અમદાવાદમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના DIG અને વરિષ્ઠ IPS અધિકારી પી. એલ. માલ સાથે ફ્લેટના સોદામાં ₹61 લાખની કથિત છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. આ અંગે પી. એલ. માલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ અનુસાર, ચાંદખેડા વિસ્તારમાં આવેલા એક ફ્લેટના વેચાણના સોદા અંતર્ગત પી. એલ. માલે કુલ ₹61 લાખની રકમ ચૂકવી હતી. જોકે, રકમ ચૂકવ્યા બાદ પણ ફ્લેટના વેચાણના દસ્તાવેજ તેમના નામે કરી આપવામાં આવ્યા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
દંપતી સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો
પોલીસે ફરિયાદના આધારે અમિત જાની અને તેમની પત્ની સામે છેતરપિંડી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં પોલીસ ફ્લેટના સોદા સંબંધિત દસ્તાવેજો, નાણાકીય વ્યવહારો અને બંને પક્ષો વચ્ચે થયેલા કરારની વિગતો ચકાસી રહી છે.
આ પણ વાંચો: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટનો સરપ્રાઈઝ ચેક : ગેરહાજર ડોક્ટર ટર્મિનેટ; 4 તબીબોને શો-કોઝ નોટિસ
તપાસ અધિકારીઓ દ્વારા આરોપીઓની ભૂમિકા, સોદાની વાસ્તવિક સ્થિતિ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.
પોલીસ તપાસ ચાલુ
ચાંદખેડા પોલીસે જણાવ્યું છે કે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ફ્લેટ સોદાની વિગતવાર તપાસ ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ પુરાવાના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.





