Ambaji News: શક્તિ, ભક્તિ અને આસ્થાના અદ્વિતીય કેન્દ્ર તરીકે વિશ્વવિખ્યાત અંબાજી શક્તિપીઠ ખાતે આગામી 20થી 26 સપ્ટેમ્બર, 2026 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળાનું ભવ્ય આયોજન કરવામાં આવશે. દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો માઈભક્તો અંબાજી ધામે દર્શન અને પૂજા-અર્ચના માટે ઉમટી પડતા હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓના આગમનની સંભાવનાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રે તૈયારીઓનો પ્રારંભ કરી દીધો છે.
આ સંદર્ભે પાલનપુર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ અને વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ સાથે પ્રથમ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહામેળાના સફળ અને સુચારુ આયોજન માટે વિવિધ પાસાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી તેમજ તમામ વિભાગોને સમયસર કામગીરી પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
યાત્રાળુઓ સુધી દરેક સુવિધા પહોંચાડવા પર ભાર
જિલ્લા કલેક્ટર મિહિર પટેલે બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવતી દરેક તૈયારીનો સીધો લાભ અંતિમ છેવાડેથી પગપાળા આવતા યાત્રાળુ સુધી પહોંચે તે રીતે આયોજન કરવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે ભાદરવી પૂનમનો મહામેળો માત્ર ધાર્મિક પ્રસંગ નથી, પરંતુ લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનો મહાપર્વ છે. તેથી દરેક ભક્તને સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાસભર વાતાવરણ મળી રહે તે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રની પ્રાથમિકતા રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે દર વર્ષે મેળામાં યાત્રાળુઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આથી આ વર્ષે પણ અગાઉની સરખામણીએ વિવિધ સુવિધાઓમાં વધારો કરવામાં આવશે જેથી ભક્તોને દર્શન, રહેવા, ભોજન અને અન્ય સેવાઓમાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ સમગ્ર યાત્રાનો અનુભવ વધુ સુખદ અને યાદગાર બની રહે.
28 સમિતિઓને સોંપાઈ વિવિધ જવાબદારીઓ
ભાદરવી પૂનમ મહામેળાના અસરકારક આયોજન માટે જિલ્લા કક્ષાએ અલગ-અલગ 28 સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, તાત્કાલિક સારવાર, વિસામા કેન્દ્રો, ભોજન વ્યવસ્થા, સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ, વીજ પુરવઠો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને અન્ય જરૂરી સેવાઓનું આયોજન અને દેખરેખ રાખશે. ગુજરાત સરકાર તથા પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી જિલ્લા વહીવટીતંત્રે મેળાની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં વિવિધ વિભાગો વચ્ચે સતત સંકલન જળવાઈ રહે અને સમયસર કામગીરી પૂર્ણ થાય તે માટે નિયમિત સમીક્ષા બેઠકો પણ યોજવામાં આવશે.
પરિવહનથી લઈને દર્શન વ્યવસ્થા સુધી વિશેષ આયોજન
બેઠક દરમિયાન યાત્રાળુઓ માટે રાજ્ય પરિવહનની બસ વ્યવસ્થા, ખાનગી વાહનો માટે પાર્કિંગ, ટ્રાફિક નિયમન, આરોગ્ય કેમ્પ, એમ્બ્યુલન્સ સેવા, સ્વચ્છતા અભિયાન, લાઇટિંગ, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા તેમજ મંદિરમાં દર્શન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ પ્રચાર-પ્રસાર, માર્ગદર્શન કેન્દ્રો, માહિતી કાઉન્ટર અને ભક્તોને સરળતાથી જરૂરી માહિતી મળી રહે તે માટે પણ આયોજન કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. પગપાળા આવતા સંઘો માટે માર્ગ પર જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
સુરતમાં ચાઇનીઝ લારીના મંચુરિયનમાંથી મરેલું ઉંદરનું બચ્ચું નીકળ્યું : મનપાના આરોગ્ય વિભાગની લાલ આંખ
ભાદરવી પૂનમ મહામેળાનું ધાર્મિક મહત્વ
અંબાજી શક્તિપીઠ દેશના 51 શક્તિપીઠોમાંનું એક મહત્વપૂર્ણ યાત્રાધામ માનવામાં આવે છે. ભાદરવી પૂનમ દરમિયાન હજારો પગપાળા સંઘો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજ્યોમાંથી અંબાજી પહોંચે છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર અંબાજી નગર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠે છે અને વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓની હાજરીને કારણે ભાદરવી પૂનમ મહામેળો રાજ્યના સૌથી મોટા ધાર્મિક મેળાઓમાં સ્થાન ધરાવે છે. આ વર્ષે પણ જિલ્લા વહીવટીતંત્ર યાત્રાળુઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અને સમગ્ર મેળાને સુવ્યવસ્થિત રીતે સંપન્ન કરવા માટે તમામ જરૂરી તૈયારીઓ કરી રહ્યું છે.






