાવું જોઈએ કે નહિ? લોકતંત્રમાં નૈતિકતાનું સ્તર જાળવી રાખવાની જવાબદારી સત્તાપક્ષ અને વિપક્ષ બંનેની છે.
શું છે વિવાદનું કારણ
કેન્દ્ર સરકારે લોકસભામાં એક બિલ રજૂ કર્યું છે, જેના કારણે ઘણો વિવાદ થઈ રહ્યો છે. પ્રસ્તાવિત બિલમાં કહેવામાં આવ્યું છે કે જો PM, CM અથવા કોઈપણ મંત્રી વિરુદ્ધ 5 વર્ષ કે તેથી વધુ સજાની જોગવાઈ ધરાવતી કલમો હેઠળ ફોજદારી કેસ નોંધવામાં આવે છે, તો આવી સ્થિતિમાં, તેમણે તેમની ધરપકડના 31મા દિવસે પોતાનું પદ છોડવું પડશે અને જો તેઓ આમ નહીં કરે, તો તેમની ધરપકડના 31મા દિવસે તેઓ આપમેળે આ પદ પરથી દૂર થઈ જશે.