Surat Godadara Fire: સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં બુધવારે બપોરે એક મોટી આગની ઘટના સામે આવી હતી. કેપિટલ સ્ક્વેર પાછળ આવેલા મહાવીર કેમ્પસમાં પતરાના શેડ હેઠળ ચાલતા પ્લાસ્ટિક ફર્નિચરના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં દૂર-દૂર સુધી કાળાડિબાંગ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ ફાયર સ્ટેશનમાંથી એક પછી એક ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. સતત પાંચ કલાક સુધી ચાલેલી જહેમત બાદ ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર સામે આવ્યા નથી.
પ્લાસ્ટિકના ગોડાઉનમાં લાગેલી આગે લીધું વિકરાળ સ્વરૂપ
પ્રાથમિક માહિતી મુજબ ગોડાદરાના કેપિટલ સ્ક્વેર પાછળ આવેલા મહાવીર કેમ્પસના પતરાના શેડમાં પ્લાસ્ટિક ફર્નિચરનો મોટો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હતો. ગોડાઉનમાં અચાનક આગ લાગતાં પ્લાસ્ટિકનો જથ્થો ઝડપથી સળગી ઉઠ્યો હતો. પ્લાસ્ટિકના કારણે આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના કાળા ગોટેગોટા આકાશમાં છવાઈ ગયા હતા. ઘટનાસ્થળ આસપાસના લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી અને સુરક્ષાના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટનો સરપ્રાઈઝ ચેક : ગેરહાજર ડોક્ટર ટર્મિનેટ; 4 તબીબોને શો-કોઝ નોટિસ
8 ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી
આગની જાણ મળતા જ ફાયર બ્રિગેડની 10થી 12 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે આગ સતત ફેલાતી જતાં પરિસ્થિતિ ગંભીર બનતા શહેરના કુલ 8 ફાયર સ્ટેશનમાંથી ફાયર જવાનોનો વધારાનો કાફલો પણ ઘટનાસ્થળે મોકલવામાં આવ્યો હતો. ફાયર વિભાગે અનેક દિશાઓમાંથી પાણીનો સતત મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારે ધુમાડા અને આગની તીવ્ર ગરમી વચ્ચે ફાયર જવાનોએ સતત પાંચ કલાક સુધી રેસ્ક્યૂ અને ફાયર ફાઈટિંગ કામગીરી હાથ ધરી હતી.
લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા
આગની ઘટનામાં ગોડાઉનમાં રાખવામાં આવેલી પ્લાસ્ટિકની ખુરશીઓ, ટેબલ, પંખા, ઇલેક્ટ્રિક વાયરિંગ તેમજ મોટી માત્રામાં રહેલું રો-મટીરીયલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. આગની પ્રચંડ ગરમીના કારણે ગોડાઉનનો પતરાનો શેડ પણ નમી પડ્યો હતો. ઉપરાંત બાજુમાં આવેલા કાપડના ટાંકાને પણ આગ અને ગરમીના કારણે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. નુકસાનનો ચોક્કસ આંકડો હજુ સામે આવ્યો નથી, પરંતુ લાખો રૂપિયાનું નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદના દાણીલીમડામાં 22 વર્ષના યુવકની કરપીણ હત્યા : NDPS સંબંધિત અદાવતની દિશામાં પોલીસ તપાસ
સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે આગને નજીકના અન્ય ગોડાઉન અને ઈમારતો સુધી ફેલાતી અટકાવવામાં સફળતા મળી હતી. જો આગ વધુ ફેલાઈ હોત તો આસપાસના ઔદ્યોગિક વિસ્તારને પણ મોટું નુકસાન થઈ શકતું હતું. સદનસીબે ઘટનાસ્થળે હાજર તમામ લોકો સમયસર બહાર નીકળી જતા કોઈ જાનહાનિ કે ઈજાની ઘટના બની નહોતી. આથી ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગ લાગવાનું કારણ તપાસ હેઠળ
હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે ઠરી ગયા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આગ શોર્ટ સર્કિટ, ટેક્નિકલ ખામી કે અન્ય કોઈ કારણસર લાગી હતી. ફાયર વિભાગે ગોડાઉન સંચાલકોને આગ સલામતીના નિયમોનું કડક પાલન કરવા અને જ્વલનશીલ સામગ્રીનું યોગ્ય રીતે સંગ્રહ કરવાની પણ અપીલ કરી છે, જેથી આવી દુર્ઘટનાઓને ભવિષ્યમાં ટાળી શકાય.





