Home Gujarat Ahmedabad Ahmedabad Mayor Race Bjp Candidates Gujarat

કોણ બનશે અમદાવાદના નવા મેયર? : ભાજપની ભવ્ય જીત બાદ આ નામો છે ચર્ચામાં

અમદાવાદના મેયર કોણ બનશે
Image Credit: AI
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Apr 30, 2026, 08:17 AM IST

Ahmedabad News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં અને એમાંય મહાનગર પાલિકાઓમાં ફરી એકવાર ભાજપે તમામ જગ્યા સત્તા જાળવી રાખી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. ફરી એકવાર અમદાવાદીઓએ કમળના નિશાન પર મહોર મારીને ભાજપને જીત અપાવી છે. અમદાવાદમાં 192માંથી 160 સીટ પર ભગવો લહેરાયો હતો.

આ સાથે જ ભાજપને સતત પાંચમી વાર બહુમતી પ્રાપ્ત થઈ હતી. ભાજપ દ્વારા જીતવામાં આવેલી 9 નવી રચાયેલી સંસ્થાઓ સહિત કુલ 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મેયર અને અન્ય પદાધિકારીઓના નામ નક્કી કરવા માટે આ મુખ્યમંત્રીના નિવાસસ્થાને 6 થી 8 મે દરમિયાન ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. અમદાવાદમાં, આ ટર્મ માટે મેયરનું પદ OBC ઉમેદવાર માટે અનામત રાખવામાં આવ્યું છે, જેના કારણે સ્પર્ધા વધુ તીવ્ર બની છે.

ભાજપ હવે શહેરના આગામી મેયર કોણ હશે તેના મનોમંથનમાં લાગેલૂ છે. આ વખતે પહેલાં અઢી વર્ષની ટર્મ ઓબીસી માટે રિઝર્વ હોવાથી રાજકીય હલચલ વધુ તેજ બની છે. ખાસ કરીને પક્ષના સિનિયર નેતાના નામે આ રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. આ સંદર્ભમાં રાજકીય વર્તુળોમાં અનેક નામોની ચર્ચા તેજ બની છે અને પાર્લામેન્ટરી બોર્ડની આવનારી બેઠક આ દિશામાં ફાઈનલ નિર્ણય લેવામાં આવશે. જોકે, આ વખતે મેયર પદ માટે નું નામ નક્કી કરવું એ સંગઠન માટે યોગ્ય સામાજિક સમીકરણ બેસાડવાનું પડકારરૂપ બન્યું છે. ભાજપ માટે આ માત્ર પદની પસંદગી નથી, પરંતુ આવનારા રાજકીય સમીકરણોને મજબૂત કરવાની વ્યૂહરચના પણ છે.

આ પણ વાંચોઃ ફરી 3 દિવસ માટે મળશે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક : નક્કી થશે પંચાયતના હોદ્દેદારોથી લઇને મેયરોના નામ

કોણ-કોણ છે અમદાવાદના મેયર પદની રેસમાં?

1) હિતેશ બારોટ

ભાજપ હાઈકમાન્ડ સાથે સીધો સંપર્ક ધરાવતા પક્ષના જૂના આગેવાન એવા અમદાવાદના થલતેજ વોર્ડમાંથી ચૂંટાયેલા હિતેશ બારોટ આ વખતે અમદાવાદના મેયર પદની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. હિતેશ બારોટ અગાઉ AMCમાં સૌથી મહત્ત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહી ચુક્યા છે. એટલું જ નહીં તેઓ સંગઠનમાં મજબૂત પકડ ધરાવે છે. સાથે જ તેમનો પક્ષના ઉચ્ચ નેતૃત્વ સાથેનો નજીકનો સંબંધ પણ તેમની દાવેદારીને મજબૂત બનાવે છે. ભાજપની ઉંમર મર્યાદાની નીતિ હેઠળ તેમને આ વખતે વધુ તક મળવાની સંભાવનાઓ ચર્ચાઈ રહી છે.

2) ધરમશી દેસાઈ

અમદાવાદના મેયર પદની રેસમાં બીજુ નામ આવે છે બોડકદેવ વોર્ડમાંથી ધરમશી દેસાઈનું. ધરમશી દેસાઈ નામ પણ પણ સૌથી વધુ ચર્ચામાં છે. જોકે તેમના મામલે આંતરિક સમીકરણો અને અગાઉના પદોને ધ્યાનમાં લઈને અંતિમ નિર્ણય શું રહેશે તે અંગે અનિશ્ચિતતા યથાવત છે. આ પહેલાંની ટર્મમાં તેઓ AMTSના ચેરમેન તરીકેની જવાબદારી સંભાળી ચુક્યા છે. અમદાવાદના નિકોલમાં યોજાયેલાં પીએમ મોદીના રોડ શોમાં પણ ખડેપગે રહીને તેમણે મહત્ત્વની જવાબદારી નીભાવી હતી. ઓબીસી ફેક્ટરને કારણે તેમને તક મળવાની સંભાવના પ્રબળ છે.

