Ahmedabad News: અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ભરચક ગણાતા નહેરુનગર વોલવો બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં ફાયરિંગ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, એક જમીન વિવાદ મામલે નિવૃત્ત DySP દ્વારા આડેધડ પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના પોશ ગણાતા નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલી એક કિંમતી જમીનના વિવાદમાં ધોળેદિવસે ફાયરિંગની સનસનીખેજ ઘટના સામે આવી છે. જમીનના કબ્જા અને નાણાકીય લેણદેણના વિવાદમાં નિવૃત્ત DySP દ્વારા સામસામે ઉગ્ર બોલાચાલી બાદ 5 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને નજરે જોનાર એક મહિલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેણે તે સમયના ભયાનક દ્રશ્યો વર્ણવ્યા હતા.
શું છે સમગ્ર વિવાદ?
પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલી આ કિંમતી જમીનના મૂળ માલિક પ્રિયમ મહેતા છે. જો કે, છેલ્લા ઘણા સમયથી આ જમીન નિવૃત્ત DySP અશોક ચૌહાણના કબ્જામાં હતી. આ ખુલ્લા પ્લોટમાં ખાણીપીણી (ફૂડ કોર્ટ) અને કપડાનું બજાર તૈયાર કરવાનું આયોજન હતું. આ જગ્યા હરેશ ભારભીડીયા અને હિતેશ ભારભીડીયા નામના વ્યક્તિઓ ભાડે રાખીને ચલાવતા હતા. તેમની સાથે ભાગીદાર તરીકે અમિત, સુમિત અને મુન્નાભાઈ પણ આ કામગીરી આગળ ધપાવવા તૈયાર હતા.
4 કરોડ રૂપિયા લીધા બાદ પણ કામ અટકાવ્યાનો આક્ષેપ
આ પ્રોજેક્ટને લઈને છેલ્લા એક વર્ષથી વિવાદ ચાલી રહ્યો હતો. આક્ષેપ છે કે ચૌહાણ નામના વ્યક્તિએ 4 કરોડ રૂપિયા લીધા હોવા છતાં છેલ્લા એક વર્ષથી અહીં કામગીરી અટકાવી રાખી હતી. બીજી તરફ, છેલ્લા થોડા સમયથી ભાડું ન ચૂકવાયું હોવાને કારણે પણ વિવાદ વકર્યો હતો.
નિવૃત્ત DySP એ કર્યું પાંચ રાઉન્ડ ફાયરિંગ
મળતી વિગતો મુજબ, નહેરુનગર બસ સ્ટેન્ડ પાછળ આવેલી એક પ્રોપર્ટીના જમીન વિવાદને લઈને મામલો બિચક્યો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બન્યો કે નિવૃત્ત DySP અશ્વિન ચૌહાણે પોતાની બંદૂક કાઢીને હવામાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. ધોળા દિવસે અને જાહેર વિસ્તારમાં થયેલા આ ફાયરિંગના અવાજથી સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ મોટી રાહતનો શ્વાસ લીધો છે.
પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક સેટેલાઈટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. મામલાની ગંભીરતાને જોતાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે હાલ આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.
મીટિંગ દરમિયાન ઉગ્ર બોલાચાલી અને ફાયરિંગ
આ જમીન અને નાણાકીય વિવાદનો ઉકેલ લાવવા માટે આજે એક મહત્વની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં હરેશ ભારભીડીયા, હિતેશ ભારભીડીયા અને નિવૃત્ત DySP અશોક ચૌહાણ વચ્ચે વાતચીત ચાલી રહી હતી. પરંતુ ચર્ચા દરમિયાન મામલો બિચક્યો હતો અને બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત એટલી હદે વધી ગઈ કે ગુસ્સામાં આવીને અશોક ચૌહાણ દ્વારા પોતાની રિવોલ્વરમાંથી એક પછી એક 5 રાઉન્ડ ફાયરિંગ કરી દેવામાં આવ્યું હતું.
નજરે જોનાર મહિલાની પ્રતિક્રિયા
અહીં અચાનક જ જોરજોરથી અવાજ થવા લાગ્યો અને જોતજોતામાં ફાયરિંગ શરૂ થઈ ગયું. અવાજ સાંભળીને અમે બધા સ્તબ્ધ થઈ ગયા હતા. લોકો જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા. જમીન પર બજાર શરૂ કરવા બાબતે જ આ આખો ઝઘડો થયો હતો."
પોલીસ કાફલો ઘટનાસ્થળે
ધોળેદિવસે વચગાળાના રોડ પર થયેલા આ ફાયરિંગના પગલે સ્થાનીક પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે હાલ આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. પોશ વિસ્તારમાં બનેલી આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલો ઉભા કર્યા છે.
અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી : જપ્ત કરાયેલા ₹2.31 કરોડના દારૂનાં જથ્થા પર ફેરવાયું રોડ રોલર
સેટેલાઈટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
આ હાઈપ્રોફાઈલ ફાયરિંગની ઘટનાને પગલે સેટેલાઈટ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારી સામે કાયદાકીય પગલાં ભરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અત્યારે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને સાક્ષીઓના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુ છે. પૂર્વ પોલીસ અધિકારીએ કયા સંજોગોમાં આટલું આક્રમક પગલું ભર્યું તે અંગે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે.






