'ડ્રાય સ્ટેટ' બાદ હવે 'નશામુક્ત ગુજરાત'!: 34 જિલ્લા હોસ્પિટલમાં શરૂ થશે ડી-એડિક્શન સેન્ટર, રૂ. 14.90 કરોડના ખર્ચને મંજૂરી


ભારે વરસાદના પગલે વલસાડની ઔરંગા નદી બે કાંઠે વહેતાં કિનારાના પિચિંગ વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે, જ્યાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પોલીસે મોરચો સંભાળ્યો છે. બીજી તરફ, દમણગંગા નદીના પ્રવાહને ધ્યાને રાખી કિનારાના 21 ગામોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. વરસાદી પાણીના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે. નેશનલ હાઈવે 48 પર કુંડી નજીક ભારે પાણી ભરાતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. NDRFની ટીમો દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં સઘન નિરીક્ષણ શરૂ કરાયું છે અને તંત્રએ નાગરિકોને નદી-નાળા કે કોઝવે નજીક ન જવા અપીલ કરી છે.
ઉપરવાસમાંથી નવા નીરની સતત થઈ રહેલી આવકના કારણે સૂર્યપુત્રી તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તાપી નદી પર આવેલા કોઝવેની 6 મીટરની ભયજનક સપાટી સામે પાણીની સપાટી વધીને 6.62 મીટર પર પહોંચી ગઈ છે, જ્યાંથી હાલ 44 ક્યુસેક પાણીનો આઉટફ્લો થઈ રહ્યો છે. આ ગંભીર સ્થિતિને પગલે નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે. પાલિકાના ICCC સેન્ટર દ્વારા પાણી ભરાવાની સ્થિતિ પર સતત ટેકનિકલ મોનિટરિંગ રખાઈ રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સુરક્ષિત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
સુરતમાં આકાશી આફતના ભય વચ્ચે વહીવટી તંત્ર પૂરી રીતે એલર્ટ મોડ પર આવી ગયું છે. મુશ્કેલીભરી સ્થિતિને પહોંચી વળવા માટે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. શહેરમાં પાણીના નિકાલ અને પરિસ્થિતિ પર નજર રાખવા પાલિકાના ICCC સેન્ટર ખાતેથી આધુનિક ટેકનોલોજી દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે, તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ પણ પળેપળની સ્થિતિ પર નજર રાખી રહી છે. બીજી તરફ, ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે શહેરની જીવાદોરી સમાન તાપી નદીના પ્રવાહ અને નીરમાં મોટો વધારો જોવા મળ્યો છે.
સુરત શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે અને કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગ દ્વારા સુરતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતાં સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટી તંત્ર અને ફાયર વિભાગ સંપૂર્ણ સજ્જ બન્યા છે. કોઈપણ સંભવિત આપત્તિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા ઓલપાડ ખાતે NDRF અને માંગરોળ ખાતે SDRFની એક-એક ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
વલસાડના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ભારે કેર વર્તાવ્યો છે. ભાગડાવાડાની યોગેશ્વર નગર સોસાયટીમાં પાણી ભરાઈ જતાં લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે. બીજી તરફ, વાપીના ચલા વિસ્તારમાં આવેલા જગન પાર્ક સહિતની સોસાયટીઓમાં પણ પૂર જેવા પાણી ભરાઈ ગયા છે. કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જવાથી સ્થાનિક રહીશોને ભારે આર્થિક અને માનસિક મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી યથાવત રાખવામાં આવી હોવાથી વહીવટી તંત્ર અને સ્થાનિક નાગરિકોમાં ચિંતાનો માહોલ છે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી એક કલાક માટે ભારેથી અતિભારે વરસાદની ગંભીર ચેતવણી આપવામાં આવી છે. વિસ્તારમાં આકાશી આફત ત્રાટકવાની આશંકાને પગલે સવારે 10 વાગ્યા સુધી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ હેઠળ ખાસ કરીને સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાઓનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા આ પાંચેય જિલ્લાના રહીશોને સાવચેત રહેવા અને જરૂર વગર બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 173 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કપરાડામાં સૌથી વધુ 16 ઇંચ તેમજ ચીખલી અને વાંસદામાં 10-10 ઇંચ વરસાદ ખાબકતાં ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે તંત્ર દ્વારા નવસારી જિલ્લાની તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે, જેમાં ઉત્તર ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે.
નવસારી જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે સામાન્ય જનજીવન ભારે પ્રભાવિત થયું છે. બીલીમોરાની દેવસર વેંકટેશ્વર સોસાયટીમાં કમર સુધીના પાણી ભરાઈ જતાં રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. સોસાયટીઓમાં પાર્ક કરેલાં અનેક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. વિવિધ વિસ્તારોમાં વોટર લોગિંગના કારણે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેના લીધે વાહનો તેમજ ઘરવખરીના માલ-સામાનને મોટું નુકસાન પહોંચ્યું છે.
સુરતમાં સતત વરસાદના કારણે ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી જતાં નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને ગરનાળાંઓમાં પાણી ભરાઈ ગયા છે. આ સાથે ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. જેમાં સુરક્ષાના ભાગરૂપે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે ‘અતિભારે વરસાદ’નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં આગામી 27 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગામી 48 કલાક દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સુરક્ષાના ભાગરૂપે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ખેડા, આણંદ અને ભરૂચ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. આગામી દિવસોમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ સારા વરસાદની પૂરતી શક્યતા દર્શાવવામાં આવી છે.
રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં જ દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 145 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને કારણે નવસારીની કાવેરી નદી બે કાંઠે વહેતી થતાં ચીખલીનું પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં જળમગ્ન થયું છે. બીજી તરફ, વલસાડના માલવણ ગામે તળાવમાં ડૂબી જવાથી એક વૃદ્ધ માછીમારનું દુઃખદ મોત નીપજ્યું છે. દરિયામાં કરંટ અને ભારે પવનની શક્યતાને પગલે સુરક્ષા ખાતર માંગરોળ અને જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડી દેવામાં આવ્યું છે.



