ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ ગુરુવાર, 23 જુલાઈ, 2026ના રોજ યોજાશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2003થી શરૂ કરાયેલો આ કાર્યક્રમ દર મહિનાના ચોથા ગુરુવારે યોજવામાં આવે છે, જેમાં રાજ્યભરના નાગરિકોને પોતાની સમસ્યાઓ અને રજૂઆતો સીધી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવાની તક મળે છે.
કાર્યક્રમ અંતર્ગત અરજદારો પોતાની ફરિયાદો અને રજૂઆતો સવારે 8:00 વાગ્યાથી 11:00 વાગ્યા સુધી મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ નોંધાવી શકશે. આ પ્રક્રિયા દ્વારા વિવિધ વિભાગોને લગતી બાકી રહેલી ફરિયાદો અને પ્રશ્નો મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: 20 આરોપી, 38 હથિયાર અને 32 કારતૂસ... : રાજકોટના વેપન કાર્ટેલમાં PCBની સૌથી મોટી કાર્યવાહી
બપોરે મુખ્યમંત્રી કરશે ફરિયાદોનું નિરાકરણ
સવારે રજૂઆતો સ્વીકાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે પ્રત્યક્ષ ઉપસ્થિત રહી અરજદારોની ફરિયાદો અને રજૂઆતો સાંભળશે. સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ઓનલાઈન સંકલન દ્વારા રજૂઆતોના ઝડપી અને અસરકારક નિવારણ માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવશે.
રાજ્ય સ્વાગત કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને સરકારના ઉચ્ચ સ્તર સુધી સીધી પહોંચ ઉપલબ્ધ કરાવવાનો તેમજ લાંબા સમયથી બાકી રહેલી ફરિયાદોનું સમયસર નિરાકરણ લાવવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગો વચ્ચે સંકલન દ્વારા અરજદારોને યોગ્ય ન્યાય અને ઝડપી નિર્ણય મળે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે.
પણ વાંચો: પંચમહાલમાં દીપડાનો આતંક, 7 વર્ષના બાળક પર હુમલો : મચ્છરદાનીને કારણે બચ્યો જીવ
2003થી ચાલી રહેલી પારદર્શક ફરિયાદ નિવારણ વ્યવસ્થા
વર્ષ 2003માં શરૂ કરાયેલા રાજ્ય સ્વાગત કાર્યક્રમને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જનકેન્દ્રિત પહેલ માનવામાં આવે છે. ટેક્નોલોજીના ઉપયોગથી ફરિયાદ નિવારણ પ્રક્રિયાને વધુ પારદર્શક અને જવાબદાર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓ અને વિભાગો સાથે ઓનલાઈન જોડાણ કરીને ફરિયાદોના નિકાલની સમીક્ષા પણ કરવામાં આવે છે.
રાજ્ય સરકારે નાગરિકોને અપીલ કરી છે કે જેમને રાજ્ય સ્તરે રજૂઆત કરવાની જરૂર હોય તેઓ નિર્ધારિત સમય દરમિયાન જરૂરી દસ્તાવેજો સાથે સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે હાજર રહી પોતાની અરજી નોંધાવે.





