અમદાવાદ શહેર પોલીસ દ્વારા દારૂબંધીને વધુ કડક બનાવવા અને ગુનેગારોમાં કાયદાનો ભય બેસાડવા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશનર અને સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર-1ના માર્ગદર્શન હેઠળ ઝોન-7 વિસ્તારમાં વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જપ્ત કરાયેલા દારૂના વિશાળ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ કાર્યવાહી અંતર્ગત કુલ 92 પ્રોહિબિશન ગુનાઓમાં પકડાયેલ પરપ્રાંતિય ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ, બિયર ટીન અને ક્વાર્ટર બોટલ સહિત કુલ 80,896 નંગનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત અંદાજે ₹2,31,72,948 હોવાનું પોલીસે જણાવ્યું છે.
ઝોન-7ના અનેક પોલીસ સ્ટેશનો જોડાયા
આ સમગ્ર કાર્યવાહી અમદાવાદ શહેરના ઝોન-7 વિસ્તારમાં આવેલા અનેક પોલીસ સ્ટેશનોની સંયુક્ત કામગીરીના ભાગરૂપે કરવામાં આવી હતી. જેમાં એલીસબ્રીજ, વેજલપુર, સરખેજ, વાસણા, સેટેલાઇટ, આનંદનગર અને બોડકદેવ પોલીસ સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ તમામ પોલીસ સ્ટેશનોમાં અલગ-અલગ પ્રોહિબિશન ગુનાઓમાં ઝડપાયેલા દારૂના જથ્થાને કોર્ટની મંજૂરી બાદ નષ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો: દિયોદર તાલુકા પંચાયત ચૂંટણીમાં હાઇ વોલ્ટેજ ડ્રામા : 2 વખત મોકૂફ થઈ ચુંટણી; કોંગ્રેસના ભાજપ પર ગંભીર આક્ષેપ
કોર્ટની મંજૂરી બાદ કાર્યવાહી
પોલીસ દ્વારા સંબંધિત નામદાર કોર્ટમાં દારૂના મુદ્દામાલને નષ્ટ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી. કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ સમગ્ર કાર્યવાહી કાયદેસરની પ્રક્રિયા હેઠળ કરવામાં આવી. કાર્યવાહી દરમિયાન એસ.ડી.એમ. પશ્ચિમ અમદાવાદ શહેર, મદદનિશ પોલીસ કમિશનર “એન” ડિવિઝન, સંબંધિત પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
સરખેજ વિસ્તારમાં ખુલ્લી જગ્યાએ નાશ
જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજાલા સર્કલ અને સનાથલ સર્કલ વચ્ચે આવેલા ઓવરબ્રિજની સર્વિસ રોડ પાસે ખુલ્લી જગ્યામાં કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સમગ્ર દારૂના જથ્થાને વ્યવસ્થિત રીતે ગોઠવી રોડ રોલરની મદદથી બોટલો તોડી નષ્ટ કરવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન સુરક્ષા અને કાયદાકીય પ્રક્રિયાનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
ગુનેગારોમાં કાયદાનો ભય બેસાડવાનો પ્રયાસ
અમદાવાદ શહેર પોલીસનું કહેવું છે કે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય અને ગેરકાયદેસર દારૂના વેપાર પર અસરકારક નિયંત્રણ આવે તે માટે આવી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ ગેરકાયદેસર દારૂના ધંધામાં સંડોવાયેલા લોકો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. ખાસ કરીને તહેવારો દરમિયાન દારૂની હેરાફેરી અને વેચાણ રોકવા માટે શહેરમાં સર્વેલન્સ અને ચેકિંગ વધારવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત : શારીરિક કસોટીમાં પાસ ઉમેદવારોની લેવાશે લેખિત પરીક્ષા, જાણો તારીખ
ગુજરાતમાં દારૂબંધી કાયદો અને પોલીસની કાર્યવાહી
ગુજરાત દેશમાં દારૂબંધી અમલમાં ધરાવતું રાજ્ય છે. તેમ છતાં સમયાંતરે ગેરકાયદેસર દારૂના જથ્થા ઝડપાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. રાજ્યમાં પ્રોહિબિશન કાયદાના કડક અમલ માટે પોલીસ અને આબકારી વિભાગ દ્વારા નિયમિત દરોડા અને ચેકિંગ હાથ ધરવામાં આવે છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન પણ મોટા પ્રમાણમાં દારૂ ઝડપાવાની અનેક ઘટનાઓ સામે આવી છે. પોલીસ દ્વારા સતત કાર્યવાહી થતી હોવા છતાં દારૂના ગેરકાયદેસર નેટવર્કને લઈને ચિંતા યથાવત છે.





