Leopard : અમદાવાદ શહેર અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાની હલચલના અહેવાલો સામે આવતા સ્થાનિક રહીશોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રહેણાંક વિસ્તારો, સીમ વિસ્તાર અને કેટલીક સોસાયટીઓની આસપાસ વન્યજીવોની અવરજવર નોંધાતા માનવ અને વન્યજીવ વચ્ચે ઘર્ષણની સંભાવના પણ વધી રહી છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ વન વિભાગે નાગરિકો માટે વિસ્તૃત માર્ગદર્શિકા જાહેર કરી છે અને ગભરાવાના બદલે સાવચેતી રાખવા તેમજ કોઈપણ ઘટનાની તાત્કાલિક જાણ કરવા અપીલ કરી છે. વન વિભાગના જણાવ્યા અનુસાર દીપડો સ્વભાવથી અત્યંત સતર્ક અને સંકોચી પ્રાણી છે. સામાન્ય રીતે તે માનવીથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ ખોરાક, પાણી અથવા સલામત આશ્રયની શોધમાં ક્યારેક માનવ વસાહતો સુધી પહોંચી જાય છે. આવી સ્થિતિમાં લોકોની સાવચેતી અને યોગ્ય વર્તન જ અકસ્માતો ટાળવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.
આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખો, પાલતુ પ્રાણીઓ સુરક્ષિત રાખો
વન વિભાગે સૌપ્રથમ રહેણાંક વિસ્તાર અને સોસાયટીની આસપાસ ઉગી નીકળેલા બિનજરૂરી ઝાડી-ઝાંખરા અને કુદરતી વનસ્પતિ દૂર કરવાની સલાહ આપી છે. આવા વિસ્તારોમાં દીપડો સરળતાથી સંતાઈ શકે છે. વિસ્તાર ખુલ્લો અને સ્વચ્છ રહેશે તો વન્યજીવોને છુપાવા માટે અનુકૂળ સ્થળ નહીં મળે. આ ઉપરાંત મરઘાં, બકરાં, કૂતરાં જેવા પાલતુ પ્રાણીઓને ખુલ્લામાં ન રાખવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને રાત્રિના સમયે તેમને મજબૂત અને સુરક્ષિત જગ્યાએ રાખવા જોઈએ જેથી તેઓ દીપડા જેવા શિકારી પ્રાણીઓનું સરળ નિશાન ન બને.
આ પણ ખાસ વાંચો : લો બોલો! જેને લોકો દીપડાનું બચ્ચું સમજતા હતા એ તો બિલાડી નીકળી : વાયરલ વીડિયો અંગે વન વિભાગે કરી મોટી સ્પષ્ટતા
ખોરાકનો કચરો ખુલ્લામાં ન ફેંકો
ઘરમાં વધેલો માંસાહારી ખોરાક, હાડકાં અથવા અન્ય ખાદ્ય કચરો ઘરની બહાર કે ખુલ્લા વિસ્તારમાં ન ફેંકવા વન વિભાગે ખાસ ભાર મૂક્યો છે. આવા ખોરાકની ગંધથી વન્યજીવો રહેણાંક વિસ્તારો તરફ આકર્ષાય છે. કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવાથી વન્યજીવોને વસાહત તરફ આવવાનું એક મોટું કારણ ઘટાડી શકાય છે.
રાત્રે અજવાળું રાખો, ખુલ્લામાં સૂવાનું ટાળો
વન વિભાગે ઘરની આસપાસ અને સોસાયટીમાં પૂરતું પ્રકાશ રાખવાની સલાહ આપી છે. રાત્રિના સમયે ઓસરી, ફળિયા અથવા ખુલ્લા મેદાનમાં સૂવાને બદલે ઘરની અંદર જ આરામ કરવો જોઈએ. ખાસ કરીને ખેતર, વાડી અથવા સીમ વિસ્તારમાં રહેતા લોકોએ સાંજ પછી ખુલ્લામાં ન્હાવું, કપડાં ધોવા અથવા વાસણ સાફ કરવા જેવી પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ.
વહેલી સવારે અને મોડી સાંજે વિશેષ સાવચેતી રાખો
દીપડો સામાન્ય રીતે વહેલી સવારે, મોડી સાંજે અને અંધકાર દરમિયાન વધુ સક્રિય રહે છે. તેથી આ સમયગાળા દરમિયાન ખુલ્લા વિસ્તારમાં એકલા ફરવાનું અથવા બેસવાનું ટાળવું જોઈએ. જરૂરી ન હોય તો અંધારામાં બહાર ન નીકળવું અને ઝાડીવાળા વિસ્તારોમાં જવાનું પણ ટાળવું જોઈએ.
