Home Gujarat Ahmedabad Ahmedabad Ramol Firecracker Factory Blast Accused 7 Days Remand

અમદાવાદ ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં 10 થયો મૃત્યુઆંક : બન્ને આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા

Ahmedabad Crime News
Play Video
Published by: Vishal Dave
Last Updated: Jul 20, 2026, 09:04 AM IST

Ahmedabad Crime News: પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, કોર્ટે 27 જુલાઈ સુધી 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા; બ્લાસ્ટ પાછળની બેદરકારી અને અન્ય સંડોવણીની દિશામાં તપાસ તેજ

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ગંભીર બ્લાસ્ટ કેસમાં મહત્વપૂર્ણ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તપાસને આગળ ધપાવવા માટે પોલીસે બંને આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બન્ને આરોપીઓના 27 જુલાઈ સુધીના એટલે કે 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. મૃત્યાંક 10 સુધી પહોંચી ગયો છે, સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત વધુ એક વ્યક્તિનું મોત નિપડજ્યું છે.

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા ફટાકડા કારખાનામાં થયેલા ભીષણ વિસ્ફોટની હોનારતમાં મૃત્યુઆંક વધીને 10 પર પહોંચ્યો છે. 95% જેટલા ગંભીર રીતે દાઝી ગયેલા વધુ એક વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું હતું. હાલમાં 4 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જે પૈકી એક મહિલાની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

બીજી તરફ, આ કેસમાં અટકાયત કરાયેલા ત્રણ પૈકી બે આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સ્પેશિયલ તપાસ માટે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેની સામે અદાલતે બંને આરોપીઓના 27 જુલાઈ સુધીના એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્યા આરોપીઓ પૈકી રમીલાબેન નામના મહિલા પણ ઇજાગ્રસ્ત હોવાથી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોર્ટ કાર્યવાહી દરમિયાન સરકારી વકીલે ધારદાર રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ ગોઝારી ઘટનામાં અત્યાર સુધી 10 લોકોના મોત થયા છે અને 5 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. દુઃખદ વાત એ છે કે મૃતકોમાં 4 સગીર વયના બાળકોનો સમાવેશ થાય છે. આરોપીઓએ કોઈપણ પ્રકારની પરમિટ કે મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવાની ફેક્ટરી શરૂ કરી દીધી હતી. આ કૌભાંડમાં અન્ય કોઈ ભાગીદારો કે આર્થિક મદદગારો સામેલ છે કે કેમ તે અંગે આરોપીઓ મૌન સેવી રહ્યા હોવાથી કડક પૂછપરછ માટે રિમાન્ડ જરૂરી છે.

કોર્ટના આ આદેશ બાદ હવે તપાસ એજન્સીઓને આરોપીઓની સઘન પૂછપરછ કરવાની તક મળશે. તપાસ દરમિયાન ફેક્ટરીમાં ફટાકડાના ઉત્પાદન અને સંગ્રહ માટે જરૂરી કાયદાકીય મંજૂરીઓ હતી કે નહીં, સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તેમજ બ્લાસ્ટ પાછળ કોઈ પ્રકારની બેદરકારી કે અન્ય જવાબદાર વ્યક્તિઓની સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત રહેશે.

આ પણ વાંચોઃ Videoમાં જંગલી જનાવર પાછળ દોડતા દેખાયા કૂતરા : દીપડાના પંજાના નિશાન મળ્યા! વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ સાથે દીપડાને પકડવા અમદાવાદના મેયર મેદાનમાં

તપાસમાં અનેક મુદ્દાઓ પર રહેશે ફોકસ

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ફેક્ટરીના સંચાલન, વિસ્ફોટક સામગ્રીના જથ્થા, તેના સંગ્રહની પદ્ધતિ, કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા અને ઘટનાના દિવસે બનેલી સમગ્ર ઘટનાક્રમ અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવશે. સાથે જ ઘટનામાં ઉપયોગમાં લેવાયેલી સામગ્રી ક્યાંથી લાવવામાં આવી હતી અને તમામ પ્રક્રિયા નિયમો મુજબ ચાલી રહી હતી કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. તપાસ અધિકારીઓ ઘટનાસ્થળેથી એકત્ર કરાયેલા પુરાવા, ફોરેન્સિક તપાસના પ્રાથમિક તારણો તથા આરોપીઓના નિવેદનો વચ્ચે સુસંગતતા ચકાસશે. જરૂર પડે તો આ કેસમાં અન્ય વ્યક્તિઓની ભૂમિકા સામે આવે તેવી શક્યતાઓને પણ ધ્યાનમાં રાખીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં દીપડાની દસ્તકથી દહેશત! : શહેરના પોશ વિસ્તારની સોસાયટીમાં ઘૂસ્યો દીપડો, CCTV સામે આવતા સ્થાનિકોમાં ફફડાટ

બ્લાસ્ટ બાદ સુરક્ષા મુદ્દે ઉઠ્યા પ્રશ્નો

રામોલ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ ઔદ્યોગિક વિસ્તારોમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીઓ અને વિસ્ફોટક સામગ્રીના સંગ્રહને લઈને સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા જોખમી ઉદ્યોગોમાં અગ્નિસુરક્ષા, વિસ્ફોટ નિયંત્રણ અને નિયમિત નિરીક્ષણના ધોરણોનું કડક પાલન કરવું અત્યંત જરૂરી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રિમાન્ડ દરમિયાન મળતા પુરાવા અને પૂછપરછના આધારે તપાસને વધુ આગળ વધારવામાં આવશે. જો તપાસમાં અન્ય કોઈ વ્યક્તિ અથવા સંસ્થા સામે જવાબદારી નક્કી થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ સમગ્ર કેસમાં તપાસ ચાલુ હોવાથી વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now