Home Gujarat Ahmedabad Ahmedabad Danilimda Behrampura Youth Murder Investigation

અમદાવાદના દાણીલીમડામાં 22 વર્ષના યુવકની કરપીણ હત્યા : NDPS સંબંધિત અદાવતની દિશામાં પોલીસ તપાસ

સંતોષ નગર
Published by: Chintan Chavda
Last Updated: Jul 22, 2026, 05:43 AM IST

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં મોડી રાત્રે હત્યાની ગંભીર ઘટના સામે આવી છે. બહેરામપુરાના ચારમાડીયા વિસ્તારમાં સંતોષનગર નજીક આવેલી ચાંદ શહીદ મસ્જિદની ગલીમાં 22 વર્ષના યુવકની ધારદાર હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી, જ્યારે જાણ થતાં જ દાણીલીમડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક માહિતી મુજબ, મૃતક પર જીવલેણ હુમલો કરવામાં આવતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

NDPS સંબંધિત અદાવતની ચર્ચા, પોલીસે તમામ પાસાં તપાસ્યા

સ્થાનિક સ્તરે ચાલી રહેલી ચર્ચા મુજબ આ હત્યા NDPS સંબંધિત ગેરકાયદેસર ધંધાની અદાવતના કારણે થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, પોલીસે હજુ સુધી હત્યાનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી અને તમામ સંભવિત પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે.

આ પણ વાંચો: "દીપડાના ફેક વીડિયો પર વિશ્વાસ ન કરો, તપાસ ચાલુ છે" : સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓથી દૂર રહેવાની વન વિભાગની અપીલ

સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક અઠવાડિયાથી આ મુદ્દે બે જૂથો વચ્ચે સતત તણાવ હતો અને ગેંગવોર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ પણ આ જ મામલે જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો, જેમાં પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. તેમ છતાં મોડી રાત્રે ફરી હિંસક અથડામણ સર્જાતા યુવક પર ધારદાર હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

એક આરોપીની ધરપકડ, અન્યની શોધખોળ

ઘટનાની જાણ થતાં જ દાણીલીમડા પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે ઘટનામાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પોલીસ નજીકના વિસ્તારોના CCTV ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે તપાસ આગળ વધારી રહી છે. હુમલામાં કેટલા લોકો સામેલ હતા, હત્યા પૂર્વ આયોજિત હતી કે નહીં અને NDPS સંબંધિત અદાવત સાથે તેનો કેટલો સંબંધ છે તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: લો બોલો! જેને લોકો દીપડાનું બચ્ચું સમજતા હતા એ તો બિલાડી નીકળી : વાયરલ વીડિયો અંગે વન વિભાગે કરી મોટી સ્પષ્ટતા

વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારાયો

ઘટના બાદ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બહેરામપુરા અને દાણીલીમડા વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે પોલીસ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરવામાં આવી છે.

પોલીસનું કહેવું છે કે તપાસના આધારે જ હત્યા પાછળનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે અને ઘટનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને કાયદાની જાળમાં લાવવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now