Narmada Election: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ રાજ્યના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. વર્ષોથી ભાજપનો ગઢ ગણાતા આ આદિવાસી બહુમતી ધરાવતા જિલ્લામાં આ વખતે "ઝાડુ" ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. રાજપીપલા નગરપાલિકા અને નાંદોદ-તિલકવાડા તાલુકા પંચાયતને બાદ કરતાં બાકીના તમામ વિસ્તારોમાં આમ આદમી પાર્ટી (AAP) એ ભવ્ય જીત મેળવીને ભાજપના એકહથ્થુ શાસનને મોટો પડકાર ફેંક્યો છે. આ પરિણામો માત્ર બે પક્ષો વચ્ચેની હાર-જીત નથી, પરંતુ નર્મદા જિલ્લાની જનતાએ પરંપરાગત રાજકારણ છોડીને નવા વિકલ્પ પર મૂકેલો વિશ્વાસ દર્શાવે છે.
જિલ્લામાં ખાસ કરીને ડેડીયાપાડા અને સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારોમાં આપનો દબદબો સ્પષ્ટપણે જોવા મળ્યો છે. ભાજપ માટે આ પરિણામો આત્મમંથનનો વિષય બન્યા છે, કારણ કે સંગઠનની મહેનત અને મજબૂત નેતાગીરી હોવા છતાં અનેક તાલુકાઓમાં પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. બીજી તરફ, ચૈતર વસાવાના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ પોતાનો મજબૂત ગઢ સ્થાપિત કરી દીધો છે.
ભાજપ માટે માત્ર ત્રણ વિસ્તારોમાં 'રાહત', બાકીના ગઢ ધરાશાયી
નર્મદા જિલ્લાના ચૂંટણી પરિણામોમાં ભાજપ માટે આંશિક રાહતના સમાચાર રાજપીપલા નગરપાલિકામાંથી આવ્યા છે, જ્યાં પક્ષે એકતરફી જીત મેળવીને પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. આ ઉપરાંત તિલકવાડા અને નાંદોદ તાલુકા પંચાયતમાં પણ ભાજપ પોતાની સત્તા બચાવવામાં સફળ રહ્યું છે. જોકે, આ ત્રણ વિસ્તારો સિવાય ડેડીયાપાડા, ચીકદા, સાગબારા અને ગરુડેશ્વર જેવા મહત્વના તાલુકાઓમાં ભાજપના સૂપડા સાફ થઈ ગયા છે. સાંસદ મનસુખ વસાવાએ આ હાર અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, પક્ષ વિરુદ્ધ થયેલા અપપ્રચારને કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને સંગઠન હવે આ પરાજયનું ઊંડું મંથન કરશે.
ચૈતર વસાવાનો જાદુ: આમ આદમી પાર્ટી બની જિલ્લાની મુખ્ય શક્તિ
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એક પ્રબળ રાજકીય શક્તિ તરીકે ઉભરી આવી છે. હવે જિલ્લામાં મુખ્ય ટક્કર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે નહીં, પણ ભાજપ અને 'આપ' વચ્ચે જોવા મળી રહી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ આ જીતને જનતાનો વિજય ગણાવતા કહ્યું કે,"જે પ્રકારે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને ચાર જેટલી તાલુકા પંચાયતમાં જનતાએ અમને સંપૂર્ણ બહુમતી આપી છે ત્યારે જનતાનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ કાયમ ટકી રહે એ પ્રકારની સેવાની કામગીરી અમે કરીશું. એક બાજુ ઘમંડ, એમનો પૈસો, એમની સત્તાનો નશો હતો અને એક બાજુ અમે ઈમાનદારીથી આ ચૂંટણી લડ્યા અને જનતાએ અમારા પર ભરોસો કર્યો છે. એક બાજુ સોના સાત, સોના વિકાસની વાતો થતી હતી પણ જનતાએ જોયું કે સોના સાત કરવામાં આવે છે પણ વિકાસ એ ભાજપના નેતાઓનો પોતાનો જ થાય છે જેની સામે આ મતદાન થયું છે અને એમાં અમને જે અમારા પર ભરોસો મૂક્યો છે ત્યારે આવનારા દિવસોમાં અમે હરહંમેશ જનતાની વચ્ચે રહીશું, જનતાના તમામ પ્રકારના કામો હશે કે સુખ દુઃખમાં અમે તત્પર રહીને એમની સેવા કરીશું."
આંતરિક વિખવાદ અને ટિકિટ વિતરણ ભાજપને ભારે પડ્યું?
ભાજપની હાર પાછળ અનેક સ્થાનિક પરિબળો જવાબદાર હોવાનું મનાય રહ્યું છે. ટિકિટ વિતરણમાં થયેલી ખેંચતાણ, સ્થાનિક નેતાઓની નારાજગી અને કાર્યકરો સાથેના સંપર્કમાં આવેલી કમી પક્ષને ભારે પડી હોય તેવું વિશ્લેષકો માની રહ્યા છે. જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે આ હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે અને વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે. તેમણે સ્વીકાર્યું કે અમુક વિસ્તારોમાં અપેક્ષા મુજબના પરિણામો ન આવવા તે પક્ષ માટે ચિંતાનો વિષય છે.
બદલાતું રાજકીય સ્વરૂપ: જનતાએ પરંપરાગત સમીકરણો તોડ્યા
નર્મદા જિલ્લો જે રીતે આદિવાસી સંસ્કૃતિ અને જળ-જમીન-જંગલના મુદ્દાઓ સાથે જોડાયેલો છે, ત્યાં લોકો હવે જાગૃત બન્યા છે. પરંપરાગત રાજકીય પક્ષો પ્રત્યેનો અસંતોષ વોટિંગ મશીન પર સ્પષ્ટ દેખાયો છે. આ ચૂંટણી પછી સ્પષ્ટ થઈ ગયું છે કે લોકો હવે સ્થાનિક મુદ્દાઓ અને વિશ્વાસપાત્ર નેતૃત્વને પ્રાધાન્ય આપી રહ્યા છે. આગામી સમયમાં ભાજપ માટે પોતાનું ગુમાવેલું વર્ચસ્વ પાછું મેળવવું એ એક મોટો પડકાર બની રહેશે, જ્યારે આપ માટે આ ગઢને જાળવી રાખવો એ પ્રાથમિકતા રહેશે.





