અમદાવાદના શેલા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે દીપડાની હિલચાલ નોંધાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલાં શરણદીપ સોસાયટી નજીક દીપડો દેખાયાની ઘટનાના પગલે હજુ પણ વન વિભાગનું સર્ચ ઓપરેશન ચાલુ છે. તે દરમિયાન બુધવારે વહેલી સવારે ગ્રીનફિલ્ડ સોસાયટીમાં મોર્નિંગ વોક માટે નીકળેલા કેટલાક રહીશોએ પાર્ક કરેલી એક કાર નીચેથી દીપડાનું બચ્ચું બહાર નીકળતું જોયું હોવાનો દાવો કર્યો છે. ઘટનાનો CCTV વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વીડિયોમાં એક જંગલી પ્રાણી કારની નીચેથી બહાર નીકળતું અને ઝડપથી સ્થળ છોડતું જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જોકે, વાયરલ થઈ રહેલા વીડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી કરવામાં આવી નથી. તેમ છતાં ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને કાંકરિયા ઝૂની રેસ્ક્યૂ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારનું સર્ચ ઓપરેશન વધુ સઘન બનાવ્યું છે.
આ પણ વાંચોઃ Videoમાં જંગલી જનાવર પાછળ દોડતા દેખાયા કૂતરા : દીપડાના પંજાના નિશાન મળ્યા! વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ સાથે દીપડાને પકડવા અમદાવાદના મેયર મેદાનમાં
બે દિવસથી સર્ચ ઓપરેશન છતાં હજુ સફળતા નહીં
શેલા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દીપડાની હિલચાલ નોંધાયા બાદ વન વિભાગે વિવિધ ટીમો તૈનાત કરી છે. રહેણાંક સોસાયટીઓ, ખુલ્લા પ્લોટ, ઝાડીવાળા વિસ્તારો અને આસપાસના ખેતરોમાં સતત કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત મુજબ ટ્રેપ કેમેરા અને પાંજરાં મૂકવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, જેથી દીપડાને સુરક્ષિત રીતે પકડી શકાય.
વન વિભાગના અધિકારીઓ સતત સ્થાનિકો સાથે સંપર્કમાં રહી સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જોકે અત્યાર સુધી દીપડા અથવા તેના બચ્ચાને પાંજરે પૂરવામાં સફળતા મળી નથી. જેના કારણે શેલા અને આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોમાં ચિંતા અને ભયનો માહોલ યથાવત છે.
આ પણ વાંચોઃ એક સમયે વાઘ, સિંહનો ભરોસો થાય પણ દીપડાનો ભરોસો ના થાય! : આ ખૂંખાર જંગલી જનાવર કેવી રીતે આવે છે શહેરમાં? જાણો દીપડા વિશેની અજાણી વાતો
સ્થાનિકોને સાવચેત રહેવા અપીલ
વન વિભાગે સ્થાનિક રહેવાસીઓને વહેલી સવારે અને મોડી રાત્રે એકલા બહાર ન નીકળવા, બાળકોને એકલા રમવા ન મોકલવા તેમજ કોઈ પણ શંકાસ્પદ જંગલી પ્રાણી નજરે પડે તો તેની નજીક જવાનો પ્રયાસ ન કરવા અપીલ કરી છે. તેના બદલે તાત્કાલિક વન વિભાગના નિયંત્રણ કક્ષાને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે.
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, શહેરની આસપાસ વધતા શહેરી વિસ્તરણ અને કુદરતી રહેઠાણોમાં થતા ફેરફારોને કારણે ક્યારેક દીપડા જેવા વન્યજીવો રહેણાંક વિસ્તારો તરફ આવી પહોંચતા હોય છે. આવી સ્થિતિમાં ગભરાવાને બદલે સતર્કતા રાખવી અને વન વિભાગને સહકાર આપવો સૌથી જરૂરી છે.
વન વિભાગે જણાવ્યું છે કે સર્ચ ઓપરેશન ચાલુ છે અને દીપડાની હિલચાલ અંગે મળતી દરેક માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.





