અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલી ગ્રીન સિટી સોસાયટીમાં કારની નીચેથી દીપડો નીકળ્યો હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો ભ્રામક હોવાનું વન વિભાગે સ્પષ્ટ કર્યું છે. વાયરલ વીડિયો બાદ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી દીપડાના નહીં પરંતુ બિલાડીના પગલાં મળી આવ્યા હતા.
વન વિભાગના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન અન્ય એક પાર્ક કરેલી કારની નીચેથી પણ બિલાડી બહાર નીકળતી જોવા મળી હતી. ઉપલબ્ધ પુરાવા અને સ્થળ તપાસના આધારે વાયરલ વીડિયોમાં દેખાતું પ્રાણી દીપડો નહીં પરંતુ બિલાડી હોવાનું સ્પષ્ટ થયું છે. તેથી સોશિયલ મીડિયામાં ચાલી રહેલા દીપડાના દાવાઓમાં કોઈ સત્ય નથી.
ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ
નાયબ વન સંરક્ષક, સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદ દ્વારા જાહેર કરાયેલા પ્રેસનોટમાં લોકોને અપીલ કરવામાં આવી છે કે દીપડા અથવા અન્ય કોઈ પણ વન્યપ્રાણી અંગે બિનચકાસેલ માહિતી સોશિયલ મીડિયામાં શેર ન કરે. આવી અફવાઓના કારણે સ્થાનિકોમાં બિનજરૂરી ભય અને ગેરસમજ ફેલાય છે.
આ પણ વાંચો: "દીપડાના ફેક વીડિયો પર વિશ્વાસ ન કરો, તપાસ ચાલુ છે" : સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓથી દૂર રહેવાની વન વિભાગની અપીલ
વન વિભાગે વધુમાં જણાવ્યું છે કે કોઈ પણ વિસ્તારમાં વન્યપ્રાણી દેખાય અથવા તેની હિલચાલ અંગે માહિતી મળે તો લોકો તરત જ વન વિભાગના હેલ્પલાઇન નંબર 76000 09845 પર સંપર્ક કરે, જેથી તાત્કાલિક સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી શકાય.
વન વિભાગે નાગરિકોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે.





