Home Gujarat Gujarat 34 District Hospitals De Addiction Centres Approved

'ડ્રાય સ્ટેટ' બાદ હવે 'નશામુક્ત ગુજરાત'! : 34 જિલ્લા હોસ્પિટલમાં શરૂ થશે ડી-એડિક્શન સેન્ટર, રૂ. 14.90 કરોડના ખર્ચને મંજૂરી

Drug De Addiction
Published by: Chintan Chavda
Last Updated: Jul 22, 2026, 04:39 AM IST

ગાંધીનગર: ગુજરાતમાં વ્યસનમુક્તિ અભિયાનને વધુ અસરકારક બનાવવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડની ક્ષમતા ધરાવતા ડી-એડિક્શન સેન્ટર (નશામુક્તિ કેન્દ્ર) શરૂ કરવામાં આવશે. આ યોજના માટે નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન રૂ. 14.90 કરોડના ખર્ચને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.

આ નિર્ણયના અમલ બાદ અત્યાર સુધી વિશેષ સારવાર માટે અમદાવાદ, વડોદરા, સુરત અથવા રાજકોટ જેવા મોટા શહેરોનો સહારો લેતા વ્યસનગ્રસ્ત દર્દીઓને હવે પોતાના જિલ્લામાં જ નિષ્ણાત સારવાર ઉપલબ્ધ બનશે. સરકારના આ પગલાથી સારવાર મેળવવામાં સરળતા વધશે અને દર્દીઓ તેમજ તેમના પરિવાર પરનો આર્થિક અને માનસિક બોજ પણ ઘટશે.

એક જ સ્થળે મળશે સારવારથી લઈને પુનર્વસન સુધીની તમામ સુવિધા

દરેક ડી-એડિક્શન સેન્ટરમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી વ્યસનમુક્તિની સારવાર આપવામાં આવશે. તેમાં ડિટૉક્સિફિકેશન, ડી-એડિક્શન થેરાપી, વ્યક્તિગત અને પારિવારિક કાઉન્સેલિંગ, માનસિક આરોગ્ય સેવાઓ તેમજ પુનર્વસન જેવી સર્વગ્રાહી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર (IPD) તેમજ બહારથી સારવાર (OPD) એમ બંને પ્રકારની સુવિધા ઉપલબ્ધ રહેશે.

સરકારનું માનવું છે કે વ્યસન માત્ર વ્યક્તિને જ નહીં, પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને અસર કરે છે. તેથી સારવારનો હેતુ માત્ર વ્યસન છોડાવવાનો નહીં, પરંતુ દર્દીને ફરી સામાન્ય, સ્વાવલંબી અને સ્વાભિમાની જીવનશૈલી તરફ પરત લાવવાનો પણ રહેશે.

આ પણ વાંચો: પંચમહાલમાં દીપડાનો આતંક, 7 વર્ષના બાળક પર હુમલો : મચ્છરદાનીને કારણે બચ્યો જીવ

નિષ્ણાતોની ટીમ રહેશે કાર્યરત

દરેક કેન્દ્રમાં તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલર, ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ, માનસિક આરોગ્ય નિષ્ણાતો અને અન્ય પ્રશિક્ષિત કર્મચારીઓની ટીમ ફરજ બજાવશે. બહુવિધ નિષ્ણાતોની આ ટીમ દર્દીની શારીરિક અને માનસિક સ્થિતિનું મૂલ્યાંકન કરીને તેની જરૂરિયાત મુજબ સારવાર અને માર્ગદર્શન આપશે.

વ્યસનમુક્તિ બાદ દર્દી ફરી વ્યસન તરફ વળે નહીં તે માટે ફોલો-અપ કાઉન્સેલિંગ અને પુનર્વસનની પ્રક્રિયા પર પણ વિશેષ ભાર મૂકવામાં આવશે. પરિવારના સભ્યોને પણ કાઉન્સેલિંગ દ્વારા સારવાર પ્રક્રિયામાં જોડવાનો પ્રયાસ કરવામાં આવશે.

પારદર્શિતા અને ગુણવત્તા પર રહેશે ભાર

યોજનાના અમલીકરણમાં પારદર્શિતા જળવાય તે માટે જરૂરી સાધનો અને મેડિકલ ઉપકરણોની ખરીદી સરકારના GeM (Government e-Marketplace) પોર્ટલ મારફતે કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર યોજનાનું નિયમિત મોનીટરિંગ, સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ કરવામાં આવશે, જેથી સેવાની ગુણવત્તા જળવાઈ રહે અને નાણાંનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત થઈ શકે.

આ પણ વાંચો: 20 આરોપી, 38 હથિયાર અને 32 કારતૂસ... : રાજકોટના વેપન કાર્ટેલમાં PCBની સૌથી મોટી કાર્યવાહી

વ્યસનમુક્ત ગુજરાતના લક્ષ્યને મળશે વેગ

ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં એક તરફ નશાના ગેરકાયદે વેપાર સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ વ્યસનથી પીડિત લોકોના સારવાર અને પુનર્વસન પર પણ ભાર મૂક્યો છે. તમામ જિલ્લા હોસ્પિટલોમાં ડી-એડિક્શન સેન્ટરો શરૂ કરવાનો નિર્ણય આ અભિગમને વધુ મજબૂત બનાવશે.

આ નવી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ રાજ્યના હજારો વ્યસનગ્રસ્ત દર્દીઓને પોતાના જિલ્લામાં જ સમયસર સારવાર, માનસિક સહાય અને પુનર્વસનની સુવિધા મળશે. નિષ્ણાતોના મતે સમયસર સારવાર અને સતત કાઉન્સેલિંગ દ્વારા વ્યસનમુક્તિના પરિણામોમાં સુધારો થઈ શકે છે અને તેનાથી પરિવારોનો આર્થિક તેમજ સામાજિક બોજ પણ ઘટી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now