ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ વધુ સક્રિય બનતા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 16 ઇંચ નોંધાયો છે. નવસારી જિલ્લાના ચીખલી અને વાંસદામાં 10-10 ઇંચ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત બન્યું છે અને અનેક માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને અસર પહોંચી છે.
રાજ્યમાં વરસાદી માહોલ સતત યથાવત રહેતા અનેક જિલ્લાઓમાં નદીઓમાં જળસ્તર વધ્યું છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં આજે પણ અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
વલસાડમાં ડૂબી જતાં વૃદ્ધ માછીમારનું મોત
ભારે વરસાદ વચ્ચે વલસાડ જિલ્લામાં એક દુર્ઘટના પણ બની છે. વલસાડના માલવણ ગામમાં એક વૃદ્ધ માછીમાર તળાવમાં ડૂબી જતા તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે વરસાદને કારણે જિલ્લામાં અનેક નદી-નાળા છલકાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.
વલસાડ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ વરસાદે ભારે અસર કરી છે. કાવેરી નદી બંને કાંઠે વહેતાં ચીખલી નજીક આવેલું પ્રખ્યાત તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ઘેરાઈ ગયું છે. સતત વરસાદને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવસારીની તમામ સરકારી તથા ખાનગી શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો: 20 આરોપી, 38 હથિયાર અને 32 કારતૂસ... : રાજકોટના વેપન કાર્ટેલમાં PCBની સૌથી મોટી કાર્યવાહી
સુરતમાં ખાડીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સુરત જિલ્લામાં પણ ભારે વરસાદને કારણે ભેદવાડ ખાડી ભયજનક સપાટીને વટાવી ગઈ હતી. જેના પરિણામે આસપાસના નીચાણવાળા વિસ્તારો, રહેણાંક સોસાયટીઓ અને અનેક ગરનાળાઓમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઉપરવાસમાં સતત વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક સતત વધી રહી છે. ડેમની સ્થિતિ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને જરૂરી જણાય તો પાણી છોડવા અંગે નિર્ણય લેવામાં આવશે.
માંગરોળ અને જાફરાબાદ બંદરે 3 નંબરનું સિગ્નલ
દરિયામાં પણ ખરાબ હવામાનની સ્થિતિને પગલે સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. અરબી સમુદ્રમાં ઉગ્ર પવન અને ઊંચા મોજાંની શક્યતાને ધ્યાનમાં રાખીને માંગરોળ અને જાફરાબાદ બંદર પર 3 નંબરનું ભય સૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા અને જે માછીમારો દરિયામાં હોય તેઓને તાત્કાલિક સુરક્ષિત બંદરો પર પરત ફરવા સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: પંચમહાલમાં દીપડાનો આતંક, 7 વર્ષના બાળક પર હુમલો : મચ્છરદાનીને કારણે બચ્યો જીવ
આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત
ભારતીય હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ આગામી સાત દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને લોકોને નદી-નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા તેમજ સ્થાનિક વહીવટીતંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.





