NEET પેપર લીક મુદ્દે દેશભરમાં ચાલી રહેલા રાજકીય વિરોધ વચ્ચે અમદાવાદમાં મંગળવારે કોંગ્રેસે આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. વડાપ્રધાનના નિવાસસ્થાન બહાર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા દિલ્હીમાં કરવામાં આવેલા ધરણા બાદ ગુજરાત કોંગ્રેસે પણ અમદાવાદ સ્થિત રાજીવ ગાંધી ભવનથી વિરોધ રેલીનું આયોજન કર્યું હતું. સવારે આશરે 10 વાગ્યે શરૂ થયેલી આ રેલી દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
રાજીવ ગાંધી ભવનથી નીકળેલી રેલી થોડે અંતરે ચાર રસ્તા પાસે પહોંચતા જ પોલીસે આગળ વધતા કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન સ્થિતિ તંગ બની હતી અને કેટલાક કોંગ્રેસ કાર્યકરો પોલીસના વાહન પર ચઢી ગયા હતા. કાર્યકરોને નીચે ઉતારવા માટે પોલીસકર્મીઓને પણ વાહન પર ચઢવું પડ્યું હતું. ઘટનાસ્થળે ધક્કામુક્કી અને હોબાળો સર્જાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
અમિત ચાવડા, ઈમરાન ખેડાવાલા સહિત અનેક નેતાઓની અટકાયત
પોલીસે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિત અન્ય આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી. નેતાઓની અટકાયત દરમિયાન કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસને તેમને કાબૂમાં લેવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
મળતી માહિતી મુજબ, ત્રણ બસ ભરીને કોંગ્રેસના કાર્યકરોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. મહિલા કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ તમામને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અલગ-અલગ સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: જૂનાગઢ કોર્ટનો કિરીટ પટેલ કેસમાં ચુકાદો : જિલ્લા ભાજપ પ્રમુખ દોષિત ઠર્યા, 1 વર્ષની જેલ અને દંડ
ભાજપ પણ મેદાનમાં, રાજીવ ગાંધી ભવન બહાર બપોરે વિરોધ કાર્યક્રમ
દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન બહાર કોંગ્રેસ દ્વારા કરાયેલા પ્રદર્શનના વિરોધમાં ગુજરાત ભાજપે પણ અમદાવાદમાં કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે વિરોધ પ્રદર્શન જાહેર કર્યું છે. ભાજપ દ્વારા બપોરે 2 વાગ્યે ધરણાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશના પદાધિકારીઓ, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહેવાના હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. બંને પક્ષોના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.
આ પણ વાંચો: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટનો સરપ્રાઈઝ ચેક : ગેરહાજર ડોક્ટર ટર્મિનેટ; 4 તબીબોને શો-કોઝ નોટિસ
રાજીવ ગાંધી ભવન આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા
કોંગ્રેસ અને ભાજપના વિરોધ કાર્યક્રમોને કારણે અમદાવાદના પાલડી વિસ્તાર સ્થિત રાજીવ ગાંધી ભવન આસપાસ પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચી સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સંભવિત અથડામણ ટાળવા માટે કોંગ્રેસ ભવન આસપાસ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને વધારાનો પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે.
ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે જેથી સામાન્ય નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. હાલ વિસ્તારમાં સ્થિતિ નિયંત્રણમાં હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
NEET પેપર લીક મુદ્દે દેશભરમાં રાજકીય ઘમાસાણ
NEET પરીક્ષામાં ગેરરીતિ અને પેપર લીકના આક્ષેપોને લઈને છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં રાજકીય ચર્ચા તેજ બની છે. કોંગ્રેસ કેન્દ્ર સરકાર પર પરીક્ષા વ્યવસ્થામાં નિષ્ફળતા અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાનો આરોપ મૂકી રહી છે. બીજી તરફ કેન્દ્ર સરકાર અને સંબંધિત એજન્સીઓ પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ હોવાનો દાવો કરી રહી છે તથા તપાસ એજન્સીઓ દ્વારા વિવિધ રાજ્યોમાં કાર્યવાહી ચાલુ હોવાનું જણાવાયું છે.
અમદાવાદમાં થયેલા વિરોધ પ્રદર્શનને પણ આ જ રાષ્ટ્રીય અભિયાનનો એક ભાગ માનવામાં આવી રહ્યું છે. જોકે, કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા એક જ સ્થળને કેન્દ્ર બનાવી વિરોધ કાર્યક્રમ યોજાતા શહેરમાં રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે.





