પાટણ જિલ્લામાં સાયબર ગુનાખોરી સામે ચાલી રહેલા 'ઓપરેશન મ્યૂલ હંટ 2.0' હેઠળ ચાણસ્મા પોલીસે મોટી કાર્યવાહી કરીને ₹7.16 કરોડના સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહારોનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બેંક ખાતા ભાડે આપીને સાયબર ઠગોને મદદ કરવાના આરોપસર કુલ 33 વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આઈટી એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસમાં અત્યાર સુધી 20 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે બાકીના 13 આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ટીમો કામગીરી કરી રહી છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ 20થી 25 હજાર રૂપિયાના કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતા સાયબર ગુનેગારોને ઉપયોગ માટે આપતા હતા. ત્યારબાદ આ ખાતાઓનો ઉપયોગ દેશભરમાં થયેલા સાયબર ફ્રોડના નાણાંની હેરફેર માટે કરવામાં આવતો હતો.
આ પણ વાંચો: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટનો સરપ્રાઈઝ ચેક : ગેરહાજર ડોક્ટર ટર્મિનેટ; 4 તબીબોને શો-કોઝ નોટિસ
35 ફરિયાદોની તપાસમાં સામે આવ્યો મોટો નેટવર્ક
ડીવાયએસપી પરેશ રેણુકાએ જણાવ્યું હતું કે રાજ્યમાં વધી રહેલા સાયબર ફ્રોડના બનાવોને અટકાવવા અને સંગઠિત સાયબર ગુનાખોરીના નેટવર્કને તોડવા માટે ગુજરાત સરકાર દ્વારા 'ઓપરેશન મ્યૂલ હંટ 2.0' શરૂ કરવામાં આવ્યું છે. બનાસકાંઠા રેન્જના આઈજી પરિક્ષિતા રાઠોડ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ અને સમન્વય પોર્ટલ પર નોંધાયેલી 35 ફરિયાદોનું વિશ્લેષણ કરતાં કુલ 27 બેંક એકાઉન્ટ ધારકો સુધી તપાસ પહોંચી હતી. વિગતવાર તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગના એકાઉન્ટ ધારકો ચાણસ્મા તાલુકાના ઇટોડા ગામના હતા, જ્યારે અન્ય કેટલાક આસપાસના ગામોના રહેવાસી હતા.
બેંક ખાતાઓ મારફતે ₹7.16 કરોડનું ટ્રાન્ઝેક્શન
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ બેંક ખાતાઓ મારફતે કુલ ₹7.16 કરોડના સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા. આ ખાતાઓ 'મ્યૂલ એકાઉન્ટ' તરીકે ઉપયોગમાં લેવામાં આવતા હતા, જેના મારફતે છેતરપિંડીથી મેળવવામાં આવેલી રકમ અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતી હતી.
તપાસમાં જે લોકોએ પોતાના બેંક ખાતા ભાડે આપ્યા હતા અને જેમણે ખાતા ઉપલબ્ધ કરાવવામાં મદદ કરી હતી, તેવા કુલ 33 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ 20 આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે બાકીના 13 આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો દરોડા પાડી રહી છે.
આ પણ વાંચો: જૂનાગઢ કોર્ટનો કિરીટ પટેલ કેસમાં ચુકાદો : જિલ્લા ભાજપ પ્રમુખ દોષિત ઠર્યા, 1 વર્ષની જેલ અને દંડ
કમિશનની લાલચમાં બેંક ખાતા ન આપવાની પોલીસની અપીલ
ડીવાયએસપી પરેશ રેણુકાએ લોકોને અપીલ કરતાં જણાવ્યું કે થોડા પૈસાની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ અન્ય વ્યક્તિને ભાડે આપવું ગંભીર ગુનામાં સંડોવણી સમાન છે. સાયબર ગુનેગારો આવા ખાતાઓનો ઉપયોગ છેતરપિંડીના નાણાંની હેરફેર માટે કરતા હોય છે, જેના કારણે ખાતાધારકો સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.
પોલીસે લોકોને પોતાના બેંક ખાતા, એટીએમ કાર્ડ, ચેકબુક, મોબાઇલ બેંકિંગ અથવા અન્ય નાણાકીય માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિને ન આપવાની અપીલ કરી છે. સાથે જ શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોર્ટલ અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અનુરોધ કર્યો છે.






