દીપડા બાબતે અફવાઓ ન ફેલાવવા અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગની અપીલ
સોશિયલ મીડિયા પર ફરતા ફેક વિડિયોથી ગભરાવું નહીં, સત્યતા ચકાસો, સતર્ક રહો : નાયબ વન સંરક્ષક, અમદાવાદ
વન વિભાગની ટીમ સતર્ક અને સજ્જ છે. તથા દીપડા ની ઘનિષ્ઠ તપાસ ચાલુ છે
ઘુમામાં સીસીટીવીમાં દીપડો દેખાયા બાદ વન વિભાગની સઘન કાર્યવાહી
ચાંદખેડા રેસ્ક્યુનો વાયરલ વીડિયો ખોટો હોવાનું સ્પષ્ટીકરણ
અમદાવાદમાં દીપડાની હાજરીને લઈને સોશિયલ મીડિયામાં વિવિધ પ્રકારના વીડિયો અને સંદેશાઓ વાયરલ થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે. વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પર ફરતા કેટલાક વીડિયો અને દાવાઓ ભ્રામક છે, જે લોકોમાં બિનજરૂરી ભય ફેલાવી રહ્યા છે.
સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદી મુજબ, 20 જુલાઈ 2026ના રોજ વહેલી સવારે અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી શરણ દીપ સોસાયટીમાં એક દીપડો સીસીટીવી કેમેરામાં દેખાયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ત્યારથી સમગ્ર વિસ્તારમાં સતત સઘન તપાસ ચાલી રહી છે.

પાંજરાં ગોઠવાયા, વેટનરી અને રેસ્ક્યુ ટીમ સહિત 20થી વધુ કર્મચારીઓ તૈનાત
વન વિભાગે દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે આસપાસના વિસ્તારમાં રેકી શરૂ કરી છે. સાથે જ દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે વિવિધ સ્થળોએ પાંજરાં પણ ગોઠવવામાં આવ્યા છે. કામગીરીમાં વન વિભાગના વેટનરી ડોક્ટરો, રેસ્ક્યુ ટીમ તેમજ 20થી વધુ ફોરેસ્ટર અને વનરક્ષકો તમામ જરૂરી સાધનો સાથે સતત કામગીરી કરી રહ્યા છે.
DCF અમદાવાદ (નાયબ વન સંરક્ષક, અમદાવાદ) ની વિનંતી છે કે ખોટી અફવાઓ ન ફેલાવવા આવે, દીપડો સાંજે અને રાતના સમયે નીકળતો હોય અને શરમાળ પ્રાણી હોય, તથા માનવ તેનો કુદરતી ખોરાક ન હોય, લોકો એ ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્કતા રાખવાની ચોક્કસ જરૂર છે. વન વિભાગની ટીમ સતર્ક અને સજ્જ છે. તથા દીપડાની ઘનિષ્ઠ તપાસ ચાલુ છે, એવું તેમણે ઉમેર્યું હતું. વધુમાં ગઈ રાત્રે "ચાંદખેડામાંથી દીપડો રેસ્ક્યુ કરવામાં આવેલ"નો વિડિયો વાયરલ થયો હતો, જે પણ અફવા હતી, અન્ય કોઈ રાજ્યનો ખૂબ જૂનો વિડિયો સોશિયલ મીડિયા પર ફરતો કરવામાં આવ્યો હતો. આ પ્રકારની અફવાથી બચવા, અને અફવા ન ફેલાવવા પણ લોકોને વિનંતી કરવામાં આવી છે. માત્ર સત્તાવાર માહિતી જ ધ્યાને લેવા વિનંતી છે, એવી અપીલ સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદ દ્વારા કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદના શેલામાં સતત ત્રીજા દિવસે દીપડાની હિલચાલ : પાર્ક કરેલી કાર નીચેથી બચ્ચું નીકળ્યાનો દાવો
"દીપડો શરમાળ પ્રાણી છે, ગભરાશો નહીં પરંતુ સતર્ક રહો"
વન વિભાગે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતાં જણાવ્યું છે કે દીપડો સામાન્ય રીતે સાંજ અને રાત્રિના સમયે વધુ સક્રિય રહે છે. તે સ્વભાવથી શરમાળ પ્રાણી છે અને શક્ય હોય ત્યાં સુધી માનવ વસાહતથી દૂર રહેવાનો પ્રયાસ કરે છે. વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે માનવ તેનો કુદરતી ખોરાક નથી, તેથી બિનજરૂરી ગભરાટ ફેલાવાની જરૂર નથી. જો કે, સાવચેતી રાખવી એટલી જ જરૂરી હોવાનું વિભાગે જણાવ્યું છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી સાંજે ખુલ્લા વિસ્તારોમાં જતા સમયે સાવધાની રાખવા, બાળકોને એકલા બહાર ન મોકલવા અને કોઈપણ શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.
ચાંદખેડા રેસ્ક્યુનો વાયરલ વીડિયો ફેક હોવાનું સ્પષ્ટ
વન વિભાગે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોને લઈને પણ મહત્વનું સ્પષ્ટીકરણ આપ્યું છે. ગઈ રાત્રે "ચાંદખેડામાંથી દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું" હોવાના દાવા સાથે એક વીડિયો વ્યાપક રીતે શેર કરવામાં આવ્યો હતો. પરંતુ વિભાગના જણાવ્યા મુજબ આ વીડિયો અમદાવાદનો નથી અને તે અન્ય રાજ્યનો ઘણો જૂનો વીડિયો છે, જેને ખોટા દાવા સાથે ફરીથી વાયરલ કરવામાં આવ્યો છે. વિભાગે જણાવ્યું છે કે આવા જૂના અથવા અસંબંધિત વીડિયો શેર થવાથી લોકોમાં ભય અને ગેરસમજ ઊભી થાય છે, જે બચાવ કામગીરીને પણ અસર કરી શકે છે.
માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ
અમદાવાદના સામાજિક વનીકરણ વિભાગે નાગરિકોને વિનંતી કરી છે કે કોઈપણ વીડિયો, ફોટો અથવા સંદેશ સોશિયલ મીડિયા પર શેર કરતાં પહેલાં તેની સત્યતા ચકાસે. અફવાઓને પ્રોત્સાહન ન આપે અને માત્ર વન વિભાગ અથવા સંબંધિત સરકારી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે. વિભાગે ઉમેર્યું છે કે હાલ દીપડાની શોધખોળ સતત ચાલુ છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. કોઈપણ નવી સત્તાવાર માહિતી ઉપલબ્ધ થતાં જ લોકોને જાણ કરવામાં આવશે.