આ પણ ખાસ વાંચો : "દીપડાના ફેક વીડિયો પર વિશ્વાસ ન કરો, તપાસ ચાલુ છે" : સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓથી દૂર રહેવાની વન વિભાગની અપીલ
બાળકો પર સતત નજર રાખો
વન વિભાગે બાળકોની સુરક્ષાને સૌથી મહત્વપૂર્ણ ગણાવી છે. રાત્રે, વહેલી સવારે અથવા મોડી સાંજે બાળકોને એકલા બહાર રમવા ન દેવા જોઈએ. તેઓ બહાર હોય ત્યારે વડીલોની દેખરેખ હોવી જરૂરી છે. બાળકોને પણ વન્યજીવો અંગે જાગૃત કરવું અને અંધારા અથવા ઝાડીવાળા વિસ્તારોમાં ન જવાની સમજ આપવી જોઈએ.
એકલા નહીં, સમૂહમાં અવરજવર કરો
જો રાત્રિના સમયે ખેતર, સીમ વિસ્તાર અથવા નિર્જન રસ્તા પરથી પસાર થવું જરૂરી હોય તો એકલા જવાને બદલે બે કે ત્રણ વ્યક્તિઓ સાથે જવું વધુ સુરક્ષિત માનવામાં આવે છે. બહાર નીકળતી વખતે ટોર્ચ અને મજબૂત લાકડી સાથે રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. જો કોઈ કારણસર એકલા જવું પડે તો અવાજ કરતા ચાલવું જોઈએ જેથી વન્યપ્રાણીઓને માનવીની હાજરીનો અગાઉથી ખ્યાલ આવી જાય અને તેઓ દૂર ચાલી જાય.
દીપડો સામે આવી જાય તો શું કરવું?
વન વિભાગે સ્પષ્ટ સૂચના આપી છે કે જો અચાનક દીપડો કે અન્ય કોઈ વન્યપ્રાણી નજરે પડે તો ગભરાવું નહીં અને દોડવાનો પ્રયાસ પણ ન કરવો. દોડવાથી વન્યપ્રાણી પ્રતિક્રિયાસ્વરૂપ પીછો કરી શકે છે. આવી સ્થિતિમાં શાંતિ જાળવી ધીમે ધીમે સુરક્ષિત અંતર જાળવવું, પરિવારજનોને સલામત સ્થળે પહોંચાડવા અને તાત્કાલિક વન વિભાગને જાણ કરવી જોઈએ. કોઈપણ પ્રકારની ચીસાચીસ અથવા પથ્થરમારો જેવી હરકતો ટાળવી જોઈએ.
આ પણ ખાસ વાંચો : અમદાવાદમાં દીપડાની એન્ટ્રીથી ફફડાટ વચ્ચે મોટો ખુલાસો! : ગુજરાતના આ 6 જિલ્લામાં આ જંગલના જીવની કાયમી વસતિ જ નથી, જાણો ક્યાં છે સૌથી વધુ દીપડા
મદદ માટે ક્યાં સંપર્ક કરશો?
વન્યપ્રાણી દેખાય, કોઈ મુશ્કેલી ઊભી થાય અથવા દીપડાની હાજરી અંગે માહિતી મળે તો તરત જ અમદાવાદ વન વિભાગની હેલ્પલાઇન 1926 અથવા મોબાઇલ નંબર 7600009845 પર સંપર્ક કરવા સૂચના આપવામાં આવી છે. સમયસર જાણ કરવાથી વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી શકે છે.
સાવધાની જ સૌથી મોટી સુરક્ષા
વન વિભાગે નાગરિકોને યાદ અપાવ્યું છે કે દીપડો સહિતના તમામ વન્યજીવો કુદરતી પર્યાવરણનો મહત્વનો ભાગ છે. તેઓ સામાન્ય રીતે માનવ પર હુમલો કરવા માટે નહીં પરંતુ ખોરાક અને પાણીની શોધમાં વસાહતોની નજીક પહોંચતા હોય છે. તેથી વન્યજીવો પ્રત્યે હિંસક વલણ અપનાવવાને બદલે સાવચેતી, જાગૃતિ અને વન વિભાગની સૂચનાઓનું પાલન કરવું સૌથી જરૂરી છે. વન વિભાગનું સૂત્ર છે – "વન્યજીવનું રક્ષણ કરીએ, સાવધાની એ જ સલામતી." નાગરિકો જવાબદારીપૂર્વક વર્તે અને સમયસર માહિતી આપે તો માનવ-વન્યજીવ ઘર્ષણની ઘટનાઓને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.