3) જશુ ઠાકોર

અમદાવાદના શાહીબાગમાંથી આવતા જશુ ઠાકોર પણ મેયર પદની રેસમાં છે. અગાઉ ઠાકોર સમાજમાંથી કાનાજી ઠાકોરને અમદાવાદના મેયર તરીકેનું સન્માન મળી ચુક્યું છે. ત્યાર બાદ કાનાજીને ભાજપ દ્વારા પ્રદેશમાં ઉપાધ્યક્ષનું પદ આપવામાં આવ્યું હતું. આ વખતે ઠાકોર સમાજને ખુશ કરવા માટે જશુ ઠાકોરને મેયરનું પદ આપી શકે છે ભાજપ.

આ પણ વાંચોઃ "આદિવાસી વિસ્તારમાં 'ઉધઈ'ની જેમ પેસી ગઈ છે 'AAP', : જો નહીં અટકે તો આખી પટ્ટી કોતરી ખાશે!" મનસુખ વસાવાના નિવેદન બાદ હડકંપ

ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ થશે નક્કી

ઘાટલોડિયા વોર્ડના પ્રવીણ પટેલ અને પાલડીના કાઉન્સિલર જૈનિક વકીલ બંને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદની રેસમાં ચર્ચાના કેન્દ્રમાં છે. જોકે, ભાજપની પરંપરા પ્રમાણે અંતિમ ક્ષણે કોઈ નવા અથવા અણધાર્યા ચહેરાને આગળ લાવવાની સંભાવના પણ નકારી શકાય તેવી નથી. ભાજપ હજુ પણ કોઈ 'સરપ્રાઈઝ' નામ લાવે તેવી શક્યતા નકારી શકાય નહીં. શહેર ભાજપ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પક્ષના નેતા અને ચીફ વ્હિપ માટે સંભવિત નામોની યાદી સુપરત કરશે. પાર્લામેન્ટરી બોર્ડ અંતિમ નિર્ણય લેશે અને આવતા અઠવાડિયાની શરૂઆતમાં સામાન્ય સભાની બેઠકમાં નામોની જાહેરાત કરવામાં આવશે.

જ્ઞાતિના સમીકરણો પર અપાશે ધ્યાન

ભાજપના સૂત્રોનું કહેવું છેકે, જો પશ્ચિમ વિસ્તારમાંથી મેયરની પસંદગી કરવામાં આવશે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું પદ પૂર્વ વિસ્તારના કાઉન્સિલરને મળવાની શક્યતા છે. મેયરનું પદ આ વખતે OBC માટે અનામત હોવાથી, સ્ટેન્ડિંગ કમિટીનું પદ પાટીદાર ઉમેદવારને ફાળવવામાં આવે તેવી અપેક્ષા છે.

આ પણ વાંચોઃ PM મોદી જેમના વખાણ કરે છે તે 'ઘોરાડ' પક્ષીની સુરક્ષામાં મોટી ભૂલ : જેસલમેરથી ગુજરાત સુધી તંત્રમાં મચ્યો ફફડાટ

કોંગ્રેસમાં પણ વિપક્ષના નેતાની પદ માટે રેસ

આ ચૂંટણીમાં કોંગ્રેસે 32 બેઠકો જીતીને સત્તાવાર વિરોધ પક્ષનો દરજ્જો મેળવ્યો છે. હવે કોંગ્રેસમાં વિરોધ પક્ષના નેતા માટે પણ આંતરિક સ્પર્ધા જોવા મળી રહી છે. શહઝાદખાન પઠાણ અને નીરવ બક્ષી વચ્ચે આ પદ માટે જોરદાર દાવેદારી જોવા મળી રહી છે. બંને યુવા નેતાઓ મોટા મતફેરથી જીત્યા હોવાથી પાર્ટી માટે તેમની પસંદગી વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બની શકે છે.

હવે સમગ્ર નજર પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પર છે, જ્યાંથી અમદાવાદના આગામી મેયર સહિતના તમામ મહત્વના હોદ્દેદારોના નામોને અંતિમ સ્વરૂપ મળશે. આ નિર્ણય માત્ર રાજકીય નહીં પરંતુ શહેરના વહીવટી અને વિકાસકાર્ય માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે. અંતિમ નિર્ણય સુધી ચર્ચાઓ અને અટકળો ચાલુ રહેવાની સંભાવના છે, પરંતુ ભાજપ માટે આ પસંદગી સંગઠનાત્મક એકતા અને ભવિષ્યની રાજકીય દિશા બંને માટે નિર્ધારક બની રહેશે. આમ, આ રીતે ચૂંટણીના પરિણામો આવ્યાં બાદ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ભારે ચર્ચામાં રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now