જૂનાગઢ: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા તબીબો અને કર્મચારીઓ સામે હોસ્પિટલ તંત્રે કડક કાર્યવાહી શરૂ કરી છે. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા વિવિધ વિભાગો અને વોર્ડમાં અચાનક સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવતા તબીબી સ્ટાફમાં ફફડાટ ફેલાયો હતો. તપાસ દરમિયાન એક ડોક્ટર ફરજ પર ગેરહાજર મળી આવતા તેમને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ચાર તબીબોને શો-કોઝ નોટિસ ફટકારવામાં આવી છે.
લાંબા સમયથી મળી રહી હતી ફરિયાદો
છેલ્લા કેટલાક સમયથી દર્દીઓ અને તેમના પરિવારજનો તરફથી ફરિયાદો મળી રહી હતી કે કેટલાક ડોક્ટરો સમયસર ફરજ પર હાજર રહેતા નથી, જેના કારણે દર્દીઓને સારવાર માટે લાંબી રાહ જોવી પડે છે. આ ફરિયાદોને ગંભીરતાથી લઈ સુપ્રિટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે ખુદ હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી.
ચામડી વિભાગના ડોક્ટર ટર્મિનેટ
ચેકિંગ દરમિયાન ડર્મેટોલોજી વિભાગના ડૉ. હેમેન્દ્ર સોલંકી ફરજ પર ગેરહાજર હોવાનું સામે આવ્યું હતું. હોસ્પિટલ તંત્રે આને ગંભીર બેદરકારી ગણાવી તેમની સામે કડક કાર્યવાહી કરતાં તેમને ત્વરિત અસરથી ફરજમુક્ત (ટર્મિનેટ) કરી દીધા છે.
ચાર તબીબોને શો-કોઝ નોટિસ
આ તપાસ દરમિયાન અન્ય ચાર તબીબો પણ ડ્યુટી દરમિયાન ગેરશિસ્ત અને અનિયમિતતા દાખવતા હોવાનું જણાતા હોસ્પિટલ તંત્રે તેમને શો-કોઝ નોટિસ પાઠવી છે. નોટિસમાં તેમની ગેરહાજરી અને બેદરકારી અંગે લેખિતમાં સંતોષકારક ખુલાસો આપવા જણાવાયું છે. હોસ્પિટલ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે જો સંબંધિત તબીબો તરફથી યોગ્ય જવાબ નહીં મળે તો તેમની સામે વધુ કડક વિભાગીય કાર્યવાહી કરવામાં આવશે.
હોસ્પિટલ સ્ટાફમાં ફફડાટ
સુપ્રિટેન્ડન્ટના આકસ્મિક ચેકિંગ અને તાત્કાલિક કાર્યવાહી બાદ હોસ્પિટલના અન્ય તબીબો અને કર્મચારીઓમાં પણ શિસ્ત જાળવવા અંગે ગંભીરતા જોવા મળી રહી છે. તંત્રના આ પગલાને હોસ્પિટલમાં જવાબદારી અને સમયપાલન સુનિશ્ચિત કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
આગળ પણ ચાલુ રહેશે સરપ્રાઈઝ ચેકિંગ
હોસ્પિટલ તંત્રે સંકેત આપ્યા છે કે દર્દીઓને ગુણવત્તાયુક્ત અને સમયસર આરોગ્ય સેવા મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ આવી સરપ્રાઈઝ વિઝિટ્સ ચાલુ રાખવામાં આવશે. હોસ્પિટલમાં ગેરશિસ્ત અથવા બેદરકારી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.






