અમદાવાદમાં આંગડિયા પેઢીના એક કર્મચારી ₹80.56 લાખના સોનાં, ચાંદી અને હીરાના દાગીના લઈને કર્મચારી ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના શહેરના કાલુપુર વિસ્તાર સાથે સંકળાયેલી છે, જ્યાંથી આંગડિયા પેઢી દ્વારા પાર્સલ ડિલિવરી માટે મોકલાયેલ કર્મચારી રસ્તામાં જ ગાયબ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટનાએ વેપારી વર્તુળોમાં ચિંતા અને આશ્ચર્યનું વાતાવરણ ઊભું કર્યું છે. જીગરસિંહ વિહોલ નામના કર્મચારીને પાલડી વિસ્તારમાંથી સહજાનંદ ટ્રાવેલ્સની બસમાં બેસાડવામાં આવ્યો હતો. તે અમદાવાદથી ભુજ તરફ જઈ રહ્યો હતો અને તેની પાસે દાગીનાં ભરેલું પાર્સલ સોંપવામાં આવ્યું હતું.
બસ (નંબર AR-01-Y-8199) ભુજ પહોંચ્યા બાદ જ્યુબિલી સર્કલ વિસ્તારમાં તે ઉતર્યો હતો. પરંતુ ત્યારબાદ તે અચાનક ગાયબ થઈ ગયો. ત્યારથી તેનો કોઈ સંપર્ક થયો નથી અને તેનો મોબાઈલ પણ સતત સ્વિચ ઓફ આવી રહ્યો છે, જેના કારણે ચોરી અને વિશ્વાસઘાતની શંકા વધુ ગાઢ બની છે.
આ પણ વાંચો: મહીસાગરમાં 47 લાખનો પોષડોડાનો જથ્થો ઝડપાયો : ફિલ્મી ઢબે કરાયો પીછો આરોપીઓ થયા ફરાર
પાર્સલમાં સોનાં, ચાંદી અને હીરા હતા
પાર્સલમાં ઊંચી કિંમતના દાગીના હતા, જેમાં સોનાં, ચાંદી અને ડાયમંડનો સમાવેશ થતો હતો. આંગડિયા પેઢી દ્વારા આ પાર્સલ ગ્રાહક સુધી સુરક્ષિત રીતે પહોંચાડવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આંગડિયા વ્યવસાયમાં વિશ્વાસ સૌથી મહત્વનો તત્વ માનવામાં આવે છે, અને આવી ઘટના સમગ્ર વ્યવસાય માટે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. વેપારીઓ વચ્ચે હવે સુરક્ષા અને ચકાસણીની વ્યવસ્થા વધુ મજબૂત કરવાની જરૂરિયાત અંગે ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: અમદાવાદમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો : આદિત્ય રાઠોડ ઝડપાયો, 2 આરોપી ફરાર
કાલુપુર પોલીસે ગુનો નોંધાયો
આ સમગ્ર મામલે કાલુપુર પોલીસે વિશ્વાસઘાત અને ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે બસની વિગતો, મુસાફરીનો રૂટ, અને કર્મચારીના છેલ્લા સંપર્ક અંગે તપાસ શરૂ કરી છે. સાથે જ, CCTV ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે આરોપીની શોધખોળ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રો મુજબ, આ કેસમાં વધુ તથ્યો સામે આવવાની શક્યતા છે અને તપાસના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
કર્મચારીઓની બેકગ્રાઉન્ડ ચકાસણી, ટ્રેકિંગ સિસ્ટમ અને ઈન્શ્યોરન્સ જેવી વ્યવસ્થાઓ વધુ અસરકારક બનાવવી હવે જરૂરી બની છે પોલીસની તપાસ આગળ વધતા આ કેસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, અને આરોપીની ધરપકડ માટે પ્રયાસો ચાલુ છે.





